
17/10/2024
સાહિત્ય-સ્વરૃપ સ્વાધ્યાય-શ્રેણી...
સાહિત્યના ઈતિહાસમાં મુખ્ય-ગૌણ એમ વિવિધ પ્રકારનાં અનેક સાહિત્યસ્વરૃપો અવલોકવા મળતાં હોય છે. મોટેભાગે આ સ્વરૃપો આગળ વિષયસામગ્રીની અર્થપૂર્ણ અભિવ્યક્તિ અર્થે અસ્તિત્વમાં આવ્યાં હોય છે. સામાજિક કે સંસ્કૃતિમૂલક સંદર્ભોથી જે-તે સ્વરૃપ પ્રગટે અને પ્રયોજાઈને વિકાસ પામતાં રહેતા. એમાં આંતરિક પરિવર્તન, રૃપાંતર થતું રહેતું હોય છે. કોઈ મુખ્ય સ્વરૃપ ગૌણ બની જાય અને ગૌણસ્વરૃપ મુખ્ય બની જાય એ આખું તંત્ર સાહિત્યના ઈતિહાસનો ભાગ બની રહેતું હોય છે. આ સંરચના-સ્ટ્રક્ચર અને ફોર્મ-સ્વરૃપને સાહિત્યના ઈતિહાસની કળાકીય વિકાસરેખા ગણવાની રહે.
આમાં પૂર્વાપર અને કાર્યકારણ સંદર્ભ પાર્શ્વભૂમાં પરિબળ રૃપે પડઘાતો હોય તો એ પણ સમગ્ર ખંડને - પરંપરાને નૂતન રીતે આવિષ્કાર કરાવનારું ઘટક હોઈ શકે.
સ્વરૃપનું સંવર્ધન-વિવર્ધન થતું રહેતું હોય છે. સાહિત્યના ઈતિહાસનું આવું સ્વરૃપમૂલક ઘટક-પરિમાણ પાછળ સમાજની સ્વીકૃતિ, સમાજની માંગ, સામાજિક અવસ્થિતિ પણ કારણભૂત હોય છે. સર્જકને પ્રાપ્ત પરિસ્થિતિ અને સર્જકને પ્રાપ્ત વિષય સામગ્રી એને અમુક સ્વરૃપમાં ક્રિયાશીલ થવા પ્રેરનાર-પ્રેરક પરિબળ ગણાયા. સ્વરૃપ પ્રાપ્ત કૃતિને આ પરિબળનો પ્રતિઘોષ ગણીને સાહિત્યના ઈતિહાસમાં ચર્ચવાની હોય.
ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં ઈ.સ. ૧૨૫૦થી આ પરંપરા પ્રયોજાતી રહી. મધ્યકાલીન અને અર્વાચીન ગાળામાં સમયાંતરે સંતસાહિત્ય, લોકસાહિત્ય અને ચારણીસાહિત્યની પરંપરા પ્રભાવ પાડતી રહી છે. પરંતુ ઈતિહાસમાં આ ધારાને લગભગ બહુ લક્ષમાં લેવાઈ નથી. અહીં મધ્યકાળથી અનુઆધુનિકકાળ સુધી પ્રવાહમાન સ્વરૃપોનો સ્વાધ્યાય, સાંપ્રત સમયે સ્વાધ્યાયરત અભ્યાસી અધ્યાપકોેએ પોતાની રીતે ભારે ખંતથી, નિસ્બતથી સમયસર કરી આપ્યો તે પ્રકાશિત છે.
પ્રકાશનની દુનિયામાં અમારું ઝેડકેડ પ્રકાશન ગ્રુપ થોડાં સમય પહેલાં સાંવ નવું નામ હતું. પરંતુ, આપ સૌના સ્નેહ-સહકારથી વિવિધ વિષયોના પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. એમાનાં ઘણાં પુસ્તકોની એકથી વધુ આવૃત્તિઓ પણ થઈ છે. આ તમામ શ્રેણ આપ જેવા સુજ્ઞ ભાવકોને જ જાય છે. અમારી આ સાહિત્ય-સ્વરૃપ સ્વાધ્યાય-શ્રેણીમાં લોકસાહિત્ય, સંતસાહિત્ય, મધ્યકાલીન તથા અર્વાચીન સાહિત્યના લગભગ તમામ સ્વરૃપોને ક્રમશઃ પ્રગટ કરવાની નેમ છે. નિશ્ચિત પૃષ્ઠમર્યાદા, જે-તે સાહિત્યસ્વરૃપની સંજ્ઞા-વિભાવના, લાક્ષણિકતાઓ, વિકાસરેખા તથા નમૂનારૃપ આસ્વાદ વગેરે મુદ્દાઓને ધ્યાનમાં લઈને નિશ્ચિત માળખામાં આ શ્રેણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જે-તે સાહિત્ય સ્વરૃપના સ્વતંત્ર પુસ્તકો તથા લેખો આપણને પ્રાપ્ય છે જ પરંતુ આ શ્રેણીની વિશેષતા એ છે કે ટૂંકમાં છતાં જે-તે સાહિત્યસ્વરૃપની તમામ બાબતોનો એક જ પુસ્તકમાં સમાવેશ કરવાનો પ્રયાસ થયો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તથા સ્નાતક, અનુસ્નાતક અને સાહિત્ય સંદર્ભે સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપરાંત સાહિત્યમાં-સાહિત્યસ્વરૃપોમાં ટૂંકમાં છતાં દરેક પાસાઓનો અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવનારને આ પુસ્તક આશીર્વાદરૃપ બનશે.