
12/08/2025
પંડિતજીના મંત્રોચ્ચાર સાથે લગ્નમંડપમાં વરપૂજાની વિધિ ચાલી રહી હતી. પતિ-પત્ની બંન્ને પોતાના ભાવિ જમાઈના ચરણ પખાળી રહ્યા હતા. લગ્નમંડપની એક તરફ વરપક્ષ અને બીજી તરફ કન્યાપક્ષની સ્ત્રીઓ પોતા-પોતાના લગ્નગીતો ગાઈ રહી હતી. બાળકો બૂમા-બૂમ અને તોફાન મચાવીને રમી રહ્યાં હતાં. વર-કન્યાની દૂર-દૂરની બહેનો પણ એકબીજાને પોતાના ડ્રેસ, ઘરેણાં અને મેક-અપનો દેખાડો કરતી "હી.., હી.., હી..," કરીને હસી રહી હતી. કેટલાક અતિવ્યસ્ત પુરુષો આટલા કોલાહલ વચ્ચે પણ કાન પાસે ફોન ધરીને "હેલ્લો.., હેલ્લો..," કરતા સામેના છેડેથી કહેવાતી વાત સાંભળવાની કોશિશ કરી રહ્યા હતા. જ્યારે, કન્યાપક્ષના પુરુષો જાન લઈને આવેલા મહેમાનોને ચાય-કૉફી-શરબત પહોંચાડવા માટે હો-હલ્લા કરી રહ્યા હતા; આટલો કોલાહલ અને શિયાળાની ઠંડી સંધ્યાને સહન કરીને પણ ધીર-ગંભીર, શાંતીનો મહાસાગર બનીને લગ્નમંડપમાં બેઠો હતો, વરરાજા સાગરરાજ...!
વરપૂજા પત્યા પછી પંડિત દ્વારા ત્રણવાર બોલાયેલ, "કન્યા પધરાવો, સાવધાન..!" શબ્દોએ બધાનું ધ્યાન લગ્નમંડપ તરફ દોર્યું. કન્યાપક્ષની વડિલ સ્ત્રીઓના ઈશારાથી કન્યાની મોટી બહેન પાયલ કન્યાને લગ્નમંડપમાં લાવવા માટે એના રુમ તરફ પહોંચી. આટલીવાર સુધી કન્યાની કોઈને સુધ ન્હોતી. જેવી જાન આવી કે તરત જ એની સખીઓ ઘરના આંગણે પહોંચી ગઈ, ત્યારથી કન્યા એના રુમમાં એકલી જ હતી. કન્યાને લેવા ગયેલી બહેન થોડીવારે ખાલી હાથે જ બહાર પાછી આવી, એણે એક થાળમાં ફુલહાર સજાવી રહેલી એની ભાભી અવનીના કાનમાં ધીમેથી કંઈક કહ્યું. જેને સાંભળીને ભાભી તરત જ ફુલહારનો થાળ બીજાને પકડાવી નણંદ સાથે કન્યાના રુમ તરફ કોઈને શંકા ન જાય એવા હળવા પગે દોડી ગઈ.
"તે બરાબર તો જોયું ને..? વૉશરુમ ગઈ હશે; નહીં તો વરરાજાને જોવા ગેલેરીમાં ઊભી હશે. કોઈ બીજા રુમમાં તો નથી ને..?" કન્યાને રુમમાં આમથી તેમ શોધતી અવની એક શ્વાસે ગભરાયેલા અવાજે પાયલને કહી રહી.
"હા, ભાભી મેં બધે જોઈને જ તમને કહ્યું. એ મારી નાની બહેન છે, હું એના વિશે કંઈ ખોટું તો નહીં જ બોલું ને..!"
"આરાધના ભાગી ગઈ..! બહાર જાન ઊભી છે.. વરપૂજા પૂરી થઈ ગઈ છે.., હવે આપણે બધાને શું જવાબ આપશું?" અવની નણંદનો હાથ પકડી ગભરાતા બોલી.
"મને વિશ્વાસ નથી આવતો, કે આરાધના આવું પણ કરી શકે છે..! એણે તો હા કહી હતી ને સાગર સાથે લગ્ન કરવાની? એને મા-બાપુની ઈજ્જતની બહુ ચિંતા છે, એ આવું ના કરે.."
