NAVI SAVAR

NAVI SAVAR Positive journalism

07/09/2026

આવા શિક્ષક કદાચ તમે ઓછા જોયા હશે: જે કહે કે મને જે તકલીફ પડવાની હોય તે પડે, પણ મારાં બાળકોને તકલીફ ના પડવી જોઈએ

03/09/2026
25/08/2026

હાસ્ય લેખ

ગડકરીજી કહે છે : હવે નવી પેઢી સંભાળે! એમને ખબર છે કે કૉંગ્રેસ ‘પેઢી’ છે, ભાજપ નહીં. એમનો કહેવાનો અર્થ એ છે કે...

– રમેશ તન્ના

હમણાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જીવનદર્શન અને આત્મદર્શન કરતાં કહ્યું છે કે, “હું કોઈ પ્રેરણાસ્રોત નથી. હવે હું વધારે કામ નહીં કરી શકું. જ્યાં સુધી કામ કરી શકતો હતો ત્યાં સુધી કર્યું. હવે મારી ભાગીદારી ઓછી થઈ ગઈ છે. મેં બધાને કહ્યું છે કે હવે કામ નવી પેઢીના હાથમાં સોંપવું જોઈએ. નવા લોકો આગળ આવવા જોઈએ.”

નિયમિત રીતે ચૂંટલી ખણતા ગડકરજીએ આ વખતે માત્રા વધારીને મોટો ચૂંટલો ખણ્યો છે.

બધો આધાર હોય છે, તેમના જતીવેળાના જોવા ઉપર.. એ રીતે તેમનું જતી વખતનું આ છેલ્લું વિધાન હશે એટલે કચકચાવીને વિધાન થયું હોય એવું કોઈ માનતું હોય તો માનનારા ભીંત ભૂલે છે.

બાકી ગડકરીજી ભીંત કે ભીંત પરનું નિશાન એ ખસું ભૂલતા નથી.

જોકે મજાની આવે એવી છે કે કોઈ રાજકારણીએ કહ્યું કે હવે અમે જઈશું, નવા લોકો આગળ આવે.

ભારતીય રાજકારણમાં કોઈ નેતા પોતાની મેળે “હવે નવી પેઢી આગળ આવે” એવું બોલે એટલે પહેલાં તો ખાતરી કરી લેવી પડે કે આ નિવેદન ખરેખર નેતાએ જ કર્યું છે કે AIએ બનાવી આપ્યું છે!

ભારતીય રાજકારણમાં સામાન્ય નિયમ એવો છે કે માણસ નિવૃત્ત થાય, પણ નેતા નિવૃત્ત ન થાય. કેટલાક રીઢા-મીઢા અને ખડ્ડ્સ રાજકારણીઓએ યમરાજને પાછા મોકલીને ખુરશી છોડી નહોતી તેવી પણ દંતકથાઓ છે.
ભલે જેને જે કે’વું હોય તે કે’તા, પણ જે કદી નિવૃત્ત ના થાય તેનું નામ જ નેતા.
નેતાની ઉંમર પૂછવાની નહીં. તેમને માત્ર એટલું પૂછવાનું—
“સાહેબ, આગામી ચૂંટણી ક્યાંથી લડશો?”

ગડકરીજી જોકે જુદી માટીના માણસ છે. તેઓ રસ્તા બનાવે પણ છે અને સમયાંતરે રાજકારણમાં કોઈ એવો વાક્યરૂપી સ્પીડબ્રેકર પણ મૂકી દે છે કે દિલ્હીમાં બેઠેલા લોકોની (નરેન્દ્ર મોદી એમ વાંચો) ગાડી સહેજ ધીમી પડી જાય!
ઘણા લોકોને છેલ્લા થોડા સમયથી ચિંતા થતી હશે— “ગડકરીજીનું કોઈ નવું નિવેદન કેમ આવતું નથી?”

કારણ કે વર્ષોથી તેમની એક વિશેષતા રહી છે. તેઓ કોઈનું નામ લીધા વગર એવું બોલે કે દેશ આખો પછી નામ શોધવા બેસે કે તેમણે આ કોના માટે કહ્યું છે!

