ગુજરાતી સુવિચાર

ગુજરાતી સુવિચાર Jignesh Mehta
(1)

21/09/2025

પ્રાયશ્ચિતનો પ્રયાસ!!"(શ્રાદ્ધ વાર્તા)

અરુણ અને અજીત બને પાકાં મિત્રો છે અને એક જ ઓફિસમાં નોકરી કરે છે! બંનેની ડીગ્રી અને પદવી બંને સરખું! અજીતને એક દિકરી અક્ષા અને અરુણને એક દીકરો આર્ય, બંનેની પત્ની પણ વર્કિંગ વુમન હતી.

રજાઓમાં સાથે પિકનિક પર જાય અને એકબીજાનાં જન્મ દિવસ કે લગ્ન દિવસ નિમિત્તે ભેગા થાય , આમ એમ કહો કે બે ભાઈઓનો પરિવાર એક જ શહેરમાં રહેતો હોય એમ!

આજે અરુણ એ અજીતનાં ફેમિલીને પોતાના ઘરે જમવા બોલાવ્યા હતાં! રજાનો દિવસ હતો અને ત્રણેય જણા અરુણને ઘરે પહોંચી ગયા! અક્ષાને એમ કે આર્ય સાથે રમવા મળશે એમ વિચારી ખુશ હતી તો! અજીતની પત્ની આકૃતિ દિવાળી આવતી હોવાથી અરુણની પત્ની અદિતિ સાથે શોપિંગ પ્લાન થઈ જશે અને જો મેળ પડશે તો આજે જ બંને જઈ આવશે, એમ વિચારી ને આવી હતી.

અરુણની મમ્મીનું શ્રાદ્ધ હતું એટલે જમવાનું હતું, દૂધપાક પુરી અને બટેટા વડાનું જમણ જમી પરવાર્યા પછી, આકૃતિ અને અદિતિ બંને પ્લાન મુજબ શોપિંગમાં ગઈ! આર્ય અને અક્ષા બંને સ્કૂલના પ્રોજેક્ટ વિશે કામ કરવા લાગ્યા.

અરુણ અને અજીત એકલાં પડ્યા એટલે અજીતે અરુણને પુછ્યુ યાર તું આ શ્રાદ્ધમાં માને છે? એણે કહ્યું કે ના હું માનતો નથી! પણ... એ અટકી ગયો!

એટલે અજીતે પુછ્યુ પણ શું? એણે કહ્યું યાર મમ્મી માટે એનાં જીવતાં એવું કંઈ કરી શક્યો નથી! અને તું જાણે છે મારા પપ્પા તો બહુ નાની ઉંમરે ગુજરી ગયા હતાં, મમ્મી એ જ મને ઉછેરીને મોટો કર્યો! ચાર્ટડ એકાઉન્ટન્ટ સુધી ભણાવ્યો! અને એનાં કેટલાં અરમાન હતાં કે પછી અમારી સાથે રહે! પણ.. વળી એ અટકી ગયો, પછી આગળ કહ્યું કે અદિતિને એની સાથે નહીં ફાવે, તો રોજનાં ઝઘડા થશે! એટલે દર વખતે કોઈને કોઈ બહાનું આગળ કરી દેતો! ઈવન મેં અદિતિને પણ મમ્મી આવવા માંગે છે એવું કહ્યું નહીં! અને આમને આમ લગ્ન પછીનાં પાંચ વર્ષ ચલાવ્યું. પછી આર્યનો જન્મ થયો અને એની કેર કરવા તો કોઈ જોઈશે, એટલે મમ્મીનો ઓપ્શન અદિતિ સ્વીકારી લેશે, એમ સમજી હું રાજી થઈ ગયો,

પણ વિધીને એ મંજૂર નહોતું એટલે એ સમય આવે એ પહેલાં જ એ આર્યનું મોઢું જોયા વગર જ વૈકુંઠની વાટે ચાલી નીકળી! અને આટલું બોલતા તો એનાં ગળે ડૂમો ભરાઈ આવ્યો.

અજીત એ એને વાંસામાં હાથ ફેરવીને પાણી પાયું. અરુણે કહ્યું કે ગયા મહિને ટેક્સમાં મુક્તિ મળે એટલે માય ફ્રેન્ડસ નામનાં ઓલ્ડ એજ હોમમાં દાન આપવા ગયો હતો, ત્યાં એક મમ્મી જેવડાં બહેન મને મળ્યાં, એમણે કહ્યું કે તમારું નામ અરુણ છે? મેં કહ્યું કે હાં તો એણે કહ્યું કે તારી મમ્મી મારી સહેલી હતી, અને અમે બંને જણા સેલ્સ વુમનનું કામ કરતા હતાં. અમે રોજ સાથે જ વસ્તુઓનું માર્કેટિંગ કરવા જતાં, રસ્તામાં કોઈ મસ્ત કાર નીકળે એટલે એને જોઈ રહેતી, અને પછી મને તમારો ફોટો બતાવી કહે કે સુનીતા જોજે એક દિવસ અરુણ ચાર્ટડ એકાઉન્ટન્ટ બની જાય, પછી હું પણ આમ ગાડીમાં ફરીશ!

અને અરુણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો! મમ્મીને કેટલાં અરમાનો હતાં, પણ હું એકે પૂરાં ન કરી શક્યો! એટલે આમ શ્રાદ્ધ કરીને અને ઓલ્ડ એજ હોમમાં દાન કરીને મન મનાવુ છું! જીવતા તો મમ્મી ન આવી શકી પણ આમ શ્રાદ્ધને બહાને ફોટો આવ્યો!

અજીત જોવાની વાત એ છે કે મમ્મી ગુજરી ગઈને તોય એના મોઢા પર પોતાના દિકરા માટે એકપણ ફરિયાદનો ભાવ નહોતો અને હવે.... હવે શું??: આવતે મહિનાથી છ મહિના માટે અદિતિની મમ્મી અમારી સાથે રહેવા આવે છે, એનાં પપ્પા ગુજરી ગયાં, અને ભાઈ ભાભી અહીંની મિલકત વેચીને પછી એને વિદેશ લઈ જશે! અત્યારે એમને રજા મળે એમ નથી. ભલે અદિતિની મમ્મી એટલે એ મારી પણ મા જ છે! પણ આ સુખ હું મમ્મીને ન‌ આપી શક્યો એનું દુઃખ હવે રોજ થશે.

અજીત પોતાના પરિવાર સાથે રાત્રે ઘરે પાછો આવ્યો અને અક્ષાએ એને પુછ્યુ પપ્પા શ્રાદ્ધ એટલે શું? આર્ય કહેતો હતો કે શ્રાદ્ધમાં એની દાદી કાગડો બનીને કાંતો ગાય બનીને જમવા આવે ?

