
16/07/2025
Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column
તમે નિષ્ફળ માતા, પત્ની, વહુ, કર્મચારી કે વ્યવસાયી નથી..
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
*********************
નોકરી-વ્યવસાય કરતી સ્ત્રી ગિલ્ટથી બચવા આટલું ચોક્કસ કરે અને તન-મનથી તંદુરસ્ત રહી તમામ ક્ષેત્રોમાં વિકાસ સાધે
*********************
(ગતાંકથી આગળ)
આર્જવના જન્મ પછી એમ.એન.સી.માં પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી ચાર્મી ડેશિંગ પ્રેસરિપોર્ટર ગાર્ગી, હોંશિયાર સ્ત્રી-રોગ નિષ્ણાત ચેતના અને ગૃહિણી ધ્રૂવીની અપરાધભાવ અનુભવવાની આદત અને તેને કારણે થતા નુકસાનની ચર્ચા આપણે કરી ગયા.
કામકાજી સ્ત્રીઓ ત્રીસી પછી તીવ્ર અપરાધભાવની શિકાર બની વિવિધ શારીરિક અને માનસિક પીડા અને વ્યાધિ અનુભવે છે.
'ગિલ્ટ'- અપરાધભાવ આબાલવૃદ્ધ સહુ કોઈ વત્તા-ઓછા અંશે અનુભવે છે. પરંતુ આ લાગણી આવી ક્યાંથી? એની આદત કેવી રીતે પડી?
હકીકતમાં આપણને સહુને બાલ્યાવસ્થાથી જ ગિલ્ટ અનુભવવાની તાલીમ મળે છે. માતા-પિતા, વડીલ, મિત્ર, સ્નેહીજન, શિક્ષક, પડોશી અને ધર્મગુરુઓ આ બધા જ લોકો આપણે કંઈક ખોટું કર્યું છે, આપણી ભૂલ થઈ છે એવું આપણા મગજમાં ઠસાવીને આપણામાં અપરાધભાવ પેદા કરે છે અને આપના વિચાર, વાણી અને વર્તન પર એમનું નિયંત્રણ કાયમ રાખે છે, આપણા પર શાસન કરે છે.
આપણને નાનપણથી એવું શિખવાડવામાં આવે છે કે અમુક પ્રકારનું વર્તન યોગ્ય છે અને અમુક પ્રકારનું વર્તન નિંદનીય છે. આ નિયમો પ્રમાણે આપણે યોગ્ય વર્તન કરીએ તો એક સારી વ્યક્તિ અને નિંદનીય વર્તન કરીએ તો એક ખરાબ વ્યક્તિ છીએ એવી આપણા વિશેની માન્યતા આપણી આસપાસના લોકોમાં બંધાય છે. ભવિષ્યમાં પણ તરુણાવસ્થા, યુવાવસ્થા, કે વયસ્કવયમાં પણ સમાજ દ્વારા આપણને આપણા પ્રત્યેક કાર્ય માટે સારી વ્યક્તિ કે ખરાબ વ્યક્તિ તરીકે આપણી જાતને જોવાની આ તાલીમ જાણ્યે અજાણ્યે ચાલુ રહે છે. યાદ રાખો, એકવાર ગિલ્ટ અનુભવવાની આદત પડી જાય પછી એ છોડવી અશક્ય બની જાય છે.
ક્યારેક ગિલ્ટનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાની જાતને બદલવાની કોઈ જ કોશિશ કરતી નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ ખોટું કામ કરે, ભૂલ કરે ત્યાર બાદ... 'હું તો આવી જ છું... જે સજા કરવી હોય તે કરો' એવું કહીને તેઓ જેમ કરતા હોય તેમ કર્યા કરે છે. પોતાની જાતમાં બદલાવ લાવવાનો તેઓ કોઈ પ્રયત્ન કરતાં નથી. ગિલ્ટનો અનુભવ તેમને માટે જેવા છે તેવા જ રહેવા માટેનો એક સરળ રસ્તો બની જાય છે. તો ક્યારેક બીજાઓને જવાબદાર ઠેરવી ખોટી દલીલો કરવાનો પોતાની સ્થિતિ કેવી દયનીય છે એનો બીજાને અહેસાસ કરાવી સહાનુભૂતિ મેળવવાનું ગિલ્ટ એક સાધન પણ બની જાય છે.
ગિલ્ટ અનુભવવાની એકવાર આદત પડી જાય પછી 'મારે આમ કરવું જોઈતું હતું...' 'મેં અમુક કામ કરતાં પહેલાં એમને પૂછયું હોત તો' 'મારે આ પ્રોજેક્ટ થોડો વહેલો શરૂ કરવો જોઈતો હતો' 'આ ખોટું છે એવી ટપ્પી મને વહેલી પડવી જોઈતી હતી...' - એવા ઉચ્ચારણો મનમાં ને મનમાં થયા કરે છે અને અપરાધભાવનો અનુભવ થયા જ કરે છે.