"બસ દીદી.., અત્યારે આ બધું વિચારવાનો સમય નથી..! અત્યારે આરાધના ઘરમાં નથી, એ જ હકીકત છે. અને એનાથી મોટી હકીકત એ છે કે સાગરકુમાર ચોરીમાં બેઠા છે..! હવે, એ વિચારો કે આપણે આગળ શું કરવાનું છે." અવનીના અવાજમાં ડર અને ગુસ્સો બંન્ને હતા.
"હું એને ફોન કરી જોઉં..," ધ્રુજતા હાથે પાયલે આરાધનાને ફોન જોડ્યો, પણ એનો ફોન સામે પલંગ પર જ રણક્યો.
"આ રહ્યો આરાધનાનો ફોન.. ભાગવાવાળા ફોન લઈને ના ભાગે, દીદી..! હું તમને કહી દઉં છું આરાધનાએ આ સારુ નથી કર્યું. એણે બધાની વચ્ચે અમારી ઈજ્જત ઉછાળવાની પૂરી તૈયારી કરી લીધી છે. જો તમારા લગ્ન ના થયા હોત ને.. તો આજે હું તમને જ મંડપમાં બેસાડી દેત..! પણ લાગે છે અમારા નસીબમાં બદનામી જ લખી છે..! મેં અને તમારા ભાઈએ અમારી બધી બચત આ લગ્નમાં વાપરી નાખી, અને એ બેશરમ લગ્નના દિવસે જ ભાગી ગઈ..! આ છોકરીઓને પણ કામ બતાવો તો કહે કે અમારે આરાધના દીદી જોડે બેસવું છે.., અને અત્યારે એને એકલી મૂકીને ખબર નહીં એ બધી ક્યાં મરી ગઈ..!" અવનીનો અવાજ અને ગુસ્સો બંન્ને ધીમે ધીમે વધી રહ્યા હતા, ચિંતાના અને ડરના માર્યા એના હાથ પણ ધ્રુજી રહ્યા હતા.
એનો વધેલો અવાજ સાંભળી પાયલને પણ ગુસ્સો આવ્યો, "તમને શું લાગે છે ભાભી.., આ બધું ખાલી તમને જ નડશે? અરે.., મારા સાસરિયા મને કેટલા મ્હેણા મારશે એ ખબર છે તમને..! ભાગવાવાળા તો ભાગી ગયા, હવે એના કારણે આખી જીંદગી મારી સાસુ મને સંભળાવશે..," પોતાનો ઊંચો અવાજ કદાચ લોકો સાંભળી શકે છે, એવો અહસાસ થતા જ એ ધીમા સ્વરે શક્ય એટલી નમ્રતા અને ધીરજથી, ધ્રુજી રહેલી ભાભીના ખભા પર હાથ મૂકીને બોલી, "ભાભી, આરાધનાનું એક અવળું ડગલું આપણા માટે આટલી મોટી મુસિબત પાછળ છોડી ગયું. આ સમય એ કેમ ગઈ, કોને કેટલું નુકસાન થયું, એ જોવાનો નથી. આ સમયે આપણે બંન્નેએ સાથે મળીને એ વિચારવું જોઈએ કે આપણે આગળ શું કરવું છે. હવે તો જશ અને જુતા બંન્ને આપણા માટે જ છે..!"
"જશ..! શેનો જશ..? જુતા કહો.., જુતા..! આપણને હવે જુતા જ પડવાના છે." અવની તિરસ્કારથી ધ્રુજતા સ્વરે બોલી.
"જે થાય એ જોયું જાય, પણ કહેવું તો પડશે જ ને..! મારા ખ્યાલે આપણે સૌથી પહેલા આ વાત મારા ભાઈને કરવી જોઈએ." એ બંન્ને આ ચર્ચા કરી ...
પંડિતજીના મંત્રોચ્ચાર સાથે લગ્નમંડપમાં વરપૂજાની વિધિ ચાલી રહી હતી. પતિ-પત્ની બંન્ને પોતાના ભાવિ જમાઈના ચરણ પખાળ....