અજીત શું કહે?: એ આ બધી વાતોને માનતો નહોતો! પણ... એ વિચારતો હતો કે મા ગુજરી ગયા પછી પપ્પા ગામમાં એકલા છે, એણે ઘણીવાર એને લાવવા પ્લાન કર્યો, પણ પછી પોતે જ માંડી વાળ્યું! કારણ કે પોતાના પપ્પા (બાપુજી) અહી આવશે તો એનું સ્ટેટ્સ ઘટી જશે. પપ્પાની ઉંમર ઘણી મોટી થઈ, પછી પોતાનો જન્મ છે ! અને એ દેખાવે સામાન્ય તો ઉપરથી બોલી પણ ગામડાની અને હવે તો તમાકુ બીડીની આદત પણ છે! કેમ કરીને આ સોફેશ્ટિકેટેડ સોસાયટીમાં લાવી શકે!

જોકે આ બધું તો કહેવાનું હતું! એ લોકો પણ પાર્ટી કરે જ છે ને! અને બીડી નહીં તો સિગારેટ પણ .. હવે તો એમની તબિયત પણ સારી રહેતી નહોતી, એટલે જ એણે વચલો માર્ગ શોધ્યો હતો, કે એ તેને અહીંના લકઝરિયેશ ઓલ્ડ એજ હોમમાં દાખલ કરી દે.

પણ આજે અરુણની વાત સાંભળીને એ વિચારમાં પડી ગયો અને એણે નક્કી કર્યું કે એ બાપુજીને અહીં લઈ આવશે! અને બીજે દિવસે સવારે જ એણે રજા મુકીને તૈયાર થઈને આકૃતિને કહ્યું, હું આજે રજા પર છું, ગામ જાઉં છું પપ્પાને લેવા! અક્ષા બોલી પપ્પા દાદાજી આપણી સાથે રહેશે! એણે કહ્યું હાં! એણે કહ્યું વાહ મને સ્ટોરી સાંભળવા મળશે! અને એણે ગાડી મારી મૂકી..

એકવાર કેબીસીના મંચ પરથી હાલનાં સમયની એક કડવી વાસ્તવિકતા બતાવી હતી, સ્મિત ફાઉન્ડેશન!: શો જોનાર દરેકની આંખમાં આંસું હતાં! પણ આ એ જ સમાજ છે, જેમાં આપણે રહીએ છીએ, અને એમાં દેખાંડેલા કિસ્સા પણ આપણામાંથી જ કોઈક છે! અને છતાં એ સુસભ્યનું લેબલ લગાડીને ફરે છે! વિધિની વિટંબણા કહો કે સમયની! પણ વિચારવા જેવો પ્રશ્ન તો એ છે, કે શું એમાં આપણો કોઈ જ દોષ નથી??? સમય રહેતાં હજી પણ વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટવી જોઈએ! પહેલા તો લોકો એવું પણ વિચારતાં કે આપણે એમની સાથે જેવું કરીશું, એવું જ આપણા સંતાનો આપણી સાથે કરશે! પણ હવે આવતીકાલ વિશે એટલું લાંબુ કોઈ વિચારતું નથી! અને પોતાનાં મોજશોખમાં બાધાં આવે એટલે સંતાન પણ ક્યાં કરે છે! આવીજ કંઈક આ વાત છે. અને વધતાં જતાં વૃદ્ધાશ્રમ એ આજના સમાજની કડવી વાસ્તવિકતા છે!!

21/09/2025
19/09/2025

લેખક ડો શરદ ઠાકર

શેઠજીના મોંમાંથી સરી પડ્યું, ‘ભગવાન પણ ખરો છે! કેવી ઝૂંપડીમાં કેવું રૂપ મોકલી આપે છે! નીતિનભાઈ, તમારા ઘરનું રૂપ હું મારા મહેલમાં લઈ જવા માટે આવ્યો છું.

નીતિનભાઇનું ઘર આજે ખુશીથી ઝળહળી ઊઠ્યું હતું. સાંજે જ્ઞાતિના એક આબરુદાર વચેટિયાએ જ્યારે આવીને એમને કહ્યું, ‘નીતિનભાઈ, ખૂબ સારા સમાચાર લાવ્યો છું. કાલે સાંજે શેઠ કિશોરીલાલ એમના દીકરા કલ્હાર માટે તમારી દીકરીનો હાથ માગવા માટે તમારા ઘરે પધારવાના છે.’ ત્યારથી જ નીતિનભાઇનું મગજ ચક્કર, ચક્કર ધુમવા લાગ્યું હતું. ક્યાં શેઠ કિશોરીલાલ અને ક્યાં પોતે!

શરૂઆતમાં તો એમને આ વાત મજાક જેવી લાગી હતી. એમણે પેલાને પૂછી પણ લીધું હતું, ‘ભાઇ, મારી મશ્કરી તો નથી કરતાને?’
પેલો ગંભીર હતો, ‘ના નીતિનભાઇ, હું આવી વાતમાં તમારી તો શું બીજા કોઇની પણ મશ્કરી ન કરું. શેઠ કિશોરીલાલ ખરેખર તમારા ઘરે આવવાના છે. એ પોતે સીધા તમારી સાથે વાત કરે એ વ્યાવહારિક ન ગણાય, એટલે એમણે મારા દ્વારા કહેવડાવ્યું છે.
‘ભલે! હું માની લઉં છું, પણ મને એ જણાવશો કે એમના જેવા અબજોપતિને મારા જેવા રંકની દીકરીમાં શા માટે રસ પડ્યો?’

પેલો સજ્જન નીતિનભાઇના ભોળપણ પર હસી પડ્યો. ‘નીતિનભાઇ, તમે તમારી દીકરીને ક્યારેય ધ્યાનપૂર્વક જોઇ છે ખરી? આપણી જ્ઞાતિની વાત જવા દો, આખા શહેરમાં તમારી દીકરીની તોલે ઊભી રહી શકે એવી એક પણ યુવતી નથી. તમારા ભાડાના ઘરમાં પ્રગટેલો આ રૂપનો બલ્બ કોઇ મોટી હવેલીનું કીમતી ઝુમ્મર બનવા સજાર્યું છે. મેં આ સમાચાર જાણ્યા ત્યારે મને પણ તમારા જેટલું જ આશ્ચર્ય થયું હતું, પણ પછી તરત હું ખુશ થઇ ઊઠ્યો હતો. એક શુભચિંતક તરીકે હું સલાહ આપું છું કે શેઠજીની સરભરામાં કશી મણા રહી જવા ન દેતા. શેઠજી જરા અભિમાની છે. એમની શ્રીમંતાઇનો નશો એમના દિમાગ પર સવાર થઇ ગયેલો છે, પણ એમની એક જ મુલાકાત સાચવી લેશો તો દીકરીનો જન્મારો સુધરી જશે.’