પરંતુ હવે ઊઠો... જાગો... તમારો ભૂતકાળ એક ઇતિહાસ બની ચૂક્યો છે. ભૂતકાળમાં... મારે આમ કરવું જોઈતું હતું એવું વિચારી ગિલ્ટ અનુભવવા કરતાં ભવિષ્યમાં આ જ કાર્યો તમે કોઈ જુદી રીતે કરવા માગો છો? તમારી ભૂલ સુધારવા માગો છો? તો એ શક્ય છે.
તમે અમુક વસ્તુ ખોટી કરો છો એમ માની અપરાધભાવ અનુભવશો તો દુ:ખી થવાના સ્ટેશનનો તમે લાઈફટાઈમનો ફ્રી પાસ મેળવી જીવનપર્યંત પીડા અનુભવ્યા કરશો. તમે શા માટે એવું માની લો છો કે બધી જ વસ્તુ બરાબર રીતે જ થવી જોઈએ? તમારી પાસે રોજનાં કામો કરવાનું એક લાંબુ લિસ્ટ હશે જ, પણ સાંજ પડે બધું સો એ સો ટકા એમ જ થવું જોઈએ એવું શા માટે ધારી લો છો? મહત્ત્વનું કાર્ય પહેલું કરવાનો સમય મેળવી લો. બાકીનું કામ આપોઆપ ઉકેલાઈ જશે.
આ એક જાહેરમાં કહેવા જેવી ખાનગી વાત છે. તમે એક સો વસ્તુનું લિસ્ટ બનાવશો તો માત્ર 20% મહત્ત્વની હશે. તમારે એના પર જ ધ્યાન આપવાનું છે. બાકીનું સમય જતાં આપોઆપ ઉકેલાઈ જશે. તમારે કરવાનાં કામોમાંથી કયું કામ મહત્ત્વનું છે એ તમે નક્કી કરી શકો તો ગિલ્ટના દરવાજા બંધ કરવાની ચાવી તમને મળી ગઈ એમ સમજજો. એક વાતનું ધ્યાન રાખો, અર્જન્ટ નહીં પણ ઇમ્પોર્ટન્ટ શું છે એ તમારે સમજવાનું છે. કારણ તમે જેને અર્જન્ટ માનો છો એવી એકસોમાંથી નવ્વાણું વસ્તુ અર્જન્ટ નથી હોતી. તમારી વિચારધારા સ્પષ્ટ બનાવો અને ઇમ્પોર્ટન્ટ વચ્ચેનો તફાવત સમજો અને મહત્ત્વના કામ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.
ગિલ્ટથી બચવા આટલું કરો!
૧. તમારા ભૂતકાળને બરાબર ઓળખી લો. એને માટે બીજાઓને દોષ દેવાનું, મને કંઈ ટપ્પી પડતી નહોતી એટલે ખોટું થયું, કે હું એવી જ છું... એમાંથી બહાર આવો. હવે દસ વસ્તુનું લિસ્ટ બનાવો જે તમારી માન્યતા મુજબ તમારે કરવી જોઈતી હતી. પણ તમે ન કરી શક્યા. ત્યાર બાદ એવી દસ વસ્તુનું લિસ્ટ બનાવો જે તમારે કરવા જેવી હતી અને તમે કરી શક્યા. હવે દરેક આઈટમ દીઠ પાંચ પોઇન્ટ આપો. જે ન કરવા બદલ તમે ગિલ્ટ અનુભવતા હોવ અને ગિલ્ટને કારણે તમારું કામ થઈ ગયું હોય અથવા ગિલ્ટને કારણે તમને કોઈ પણ પ્રકારની મદદ મળી હોય. તમને કેટલા પોઈન્ટ્સ મળ્યા?... ઝીરો... બરાબરને?
૨. રોજ પંદરથી વીસ મિનિટનો સમય કાઢો. ભૂતકાળમાં જે કામ કરવા બદલ તમે ખરાબ છો કે નકામા છો એવો અનુભવ થયો હોય એ કામ બદલ ગિલ્ટ અનુભવવાની કોશિશ કરો. હવે અપરાધભાવ અનુભવી તમે તમારી જાત પર ગુસ્સો કરો. એક બે થાપટ લગાવી દો. તમે બિચારા છો, તમારાથી જ આવું થઈ જાય છે એવું વારંવાર વિચારતા રહો. હવે તમે થોડી વાર રાહ જોઈને નિરીક્ષણ કરો કે આવું કરવાથી તમારી કેટલી શક્તિ વેડફાઈ ગઈ?... તો પછી તમે શા માટે ગિલ્ટ અનુભવો છો?