ગડકરીજી કહે— “રાજકારણ સત્તા માટે ન હોવું જોઈએ.”

લોકો પૂછે— તમે આ કોને કહ્યું?

ગડકરી કહે—
“અહંકાર સારો નહીં.”

લોકો ફરી પૂછે—તમે આ કોને કહ્યું?

ગડકરી કહે—
“નેતાએ પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ.”

હવે તો ટીવીવાળા પેનલ બોલાવી દે!

એક એન્કર કહે, “આ નિવેદનનું નિશાન કોણ?”

બીજો કહે, “દિલ્હી તરફ ઇશારો છે?”

ત્રીજો કહે, “આ વિધાનની નાગપુરથી કોઈ સંદેશ છે?”

અને ગડકરીજી કદાચ ઘરે આરામથી ચા પીતા હોય!

આ પણ એક કળા છે.

તીર છોડવાનું, પણ તેના ઉપર સરનામું નહીં લખવાનું!

ગડકરીજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય સંબંધોને લઈને વર્ષોથી અનેક અટકળ ચાલતી રહી છે. કોઈ તેમને સંભવિત વિકલ્પ તરીકે જુએ, કોઈ સ્પર્ધક તરીકે જુએ અને કોઈ કહે કે ભાઈ, આ બધું મીડિયાની જ મહેરબાની છે. વાસ્તવમાં કશું નથી.

હકીકત શું છે એ તો બંને નેતાઓ જાણે.

પણ રાજકારણમાં હકીકત કરતાં અટકળની TRP જ વધારે હોય છે!
ગડકરીજીની બીજી પણ એક વિશેષતા છે.

તેઓ બોલે ત્યારે ભાજપના લોકો પણ સાંભળે, વિરોધ પક્ષના લોકો પણ સાંભળે અને પત્રકારો તો ખાસ સાંભળે.

કારણ કે વાક્ય પૂરું થાય ત્યાં સુધી ખબર ન પડે કે આ સરકારની પ્રશંસા છે, જીવનદર્શન છે કે કોઈને મોકલેલો પાર્સલ બોમ્બ છે!

મજાની વાત એ છે કે વડાપ્રધાન મોદી સામાન્ય રીતે ગડકરીનાં આવા નિવેદનોનો જાહેર જવાબ આપતા નથી.

આ મૌન પણ ભારતીય રાજકારણનો એક રસપ્રદ અધ્યાય છે. ભારતના રાજકારણમાં માત્ર ડૉ. મનમોહનસિંહનું મૌન જ ઐતિહાસિક સામગ્રી નથી. રાજકારણીઓનાં અનેક મૌન ઈતિહાસસર્જક છે. કોઈ સંશોધકે બોલ્યા વિના આ વિષય પર કામ કરવા જેવું છે.

એક બોલે. બીજા ન બોલે.

નીતિન બોલે, નરેન્દ્ર ના બોલે.

અને બંનેની વચ્ચે આખો દેશ અર્થઘટન કરે!

2014 પછી ઘણી વખત રાજકીય વર્તુળોમાં ગડકરીના નામને લઈને જુદી જુદી ચર્ચા થઈ. વડાપ્રધાનપદ સુધીની અટકળ પણ થઈ. પરંતુ રાજકારણમાં અટકળ અને આમંત્રણપત્ર વચ્ચે બહુ મોટો ફરક હોય છે.

લગ્નની વાત આખું ગામ કરે એનો અર્થ એ નથી કે કંકોતરી છપાઈ ગઈ!
હવે ગડકરીજી કહે છે—

નવી પેઢીને કામ સોંપો.
વાત સો ટકા સાચી છે.

પણ આ વાક્ય ભારતીય રાજકારણમાં બહુ જોખમી છે.