કહેનાર તો કહીને ચાલ્યા ગયા, પણ નીતિનકુમાર ચકરાઇ ગયા. પત્ની વગરનું ઘર. એક રૂમ અને રસોડું. દોઢ ખોલીનું મકાન. એક ખૂણામાં પાટ. જે દિવસે બેસવાના કામમાં આવતી અને રાત્રે સૂવા માટે. એક ખૂણામાં ડામચિયો. પોપડા ઊખડી ગયેલી દીવાલ પાસે જૂના જમાનાની લાકડાની ચોરસ પેટી. ઘરની અડધી ઘરવખરી એ પેટીમાં બંધ હતી. છત ઉપરથી લટકતો પંદર વોટનો પીળો પ્રકાશ પાથરતો બલ્બ અને એ બલ્બ જેવો જ ફિક્કો આ ઘરનો માલિક, નીતિનભાઇ પોતે. આ બધામાં અપવાદ જેવું કંઇ હોય તો એ માત્ર નીતિનભાઇની દીકરી હતી.

દીકરી જન્મી એ પહેલાં જ એની મમ્મીએ એનું નામ નક્કી કરી રાખ્યું હતું. ‘જો દીકરી જન્મશે તો એનું નામ કિશ્તી રાખીશું.’ આજે કિશ્તી 22 વર્ષની થવા આવી હતી અને એની જન્મદાત્રીના અવસાનને અત્યારે સાતમું વર્ષ ચાલતું હતું. માતા જાણતી હતી કે લાંબી બીમારીમાંથી એ બેઠી થવાની નથી એટલે દીકરીને સંપૂર્ણ ઘરકામની સાથે સાથે ઉચ્ચ સંસ્કારોનો વારસો આપી ગઇ હતી.

નીતિનભાઇએ વહેલી સવારથી જ તૈયારી શરૂ કરી દીધી. દીકરીને જણાવી દીધું, ‘બેટા, તારી પાસે સારાં કપડાં ન હોય તો તારી બહેનપણી પાસેથી લઇ આવજે. સાંજ સુધીમાં સજીધજીને એવી તૈયાર થઇ જજે કે તને જોઇને...’
કિશ્તીને આ ન ગમ્યું. એણે દલીલ કરી, ‘પપ્પા, એ લોકો મને જોવા આવે છે કે મારાં કપડાંને. હું જેવી છું તેવી જ સારી છું.’
નીતિનભાઇએ એને સમજાવી, ‘બેટા, તે પેલી કહેવત સાંભળી છે ને? એક નૂર આદમી, હજાર નૂર કપડાં; લાખ નૂર ટાપટીપ, કરોડ નૂર નખરાં.’
કિશ્તી છણકો કરી ઊઠી, ‘પપ્પા, મને એવું બધું નહીં ફાવે. મારી મમ્મી કહેતી હતી કે સંસ્કારી છોકરીઓ ક્યારેય નખરાં ન કરે.’

‘પણ જિંદગીમાં ક્યારેક ટાપટીપ તો કરેને? કે તારી મમ્મી એની ય ના પાડી ગઇ છે?’ નીતિનભાઇ આટલું બોલતાંમાં તો આંખ ભીની કરી બેઠા. ભીંત ઉપર લટકતા ફોટા પાસે જઇ અને બોલી ઊઠ્યા, ‘વિભુ, આજે મારી અને તારી દીકરીની લાજ રાખજે. આપણી દીકરી સુખી થાય એવા આશીર્વાદ આપજે.’

એ પછી બાપ-દીકરી ઘરની સાફસફાઇમાં લાગી ગયાં. ભૂખડીબારસ જેવી ઓરડીને ગમે એટલી સાફ કરો કે સજાવો તોપણ એમાં કેટલો સુધારો થાય? અંગૂઠો સૂજીને થાંભલો થોડો થવાનો હતો! સાંજે છ વાગ્યે મહેમાનો પધારવાના હતા. છેક પાંચ વાગ્યા સુધી બાપ-દીકરી મહેનત કરતાં રહ્યાં. છેવટે કિશ્તીએ કહી દીધું, ‘પપ્પા, હવે વધારે કશું જ કરવું નથી. બે-ત્રણ વ્યક્તિઓ બેસી શકે એટલી વ્યવસ્થા આપણે કરી દીધી છે. સરભરામાં ચા-નાસ્તો આપીશું અને સારી અને સંસ્કારી રીતે વાતો કરીશું. પછી એમણે જે નિર્ણય લેવો હોય તે લઇ શકે છે. આપણે ગમે એટલું કરીએ તો પણ એ લોકોની તોલે તો આવી શકવાના નથી જ.’

સાંજે છ વાગ્યે એ ગરીબ મહોલ્લામાં બે કરોડની બ્રાન્ડેડ કાર આવીને ઊભી રહી. ડ્રાઇવર કારમાં જ બેસી રહ્યો. મહારાજા જેવો રૂઆબ ધરાવતા શેઠ કિશોરીલાલ અને યુવરાજ જેવો સોહામણો દેખાતો કલ્હાર ઘરમાં પ્રવેશ્યા. એક ગરીબ બાપે બે હાથ જોડીને એમને આવકાર્યા.લાકડાંની પાટ ઉપર મહેમાનો બિરાજમાન થયા. શેઠજીના મોંમાંથી પહેલી પ્રતિક્રિયા આવી સરી પડી, ‘ભગવાન પણ ખરો છે! કેવી ઝૂંપડીમાં કેવું રૂપ મોકલી આપે છે! નીતિનભાઇ, તમારા ઘરનું રૂપ હું મારા મહેલમાં લઇ જવા માટે આવ્યો છું.’

નીતિનભાઇ જવાબ આપે તે પહેલાં જ ટ્રેમાં પાણીના ગ્લાસ લઇને કિશ્તી આવી ગઇ. કિશ્તીને જોઇને શેઠજી આભા બની ગયા. ‘ નીતિનભાઇ, મારે કંઇ જ પૂછવું નથી. અમને કન્યા ગમી ગઇ છે. હવે સગાઇનું નહીં, સીધું લગ્નનું જ મુહૂર્ત કઢાવો. બીજી કોઇ વાતની ચિંતા કરશો નહીં. મારો મેનેજર ત્રણ દિવસમાં તમને એક પોશ વિસ્તારના સારા બંગલામાં શિફ્ટ કરી દેશે. આ ઘરના બારણે મારા દીકરાની જાન આવે તે શોભે નહીં. તમારી દીકરી માટેનાં 151 જોડી કપડાં અને 100 તોલા સોનાના દાગીના પણ અમે કરાવી આપીશું. લગ્નનો અને રિસેપ્શનનો તમામ ખર્ચ અમે ભોગવીશું. તમારે જેટલા લોકોને આમંત્રણ આપવું હોય એ બધાનું લિસ્ટ અમને આપી દેજો, પણ એ બધું છેલ્લી વારનું હશે. લગ્ન પછી તમારી દીકરીનું સ્તર બદલાઇ જશે. એણે એની રીતભાત, બોલચાલ અને સંબંધો બધું અમારા ખાનદાનને શોભે એવું...’
વીસ મિનિટથી પણ ઓછા સમયમાં એકપક્ષી વાત પૂરી કરીને મહારાજા અને યુવરાજ વિદાય થઇ ગયા. કલ્હાર જતાં જતાં પોતાનો મોબાઇલ નંબર આપતો ગયો.