૩. હવે એક એવું લિસ્ટ બનાવો કે જે વસ્તુ તમે ગિલ્ટને કારણે કરવાથી દૂર રહેતા હોવ. તમે આ અંગે શું કરવા માંગો છો? એ વસ્તુથી દૂર રહેવા માંગો છો કે એનો ઉકેલ લાવવા માંગો છો? હકીકતમાં ગિલ્ટ અનુભવીને કોઈ પણ વસ્તુ પ્રત્યે તમે બેદરકારી દાખવી શકો. તમે દિશાશૂન્ય, આળસુ અને બેજવાબદાર બની શકો. તમારી પરિસ્થિતિમાં શું કરી શકાય અથવા સમસ્યાનો ઉકેલ લાવવા તમારે શું કરવું જોઈએ તેવું વિચારવાને બદલે ગિલ્ટ અનુભવવામાં તમારે સમય બરબાદ કરવો જોઈએ ખરો?
૪. જીવનમાં કોઈ પણ વસ્તુ, સ્થિતિ કે પાત્રની પસંદગી અંગેની તમારી જવાબદારી સ્વીકારો. એ નિર્ણયો તમારા છે. એ તમારી ભૂલ હોય કે બદ્નસીબી પણ એને માટે જવાબદાર તમે જ છો. એવું સ્વીકારો. તમે ખોટા નિર્ણયો લો, ભૂલ કરો એ તમારો અબાધિત અધિકાર છે. હવે આવી ભૂલ ન થાય એ અંગેના ઉપાયો અંગે વિચારો. ભૂલ તમારી છે એવું સ્વીકારશો તો જ એનો ઉકેલ પણ તમારી પાસે જ તમને મળી આવશે.
૫. તમને વારંવાર અપરાધી સાબિત કરી તમને રોજબરોજના વર્તન માટે અપરાધીના પાંજરામાં ઊભા રાખતા લોકોથી દૂર રહો. દુનિયામાં એવા સંખ્યાબંધ લોકો છે જે બીજાઓને તેઓ ખરાબ છે, ખોટું કરે છે, આવડત વગરની છે એવું પુરવાર કરાવવા તત્પર હોય છે. એમની અવગણના કરો અને શક્ય હોય તો એવા લોકોને તમારા જીવનમાંથી હાંકી કાઢો. અને એવા લોકોને વળગી રહો જે તમારું ગિલ્ટ રહિત વ્યક્તિત્વ ઘડવામાં તમને મદદ કરતા હોય.
ચાર્મી, ગાર્ગી, ચેતના અને ધ્રુવીની જેમ પોતાને અપરાધી સમજતી સ્ત્રીઓની સંખ્યા આ દુનિયામાં ઘણી મોટી છે.
આમાં સૌથી મોટી સંખ્યા નોકરી-વ્યવસાય કરતી સ્ત્રીઓની છે. જેઓ બાળકને બેબી-સીટર કે અન્ય કોઈ પાસે મૂકી નોકરી કરવા જતી હોય અને પોતે સતત તનાવગ્રસ્ત દયાજનક છે એવું અનુભવતી હોય. તેઓ સતત એક દ્વિધામાં હોય છે કે બાળકને માતૃત્વ આપવાને બદલે નોકરી કે કેરિયરને મહત્ત્વ આપવું યોગ્ય છે?
'હા એ યોગ્ય છે... તમે કંઈ જ ખોટું નથી કરી રહ્યા. તમે હવે આ અંગે અપરાધભાવ અનુભવવાનું બંધ કરો. આનાથી તમને કે તમારા સંતાનને કોઈ નુકસાન થવાનું નથી.'
શક્ય છે કે કારકિર્દી અને બાળઉછેર બંનેયમાં હંગામી ધોરણે ઘણી સમસ્યાઓ આવે તો પણ તમે તેનાથી અકળાઈ ન જાવ. કારણ આ જ જિંદગી છે. તમે લાંબાગાળાનો વિચાર કરો. એક વાત સ્વીકારો કે તમે એક સામાન્ય સ્ત્રી છો અને સ્ત્રીના જીવનમાં આવું તો બધું ચાલ્યા કરવાનું. મોટા થઈને તમારો પુત્ર કે પુત્રી આ કારણે તમને ભાંડશે નહીં. ઉલટાનું તમે એક સુપર વુમન છો જેથી સંતાનના ઉછેર સાથે આવી ઉચ્ચ કારકિર્દી પણ બનાવી શક્યા એમ માની તમને શાબાશી આપશે, તમારા માટે ગર્વ લેશે.
ત્રીસી પછીના વર્ષોના માતૃત્વ, કેરિયર અને કૌટુંબિક તેમજ સામાજિક જવાબદારીઓ નિભાવતા 'હું સાવ નકામી માતા છું...' 'મારી નોકરીમાં હું ધ્યાન આપી શકતી નથી એટલે સાવ નકામી છું' 'એક નિષ્ફળ પત્ની, વહુ... ભાભી... વગેરે વગેરે છું' એ નકારાત્મક લાગણી મનમાંથી કાઢવા માટે પ્રત્યેક કામકાજી સ્ત્રીઓએ તીવ્ર મનોસંઘર્ષ અનુભવવો પડે છે. પરંતુ એટલું હંમેશાં યાદ રાખો કે સ્ત્રીઓ પણ મહત્ત્વાકાંક્ષા રાખે એમાં કંઈ જ ખોટું નથી.