16/07/2024
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
લે. યોગેન્દ્ર જાની
પ્રકાશકઃ આદર્શ પ્રકાશન અમદાવાદ
લેખક યોગેન્દ્ર જાનીએ બ્યાંશીમા વર્ષે લખેલું એક અતિઅદ્યતન વિષય પરનું પુસ્તક તેમની આજીવન વિજ્ઞાનલેખન સાધનાની વધુ એક સાર્થક ફલશ્રુતિ છે. લેખક વિજ્ઞાન વિષયક તેમના આ એકસઠમા પુસ્તકમાં વિષયનો સમગ્રલક્ષી પરિચય સહુને સમજાય તેવી રીતે સરળ અને પ્રવાહી ભાષામાં આપે છે. તેમાંથી કેટલીક બાબતો છેઃ AIનાં અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ, તેની કાર્યપદ્ધતિ, મશીન લર્નિંગ અને અલ્ગોરિધમ્સ, ટ્યુરિંગ ટેસ્ટ્સ, એજન્ટ પર્યાવરણ અને રોબોટિક્સ. AIનાં ભયસ્થાનો, ફાયદા-ગેરફાયદા તેમ જ તેમાં કારકિર્દીની તકો વિશે પણ વાંચવા મળે છે. AI ના ઇતિહાસની રૂપરેખા તેમ જ તેના સ્થાપકો-જનકો-વિકાસકારો વિશેનાં રોચક પ્રકરણો છે. બાવીસ નાનાં લખાણોનું બનેલું ‘AI માં વિવિધા’ સહુથી રસપ્રદ પ્રકરણ કેવી રીતે છે એ તેમાંના કેટલાંક લખાણોના વિષયો પરથી સમજી શકાય: ભારતીય સેના અને AI, સિરોના નામક ચેટબૉટ અને મહિલા માસિક ધર્મ, રોબોટ દ્વારા રોબોટને જન્મ, ખોટી ઉઠક-બેઠક સામે એલર્ટ કરતી ટેકનોલૉજી, AI અને અપરાધીઓ, ઉધરસ અને બીમારી, માબાપની કાળજી, ઇઝરાયલનો યંત્રમાનવ અને દિવ્યદૃષ્ટિ, ગુનાખોરીનું પૂર્વાનુમાન, માનસિક બીમારી શોધવા માટે AI. ચિત્રો, આકૃતિઓ, કોષ્ટકો, તસવીરો જેવી દૃશ્ય સામગ્રી પુસ્તકને વધુ વાચનીય બનાવે છે.
પરિશિષ્ટમાં લેખકે ત્રણ રસપ્રદ બાબતો મૂકી છેઃ એક, સ્ટીફન હૉકિંગની વ્યાધિ અને સિદ્ધિની યાદ અપાવે તેવા ‘માનવ સાયબોર્ગ ડૉ. પીટર મૉર્ગન’નો પરિચય; બે, ભવિષ્યમાં અમેરિકામાં આપઘાત કરવા માટે ગન ખરીદતા લોકોની મશીન લર્નિંગથી ઓળખ કરી શકાશે એવા સમાચાર; અને ત્રણ,એવો બનાવ કે જેમાં રશિયામાં રોબોટે ચેસની સ્પર્ધામાં તેની સામે રમતાં સાત વર્ષના બાળકની આંગળી એટલા માટે તોડી નાખી કે બાળકે રમત સંબંધિત સિક્યુરિટી પ્રોટોકૉલનો ભંગ કર્યો હતો.
https://amzn.in/d/0ikZ1ZOx
Yogendra Jani Gyan Vigyan PageYogendra Jani
સમગ્ર માનવજાતિને અસર કરનાર અનોખી અને અત્યાર સુધી થયેલી બધી ક્રાંતિઓમાં સૌથી અલગ એવી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એટલે AI....