એક કલાક પછી કિશ્તીએ કલ્હારને મેસેજ કર્યો,
‘તમે મને પામવા આવ્યા હતા કે ખરીદવા? તમારા પિતાશ્રીના એક-એક શબ્દમાંથી એક-એક કરોડ રૂપિયા ખરતા હતા. મારે એક વાતની સ્પષ્ટતા કરવી છે. આ જગતમાં ધનવાનોની ઇજ્જત માત્ર તેમના ધનના કારણે હોય છે અને ગરીબોનું તો ધન જ એમની ઇજ્જત હોય છે. તમે દેખાવમાં તો મને ગમ્યા છો, પણ તમારા વિચારો હું જાણતી નથી. તમે પણ તમારા પપ્પા જેવા જ છો? તો મને ભૂલી જજો. જો તમારા વિચારો જુદા હોય તો... લગ્નનું મુહૂર્ત બને એમ વહેલું કઢાવજો
લિ.
અત્યારે તો મારી જ, પણ ભ‌વિષ્યમાં કદાચ તમારી કિશ્તી’

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પત્ની ,જેમને સ્વતંત્રતા પછી ભારતમાં પ્રવેશવાની મંજૂરી નહોતી, જાણો કેમ?આ વાર્તા એમિલી શેન્કલ નામ...
17/09/2025

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પત્ની ,જેમને સ્વતંત્રતા પછી ભારતમાં પ્રવેશવાની મંજૂરી નહોતી, જાણો કેમ?

આ વાર્તા એમિલી શેન્કલ નામની એક જર્મન મહિલાની છે. ઘણા લોકો એ તો નામ પણ નહીં સાંભળ્યું હોય અને જો તમે સાંભળ્યું નથી, તો તમે દોષિ નથી, કેમ કે આ નામ ઇતિહાસમાંથી ભૂંસી નાખવામાં આવ્યું હતું.

એમિલી શેન્કલે ૧૯૩૭માં ભારત માતાના સૌથી પ્રિય પુત્ર સાથે લગ્ન કર્યા અને એક દેશને પોતાના સાસરિયા તરીકે પસંદ કર્યો જેણે ક્યારેય આ પુત્રવધૂનું સ્વાગત કર્યું નહીં. પુત્રવધૂના આગમન પર કોઈએ મંગલ ગીત ગાયું નહીં, કે તેમની પુત્રીના જન્મ પર કોઈ સોહર ગાયું નહીં. લોકોમાં ક્યારેય તે કેવી રીતે જીવી રહી છે તેની ચર્ચા થઈ નહીં.

તેમના લગ્નજીવનના કુલ સાત વર્ષમાં, તેમને તેમના પતિ સાથે ફક્ત ત્રણ વર્ષ રહેવાની તક મળી, પછી તેમને અને તેમની નાની પુત્રીને છોડીને, તેમના પતિ દેશ માટે લડવા ગયા અને વચન આપ્યું કે પહેલા તેઓ દેશને આઝાદ કરશે અને પછી તેઓ તેમનું બાકીનું જીવન તેમની સાથે વિતાવશે, પરંતુ આવું બન્યું નહીં અને 1945 માં તેઓ એક કથિત વિમાન દુર્ઘટનામાં ગુમ થઈ ગયા.

તે સમયે એમિલી શેન્કેલ ખૂબ જ નાની હતી, જો તે ઇચ્છતી હોત, તો તે યુરોપિયન સંસ્કૃતિ અનુસાર ફરીથી લગ્ન કરી શકતી હતી, પરંતુ તેણીએ તેમ ન કર્યું અને તેણીનું આખું જીવન ખૂબ જ સંઘર્ષમાં વિતાવ્યું. ટેલિગ્રાફ ઓફિસમાં કારકુનની સાદી નોકરી અને ખૂબ જ ઓછા પગાર સાથે, તેણી પોતાની પુત્રીનો ઉછેર કરતી રહી, ન તો કોઈને ફરિયાદ કરી કે ન તો કંઈ માંગ્યું.

ભારત પણ ત્યાં સુધીમાં સ્વતંત્ર થઈ ગયું હતું અને તે તે દેશની મુલાકાત લેવા માંગતી હતી જેની સ્વતંત્રતા માટે તેમના પતિ એ પોતાનો જીવ આપ્યો હતો.

ભારતનો બીજો રાજકીય પરિવાર આ એક મહિલાથી એટલો ડરતો હતો કે, જેને અહીં સન્માન સાથે બોલાવવામાં આવવા જોઈએ અને દેશની નાગરિકતા આપવામાં આવવી જોઈએ, પણ તેને ક્યારેય ભારતનો વિઝા પણ આપવામાં આવ્યો નહીં.

આખરે, મુશ્કેલીઓથી ભરેલું અને કોઈપણ પ્રકારના ગ્લેમરથી દૂર ખૂબ જ સરળ જીવન જીવ્યા પછી, શ્રીમતી એમિલી શેન્કલનું માર્ચ 1996 માં ગુમનામ અવસાન થયું. એમિલી શેન્કલનું પૂરું નામ "એમિલી શેન્કલ બોઝ" હતું.

તે આ દેશના સૌથી લોકપ્રિય નેતા, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ના ધર્મ પત્ની હતા જેમને ગાંધી પરિવારે ક્યારેય આ દેશમાં પગ મૂકવા દીધો ન હતો. કદાચ નેહરુ અને તેમના પરિવારને ખબર હતી કે આ દેશ આ વિદેશી પુત્રવધૂ ને ખૂબ આદર આપશે. તેમને લાગ્યું કે એમિલી બોઝનું આ દેશમાં પગ મૂકવો તેમની સત્તા માટે એક પડકાર છે... અને એવું જ હતું.

17/09/2025

ઇત્તફાક સે તો નહીં હમ સબ ટકરાયે
થોડી સાજિશ તો ખુદા કી ભી હોગી!

