29/03/2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની કાર્યવાહી: 33,000 રૂપિયાનો દંડ વસૂલાયો
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં નિયમોનું પાલન ન કરતા ખાણીપીણીના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગ દ્વારા એસ.જી. હાઈવે રોડ, મહમદપુરા રોડ અને વસ્ત્રાલ રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ખાણીપીણીની લારીઓ અને દુકાનોમાં વાસી ખોરાક, અસ્વચ્છ સ્થિતિ અને નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ, ફૂડ વિભાગે 33,000 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ ઉપરાંત, 75 કિલો વાસી ખોરાક અને 7 લીટર વાસી પીણાંનો નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગે 6 નમૂના જલેબીના અને 1 નમૂનો શરબતનો પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલ્યા છે. લેબોરેટરીના અહેવાલ આવ્યા બાદ, ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગે જાહેર આરોગ્યના હિતમાં નિયમોનું પાલન ન કરતા ખાણીપીણીના એકમોના નામ જાહેર કર્યા છે:
* બેબી ફૂડ કોર્નર, બોડકદેવ
* ક્રિષ્ના ગૃહ ઉદ્યોગ, વસ્ત્રાલપુર
* પંજાબ સ્કૂલ નજીક હોસ્પિટાલિટી, નિકોલ
* શ્રી દેવલાર્પણ ભોજનાલય, ઓઢવ
* શ્રી જલારામ પરાઠા હાઉસ, ઓઢવ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે આવનારા દિવસોમાં જાહેર આરોગ્યના હિતમાં ગંદકી અને ગેરકાયદેસર રીતે ખાણીપીણીના પદાર્થોનું ઉત્પાદન કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.