કારણ કે તરત જ નવી પેઢી પૂછે—
“ક્યારે સોંપશો?”
જૂની પેઢી કહે—
“અરે, તમે સમજ્યા નહીં! અમે સિદ્ધાંતની વાત કરી હતી!”
આપણા દેશમાં નવી પેઢીને તક આપવાની વાત બધા કરે છે.
ટ્રસ્ટમાં નવી પેઢી આવવી જોઈએ.
સંસ્થામાં નવી પેઢી આવવી જોઈએ.
પક્ષમાં નવી પેઢી આવવી જોઈએ.
દેશનું નેતૃત્વ નવી પેઢીએ કરવું જોઈએ.
પણ ખુરશી ખાલી કરવાની વાત આવે એટલે અચાનક અનુભવનું મહત્ત્વ વધી જાય છે!

“બેટા, હજુ તમે નાના છો.”
બેટો પૂછે, “પપ્પા, હું 50 વર્ષનો થયો!”
“એટલે જ કહું છું—રાજકારણ માટે હજુ તમે બાળક છો!”
ગડકરીજી 69 વર્ષની ઉંમરે નવી પેઢીને આગળ લાવવાની વાત કરે છે, તે આવકારવા જેવી છે. આપણા જાહેરજીવનમાં નેતાઓએ સમયસર જવાબદારી નવી પેઢીને સોંપવી જોઈએ—એ વિચાર સ્વસ્થ છે.
પણ એક પ્રશ્ન તો થાય જ—
રાજકારણમાં “સમયસર” એટલે ક્યારે?
60 વર્ષે?
70 વર્ષે?
80 વર્ષે?
કે પછી...
ચૂંટણી પંચ કહે કે હવે તમારા જન્મવર્ષ માટે ડ્રોપ-ડાઉન મેનુમાં વિકલ્પ ઉપલબ્ધ નથી ત્યારે?

ગડકરીજી કહે છે કે હવે મારી ભાગીદારી ઓછી થઈ ગઈ છે.

આ સાંભળીને નાગપુરના નવી પેઢીના કોઈ ઉત્સાહી કાર્યકરે તરત કપડાં ઇસ્ત્રી કરાવી લીધાં હોય તો તેને એક વિનંતી—
ભાઈ, જરા રાહ જોજે!
ભારતીય રાજકારણમાં “હવે નવી પેઢીને સોંપવું જોઈએ” અને ખરેખર નવી પેઢીને સોંપી દેવું—આ બંને વચ્ચે ક્યારેક ચાર-પાંચ લોકસભાની મુદત આવી જાય છે!

અને આ વાત માત્ર ગડકરીજીને લાગુ પડતી નથી.

નરેન્દ્ર મોદી હોય, ગડકરી હોય કે દેશના બીજા કોઈ પણ વરિષ્ઠ નેતા—આજે નહીં તો કાલે દરેકે જવાબદારી નવી પેઢીને સોંપવાની જ છે.
કુદરતનો નિયમ વિશેષ લોકશાહીવાદી હોય છે.
કુદરત કોઈને આજીવન પદ આપતી નથી!
તેથી ગડકરીજીનું નિવેદન સ્વીકારવા જેવું છે.
નવી પેઢી આગળ આવવી જોઈએ.
જૂની પેઢીએ માર્ગદર્શન આપવું જોઈએ.
અનુભવનો લાભ મળવો જોઈએ.
અને સમય આવે ત્યારે ખુરશી પણ સોંપવી જોઈએ.
બસ, આપણા રાજકારણમાં સૌથી મુશ્કેલ પ્રશ્ન એટલો જ છે—
“સમય આવ્યો છે” એવું નક્કી કોણ કરે?
જૂની પેઢી કહે—“હજુ સમય આવ્યો નથી.”
નવી પેઢી કહે—“સમય તો ક્યારનો આવી ગયો!”
અને ખુરશી?
ખુરશી બિચારી કશું બોલતી નથી.

તેને ખબર છે—
બેસનાર બદલાતા રહે છે,

હું તો અહીં જ રહેવાની છું!

14/08/2026

શ્રમિક પરિવારની કઈ માતા પોતાનાં બાળકોને ભણાવી શકે ? સાંભળીએ VSSMનાં મિત્તલબહેન પટેલ પાસેથી..

Address

RAA POSITIVE MEDIA PVT. LTD 302 Yash Aqua, Vijay Char Rasta
Ahmedabad
38009

Website

Alerts

Be the first to know and let us send you an email when NAVI SAVAR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share