ડૉ. શરદ ઠાકર

રાત્રિના સાડા અગિયાર વાગ્યા ત્યારે શિખર ઘરે પહોંચ્યો. ડોરબેલ દબાવ્યો. પપ્પાએ બારણું ઉઘાડ્યું. પહેલો સવાલ આ પૂછ્યો, ‘બેટા, તારી મમ્મી માટેની મેડિસિન્સ લાવ્યો છેને?’

શિખરે જમણો હાથ કપાળ પર ઠપકાર્યો, ‘ઓહ પપ્પા! આઇ એમ સો સોરી. મમ્મી માટેની ટેબ્લેટ્સ લાવવાનું તો હું ભૂલી જ ગયો. મિનેષ, હિતેષ, રિતેશ અને...’

‘મને ખબર જ હતી કે તું ભૂલી જવાનો છે. તારી જિંદગીમાં રખડવું, ભટકવું, મિત્રોની સાથે ટોળટપ્પા કરવા, હોટલોમાં આચરકૂચર નાસ્તા-પાણી કરવાં એ જ મહત્ત્વનું છે. મા અને બાપ જાય ભાડમાં!’ અનુભાઈના બોલવામાં દીકરાની ગફલત પ્રત્યે જોરદાર આક્રોશ હતો, ચીડ હતી, ઠપકાનો ભાવ હતો અને નફરત હતી.

શિખર પણ સમજી ગયો કે એણે ખૂબ મોટી ભૂલ કરી નાખી હતી. ઘરમાં માત્ર ત્રણ જ સભ્યો હતા. વૃદ્ધ, બીમાર મમ્મી, નિવૃત્ત પપ્પા અને ત્રીજો પોતે. કોલેજ પૂરી કરીને નોકરીમાં જોડાયેલો જુવાન દીકરો. શિખર નામ.

શિખર જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે જ પપ્પા પાસે જીદ કરી હતી, ‘પપ્પા, મને બાઇક અપાવો.’

‘બેટા, આપણે એવા પૈસાદાર નથી કે હું... આપણું ઘર મારા પેન્શન પર ચાલે છે. એમાં તારો ભણવાનો ખર્ચો, તારી મમ્મીની બીમારી, ડૉક્ટરની ફી અને દવાઓ અને એવું હોય તો કાલથી મારી સાઇકલ તું વાપરજે.’


'સાઇકલ?’ શિખરે મશ્કરીભર્યા અવાજમાં કહ્યું હતું, ‘હું તમારી પાસે મોટરસાઇકલની માગણી કરું છું અને તમે મને સાઇકલ આપવાની વાત કરો છો? પપ્પા, કોલેજમાં તો હવે છોકરીઓ પણ સાઇકલ પર નથી આવતી.’
અનુભાઈ ગરીબ હતા, પણ બાપ હતા. ઉછીના-ઉધાર લઈને દીકરાને બાઇક લઈ આપી, પણ એ પછી તો શિખરનું રખડવાનું વધી ગયું. ઘરમાં પગ વાળીને બેસવાનું નામ જ નહીં. બે ટંક જમવા માટે જ ઘર યાદ આવે.

એમાં આજે સાંજે એ ‘ફ્રેન્ડ્ઝની સાથે ફરવા જાઉં છું’ કહીને ગયો તે ગયો. અનુભાઈએ પૂછ્યું હતું, ‘ક્યારે પાછો આવીશ?’

‘ઓહ પપ્પા!’ શિખરે સહેજ ચિડાઈને પૂછ્યું હતું, ‘હું આઠ વાગ્યે આવું કે દસ વાગ્યે, તમને શું ફરક પડે છે?’

‘બેટા, ઘણો ફરક પડે છે. તને અત્યારે નહીં સમજાય. તારો દીકરો જ્યારે જુવાન થશે ત્યારે સમજાશે, પણ જવા દે એ વાત. મારે તને એક કામ સોંપવાનું છે.

શું?’

જ્યારે તું પાછો આવે ત્યારે તારી મમ્મી માટે દવાઓ લેતો આવજે. બ્લડપ્રેશરની છેલ્લી ટેબ્લેટ આજે સવારે પૂરી થઈ ગઈ. ડૉક્ટરે કહ્યું છે કે સવાર-સાંજનો એક પણ ડોઝ ચૂકશો નહીં. જો ચૂકી જશો તો બી.પી. વધી જશે. બ્રેઇન હેમરેજનું પણ જોખમ...’
‘ઓકે. પપ્પા. મને પ્રિસ્ક્રિપ્શન પેપર આપો. હું ટેબ્લેટ્સ લેતો આવીશ. બીજું કંઈ?’

આ એક જ કામ યાદ રાખે તો પણ સારું.’ પપ્પાને દીકરાના ભુલકણા સ્વભાવ વિશે જાણ હતી. શિખર સાવ ભુલકણો હતો એવું ન હતું, સાથે સાથે તે બેદરકાર પણ હતો. મિત્રોની સાથે ગપ્પાં-ગોષ્ઠિ કરવામાં ધાર્યા કરતાં વધારે મોડું થઈ ગયું. ઘરે આવ્યો ત્યારે જાણ થઈ કે મમ્મી માટે દવાઓ લઈ આવવાનું રહી ગયું છે.
‘હવે શું કરીશું બેટા? ડૉક્ટરે કહ્યું હતું કે જો એક પણ ટેબ્લેટ ચૂકી જશો તો...’
એવું નહીં થાય પપ્પા, હું પાછો જઉં છું. હમણાં જ ગોળીઓ લઈ આવું છું.’ શિખરે તૈયારી દર્શાવી.
અનુભાઈએ કહ્યું, ‘બેટા, આટલી મોડી રાતે ક્યાંથી દવા લઈ આવીશ? બધા જ મેડિકલ સ્ટોર્સ બંધ થઈ ચૂક્યા હશે.’
અનુભાઈની ધારણા સાચી હતી. એ શહેર ખાસ મોટું ન હતું. આખા શહેરમાં માંડ 5-7 જેટલી દવાની દુકાનો હતી, એમાંની એક પણ દુકાન ચોવીસ કલાક માટે ખુલ્લી રહેતી હોય તેવી ન હતી. જો કોઈ પણ જાતની ઇમરજન્સી તકલીફ ઊભી થાય તો સરકારી હોસ્પિટલમાં જ પહોંચવું પડે. ત્યાં જે દવાઓ હોય એની અસરકારકતા વિશે સામાન્ય પ્રજાજનોના મનમાં ખાસ અહોભાવ ન હતો.
શિખર ઝડપથી ફ્લેટનાં પગથિયાં ઊતરી ગયો. બાઇક ચાલુ કરી ખાલી સૂમસામ સડક પર મારી મૂકી. નાનકડા ટાઉનમાં નવ-સાડા નવ વાગ્યે તો લગભગ સન્નાટો છવાઈ જાય. રડ્યાખડ્યા માણસો જ દેખાય. શિખરે જોયું કે મોટાભાગની દુકાનો બંધ હતી. મેડિકલ સ્ટોર્સ પણ બંધ થઈ ગયા હતા. પાંચેક જગ્યાએ તપાસ કરી લીધા પછી એણે બાઇકને પેટ્રોલપંપવાળા રોડ પર વાળી લીધી. એ રોડ જરાક દૂર હતો, પણ ત્યાં બે મોટા મેડિકલ સ્ટોર્સ આવેલા હતા. એ રોડની છેક છેલ્લે એક જાણીતો પેટ્રોલપંપ હતો. એ પછી ટાઉનની હદ પૂરી થતી હતી. પેટ્રોલપંપની આગળ રસ્તો પણ કાચો હતો. થોડીક નવી સોસાયટીઝ અને ફ્લેટ્સની સ્કીમ્સ બની રહી હતી, પણ ત્યાં વસ્તી હજુ પાંખી હતી.

શિખર જેની આશામાં એ રોડ પર પહોંચ્યો હતો એ ફળીભૂત ન થઈ. તમામ દુકાનો બંધ થઈ ગઈ હતી. પેટ્રોલપંપ હજુ ચાલુ હતો. શિખરે પેટ્રોલપંપ પર કામ કરતા એક છોકરાને પૂછ્યું, ‘અહીંથી આગળ કોઈ મેડિકલ સ્ટોર આવશે?’

છોકરાએ માથું ધુણાવ્યું, ‘ના, હવે એક પણ દુકાન નહીં જોવા મળે.’ શિખર નિરાશ થઈ ગયો. ફેરો માથે પડ્યો એની નિરાશા અને મમ્મીની તબિયત બગડશે એની ચિંતા. ઉપરથી પપ્પા ઠપકો આપશે એ વાતનો ભય પણ ખરો.

બીજો કોઈ રસ્તો ન હતો. શિખરે બાઇક સ્ટાર્ટ કરી. પેટ્રોલપંપમાંથી બહાર આવ્યો. ત્યારે એક સાવ નાની ઘટના બની.

એક ભિખારી જેવો દેખાતો કિશોર ત્યાં ઊભો હતો. એણે હાથ આડો કરીને ઊભા રહેવાનો સંકેત કર્યો. આવી તંગ માનસિક હાલતમાં પણ શિખરે બાઇકને બ્રેક મારીને થંભાવી દીધી, ‘શું છે?’

છોકરો બોબડો હતો. બોલી ન શક્યો. હાથના ઇશારાથી સમજાવવા લાગ્યો, ‘મારે આ દિશામાં જવું છે. મારો પગ દુખે છે. પૈસા નથી. મને લિફ્ટ આપશો?’

શિખરે જોયું કે એ જે દિશા ચીંધી રહ્યો હતો તે તો શહેરની બહાર જવાની દિશા હતી. પેટ્રોલપંપથી આગળ જવાની દિશામાં થોડીક છૂટક વસ્તી જ હતી. આ બહેરા-મૂંગા છોકરાનાં મા-બાપ કદાચ ત્યાં કોઈક ઝૂંપડામાં રહેતાં હશે.
કોઈ પણ માણસ આવી રીતે લિફ્ટ આપવા તૈયાર થાય નહીં. એક તો સમય બગડે અને વધારામાં મોંઘા ભાવનું પેટ્રોલ વપરાય, પણ શિખરના હૃદયમાં આ ગરીબ, દિવ્યાંગ કિશોર માટે કરુણા ફૂટી આવી. ઈશ્વરે દરેક મનુષ્યમાં થોડાક તો સદ્્ગુણો મૂક્યા જ હોય છે. શિખર ભલે ભુલકણો, બેદરકાર, મસ્તીખોર અને બિનજવાબદાર હતો, પણ સાથે સાથે એ દયાળુ પણ હતો.

એણે પેલાને ઇશારો કર્યો, ‘બેસી જા બાઇક પર.’ છોકરો બેસી ગયો. શિખરે બાઇક દોડાવી મૂકી. સારું એવું અંતર કાપ્યા પછી છોકરાએ હાથ વડે શિખરનો ખભો દબાવ્યો. ગળામાંથી વિચિત્ર અવાજ પણ કાઢ્યો. ગોલમાલ ફિલ્મના તુષાર કપૂરની જેમ, ‘એ...ઓ...આ...ઓ...’ કરીને બાઇકને ઊભી રખાવી દીધી.

આવી ગયું તારંુ ઘર? ચાલ, ઊતરી જા.’ શિખરે કહ્યું. છોકરો ઊતરી ગયો. શિખરની સામે બે હાથ જોડીને પાછો, ‘એ...ઓ...આ...ઈ...ઓ...’ કરવા માંડ્યો.
શિખરને એની ‘ભાષા’ તો સમજમાં ન આવી, પણ એના અવાજમાં રહેલો ભાવ સમજાઈ ગયો. એ કહેતો હતો, ‘ભગવાન તમારું ભલું કરશે. તમે મારા જેવા ગરીબ, બોબડા છોકરાને અડધી રાતે આવી મદદ કરી છે તો ઈશ્વર પણ તમને...’
શિખરને હસવું આવી ગયું. કહેવાનું મન થઈ આવ્યું, ‘બાપલા, તું જતો હોય તો જાને! તું શું બોલે છે એ માણસને નથી સમજાતું તો પછી ભગવાનને ક્યાંથી સમજાવાનું હતું? મને હવે જવા દે અહીંથી. મમ્મી માટે દવા લઈ જવાની હતી એ કામ તો થયું નહીં અને તું કહે છે કે ભગવાન મારું ભલું...’

ત્યાં જ શિખરની નજર છોકરાની પીઠ પાછળ વીસેક ફીટના અંતર પર આવેલી એક જગ્યા પર પડી. એનું મોં ખુલ્લું રહી ગયું. એક દુકાન હતી. ખુલ્લું શટર હતું. ફૂલોની સજાવટ હતી. નવું જ રંગાવેલું લાઇટવાળું બોર્ડ હતું. નામ વંચાતું હતું, શિવ મેડિકલ સ્ટોર. કૌંસમાં લખેલું હતું: (ચોવીસ કલાક ખુલ્લી રહેતી શહેરની એકમાત્ર દુકાન.)

શિખરને લાગ્યું કે એનું હૃદય છાતીનું પાંજરું તોડીને બહાર આવી જશે! એની ખુશીની હદ પાગલપણા સુધી જઈ પહોંચી. એ દુકાન પાસે પહોંચી ગયો. ત્યાં એક મિડલ એજનો પુરુષ ઊભો હતો. સાથે વીસેક વર્ષની છોકરી હતી. બાપ-દીકરી હોય એવું દેખાઈ આવતું હતું.
આ મેડિકલ સ્ટોર પહેલી વાર જોયો.’ શિખરે કહ્યું. ‘આજે જ ઉદ્્ઘાટન થયું છે. આમ તો એક જાતનો જુગાર જ ખેલ્યો છે. આપણા ખોબા જેવડા ટાઉનમાં ચોવીસ કલાક ખુલ્લી રહેતી દુકાનની જરૂર જ ન હોય. જુઓને, અત્યારે છેલ્લા બે કલાકથી એક પણ ગ્રાહક આવ્યો નથી. બાપ-દીકરી બગાસાં ખાતાં બેઠાં હતાં, ત્યાં તમે...’
શિખરે ખિસ્સામાંથી દવાની ચિઠ્ઠી કાઢીને એ પુરુષના હાથમાં મૂકી દીધી, ‘ભાઈ, હું પણ કંઈ મારી જાતથી દોરવાઈને નથી આવ્યો, મને તો કોઈક ખેંચી લાવ્યું છે.’
કોણ? તમને અહીં સુધી કોણ લઈ આવ્યું?’ પુરુષે ગોળીઓની સ્ટ્રીપ શિખરને આપતાં પૂછ્યું.
કોણ જાણે કેમ, શિખર જવાબ ન આપી શક્યો. એને શબ્દો જ ન સૂઝ્યા. ગળામાંથી માત્ર અવાજો નીકળ્યા, ‘એ...આ...ઓ...આ...’ દુકાનદાર સાંભળી રહ્યો અને જોઈ રહ્યો. શિખરના હાથનો ઇશારો ક્યારેક સામે આવેલી ઝૂંપડી તરફ થતો હતો, ક્યારેક ઉપર આસમાનની દિશામાં.

16/09/2025

ભાભીની રાખડી..

વિનય પર તેની બહેન સંધ્યાનો ફોન આવ્યો..
" હું ને તારા બનેવી આ રક્ષાબંધને તારે ત્યાં આવીએ છીએ".
"ભલે આવો આનંદ થશે".
"ભાભીને ગમશેને?".
"તમે તમારે આવોને..બધાને ગમશે".
"એ..કોઈ બબાલ તો નહીં કરે ને?તારા બનેવીનુ અપમાન હું સહેજે સહન નહીં કરૂ".
"તમે તમારે આવો. હુ રાત્રે એની પાસે ફોન કરાવીશ બસ... પછી?"
સંધ્યા છેલ્લા સાત આઠ વર્ષથી પિયર આવી શકી ન હતી..કે પછી એને આવવાનુ મન જ ન હતુ..ભાભીની દરેક વાત તેને મેણાટાંણા જ લાગતી...સાવ સીધી વાતને પણ તે શંકાથી જ મૂલવે..ખોટુ લગાડી બેસે..એટલે વિનયની પત્ની , . ભાવિની, સંધ્યા આવે એટલે ઓછામાં ઓછી અને તેને વાંકુ ન પડે એમ જાળવી જાળવીને તેની સાથે વાત કરે..પણ તોય સંધ્યા વાતનુ વતેસર કરવાનું એક પણ બહાનુ ના ચૂકે..
કારણ હતુ ભાવિની પ્રત્યેનુ સંધ્યાના વૈમનસ્યનું....
સંધ્યાના પતિ ,કેતનની.... ઓછી આવક અને પોતાનુ આર્થિક રીતે ઘસાઈ ગયેલુ સાસરૂ..જ્યારે..તેના ભાઈ વિનયની નોકરી ,ઊંચા પગારની..ભાભી ભાવિની ભલે ગરીબ ઘરથી આવી હોય પણ અહીં તેને સર્વ.
રીતે સુખ હતું.
સંધ્યાનુ બાળપણ સુખમાં વિતેલુ , માબાપના લાડપ્યાર અને વિનયનો બહેન પ્રત્યેનો અપાર પ્રેમ તેને મળેલો, પણ લગ્ન પછી તેને કરકસર અને આર્થિક તંગીમાં જીવવાનુ હતું.
સંધ્યાના પતિ કેતનની બીમારી બે વર્ષ ચાલી તો એની નોકરી પણ બંધ થઈ ગઈ.
કેતનની બીમારી વખતે વિનયે મદદ તો કરેલી પણ ..ભાભી ભાવિનીની જાણ બહાર એમ સંધ્યા. માનતી ....
.પૈસાની તંગી ટાળવા સંધ્યા શિવણ શીખી ..શિવવાનુ શરૂ પણ કર્યું પગભર થવા , બની શકે એટલા પ્રયત્નો પણ કર્યા... સારી એવી સફળતા પણ મળી..
કેતનની તબિયત સારી થતાં એણે બીજી નોકરી પણ શોધી કાઢી ઉપરાંત ...થોડી ગણી સેલ્સમેનશીપ પણ ખરી..
સવારથી સાંજ સુધી બન્ને આર્થિક ઉપાર્જન માટે દોડાદોડી કરતાં..ધીરેધીરે સંધ્યા અને કેતન આર્થિક પગભર થતાં વિનયના પૈસા પણ પરત કરવાની ત્રેવડ થઈ
સંધ્યાએ તેને પૈસા પરત કરવા, રક્ષાબંધન નિમિત્તે વિનયને ઘેર આવવા ફોન કર્યો..
સંધ્યા બરાબર સાત વર્ષે પિયર ભાઈના ઘેર આવવાની હતી...
રાત્રે સંધ્યાને સામેથી ફોન કરી ભાવિનીએ, તે આવવાની છે તેની ખુશી વ્યક્ત કરી.
નવા લીધેલા બાઈક પર કેતન અને સંધ્યા આવ્યા.... વિનય અને ભાવિનીએ ખુબ ખુશીથી તેમને આવકાર્યા...
સંધ્યા આડીઅવળી વાત કરતી જાય પણ તેની નજર ભાવિની પર મંડાયેલી રહે...રખેને ભાભીને પોતાનુ અહીં આવવું ના. પણ ગમ્યું હોય!.એવી .શંકાની નજરે .. .
પણ ભાવિની સંધ્યાના આવવાથી ખરેખર ખુશ હતી...
આટલા વર્ષે ભાઈના ઘેર બહેનને આવેલી જોઈને, વિનયના ચહેરા પરની ખુશી જોઈ ,ભાવિની મનોમન હરખાતી.. પોતાના લગ્નજીવનના આટલા વર્ષમાં વિનયને એણે આટલો ખુશ ક્યારેય જોયો ન હતો..
ભાવિની રસોઈ કામમાં રસોડામાં પરોવાઈ, આ તકનો લાભ લઈ સંધ્યાએ કેતનને ઈશારો કર્યો..કેતન પોતાના પર્સમાંથી રૂપિયાનું બંડલ કાઢવાનું કરતો હતો એટલામાં ભાવિની સાંભળી ન જાય એટલા ધીમા અવાજે સંધ્યાએ વિનયને કહ્યું.." તેં અમને આપેલા પૈસાની સગવડ થઈ ગઈ છે..લઈ મૂકી દે .. પાછી પેલી જાણશે તો કકળાટ કરશે.."
વિનયે પૈસા પરત ન લેવાની વાત કરી તો ભાઈ બહેન વચ્ચે થોડીક રકઝક પણ થઈ.. સંધ્યા ઉતાવળે વિનયને ભાવિનીથી ખાનગીમાં પૈસા લઈ લેવા સમજાવતી..તો વિનય "હવે તને આપ્યા તો આપ્યા..પરત લેવા થોડા આપ્યા..કહી ન લેવા રકઝક કરી રહ્યો
એટલામાં કંઈક કામસર ભાવિનીને ત્યાં આવતી જોઈને સંધ્યા ચૂપ થઈ, વાતને બીજા પાટે ચડાવી રહી. તો વિનય અને કેતન એકબીજા સામે જોઈ હળવુ હસી રહ્યા..
"જમવાનું તૈયાર છે" કહેતી કેતનના ખુલ્લા પર્સમાં પૈસા જોઈ ભાવિની પણ મંદમંદ હસતી રસોડા તરફ ચાલી ગઈ.
"ચાલો જમી લઈએ પછી નિરાંતે વાત , વિનય અને કેતન ઉઠ્યા..સંધ્યા પિરસવાને બહાને ભાવિની જોડે રસોડામાં ગઈ
"લાવો હું પિરસી દઉ ભાભી"
"ના,હું પીરસુ છું તમે તમારા ભાઈ જોડે જમવા બેસો..એમને ઘણા દિવસે બહેન સાથે બેસી જમવાનો આનંદ થશે.."
"હા સંધ્યા તું પણ બેસી જા. આપણે કેટલા વર્ષે સાથે બેસીને જમીશુ"
"પાછું ભાભીને વાંકુ પડશે મારા ગયા પછી સંભળાવશે...નણંદ મહેમાન બનીને આવ્યાં'તાં"
"અરે!એવુ તે હોય સંધ્યાબેન?"
"આજે તો કાંઈ વ્હાલ ઉભરાઈ ગયું છે ને નણંદ પર?"સંધ્યાની અવળવાણી વિનય અને કેતન સાંભળી રહ્યા.
"તમારા પર તો મને વ્હાલ હોય જ ને બેન" ભાવિની લાડથી બોલી
"તો નણંદના કપરા કાળમાં આ વ્હાલ નહોતું ઉભરાતું ,..હવે બે પાંદડે નણંદ સુખી છે એટલે વ્હાલ?"
" તમે બધા જમી લો.. .. રાખડી બાંધવાનુ મૂહુર્ત સચવાઈ જાય..પછી શાન્તિથી બેસીશુ...બરાબરને કુમાર?"કહી ભાવિની રસોઈ પિરસવાની તૈયારીમાં પડી.
જમીને બધા દિવાન ખંડમાં બેઠા...ભાવિની પણ કામ પરવારી આવી ગઈ....
કેતને બધાના દેખતાં વિનયને પરત કરવાના પૈસાનુ બંડલ કાઢ્યું તો કેતન સામે આંખ કાઢતી સંધ્યા ધુવાંપુવાં થઈ ગઈ..કેતન પર મનમાં તેને ગુસ્સો તો આવ્યો પણ તે કશુ ના બોલી..
"ભાવિની આ આપણે આપેલા પૈસા પરત કરવા આવ્યા છે...બોલ લઈ લઉ?"
"બહેનને આપેલા પૈસા પરત લેવા થોડા આપ્યા હોય ?"ભાવિનીએ સાફ શબ્દોમાં ના પાડી દીધી તો સંધ્યાની અવળવાણી શરૂ..
"ન લઈ તમે અમારા કપરા કાળમાં ભાભીથી છાના પૈસા આપી અમારા પર કરેલા ઉપકારનો ઢંઢેરો પીટી શકો.કેમ ?..મારે તમને પૈસા આપી દેવાના છે અને તમારે લેવાના પણ છે એટલે ભાભી તમને પણ મહેણું ના મારે કે એમનાથી છાની તમે મને મદદ કરેલી.."
"મારાથી છાની?અરે..મેં જ તમારા ભાઈ સાથે પૈસા મોકલેલા... ... ." કહેતાં ભાવિનીએ વિનય સામે જોયું
"જો સંધ્યા શરૂશરૂમાં અમે જાણી જાઈને તને મદદ ન કરેલી પણ કેતનકુમારની બીમારી ..અને તારી કોઈ આવક નહીં એટલે ભાવિનીએ જ આ પૈસા લઈ મને મોકલેલો.."
"એક દિવસ તો ભાભી જાતે હોસ્પિટલમાં પૈસા આપી ગયેલાં સંધ્યા, તારી જાણ બહાર"કેતને સૂર પૂરાવ્યો
"તો પછી મને કહેવામાં શુ વાંધો હતો"
"એ ભાવિનીની અગમ સુઝ .
જો અમે તને શરૂઆતથી મદદ કરી હોત તો તું શિવણ ના શીખી હોત..! .તુ જાતે મહેનત કરી પગભર થઇ જવાનું ન વિચારતી હોત !
આજે તમારી બન્નેની મહેનતનું ફળ દેખાય પણ છે. ભાવિનીએ ન કેવળ દવાના પૈસાની મદદ કરાવી છે, પણ દર વર્ષે તારા નામથી મારી પાસે બચત પણ કરાવે છે. જે ભવિષ્યમાં તમારા ધંધાને વધારે વિકસાવવામાં કામમાં આવી શકે, તુ સ્વમાનભેર જીવી શકે..આ સઘળો ખ્યાલ ભાવિનીનો..્"
ભાભી પ્રત્યેની લઘુતાગ્રંથીથી પીડાતી સંધ્યાની આજે આંખ ઉઘડી ગઈ..
સમય થતા ભાઈના હાથે રાખડી બાધી ,ભાભીના બંને હાથ ચુમતી બોલી રહી...
"ભાભી મારી વહાલભરી ચૂમીઓ અને મારા અશ્રુપ્રવાહથી ભીંજાતા તમારા સ્નેહાળ હાથ ...પર મારા અશ્રુઓની રાખડી સ્વિકારો....મને આશીર્વાદ આપી ધન્ય કરો..કહેતી ભાવિનીને ભેટી પડી...!!!

Address

Jignesh Mehta
Ahmedabad
380058

Alerts

Be the first to know and let us send you an email when ગુજરાતી સુવિચાર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ગુજરાતી સુવિચાર:

Share