Janlok Satya

Janlok Satya જનલોક સત્ય ન્યૂઝ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું સાપ્તાહિક અખબાર છે અને સાથે સાથે એક સક્રિય ડિજિટલ ન્યૂઝ મીડિયા તરીકે પણ કાર્ય કરે છે

જનલોકસત્ય એક સાપ્તાહિક /ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, જે મુખ્યત્વે ગુજરાત સંબંધિત સમાચાર અને સામાજિક મુદ્દાઓ પર ધ્યાન આપે છે.જે ખાસ કરીને ગુજરાતના સ્થાનિક સમાચાર, રાજકીય મુદ્દાઓ અને સામાજિક પ્રશ્નો પર કામ કરે છે.ક્યારેક વાયરલ વિડિયો અને ગ્રાઉન્ડ લેવલથી (ગામ/તાલુકા) સમાચાર રજૂ કરવાનો પ્રયત્ન.

લક્ષ્ય:- જનતાનો અવાજ આગળ લાવવો,સ્થાનિક મુદ્દાઓને મીડિયામાં સ્થાન આપવું,સત્તાધીશો સુધી પ્રશ્ન પહોંચાડવા

આણંદ :જિલ્લાના રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર*********હવે ક્યુઆર કોડ સ્કેન કરીને મળશે રેશનનું અનાજ*****---આણંદ જિલ્...
07/06/2026

આણંદ :જિલ્લાના રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર
*********
હવે ક્યુઆર કોડ સ્કેન કરીને મળશે રેશનનું અનાજ
*****---
આણંદ જિલ્લાના રેશનકાર્ડ ધારકો માટે અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને સરળ બનાવવા માટે નવી ડિજિટલ સુવિધાઓ અમલમાં મુકવામાં આવી છે. હવે લાભાર્થીઓ પોતાના સ્માર્ટફોન દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને વાજબી ભાવની દુકાનેથી અનાજ મેળવી શકશે.

ભારત સરકાર અને ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના માર્ગદર્શન મુજબ રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ કરાવવું ફરજિયાત છે. ઈ-કેવાયસી પૂર્ણ થયા બાદ લાભાર્થીઓને વિવિધ ડિજિટલ સેવાઓનો લાભ સરળતાથી મળી શકશે.

ઘરે બેઠા જનરેટ કરો અનાજની કુપન

રેશનકાર્ડ ધારકોએ પોતાના સ્માર્ટફોનમાં Mera Ration (માય રેશન એપ) ડાઉનલોડ કરવી જરૂરી છે. આ એપ દ્વારા લાભાર્થીઓ:

ઘરે બેઠા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે.

રેશનની કુપન ઓનલાઈન જનરેટ કરી શકશે.

પરિવારની વિગતો ચકાસી શકશે.

રેશન સંબંધિત માહિતી મેળવી શકશે.

ક્યુઆર કોડથી અનાજ મેળવવાની નવી વ્યવસ્થા

રાજ્ય સરકારના સીબીડીસી (CBDC) પ્રોજેક્ટ હેઠળ હવે લાભાર્થીઓ PNB Digital Rupee એપ્લિકેશનનો ઉપયોગ કરીને વાજબી ભાવની દુકાને ક્યુઆર કોડ સ્કેન કરી સરળતાથી અનાજ મેળવી શકશે.

જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ

જિલ્લા પુરવઠા અધિકારીએ તમામ રેશનકાર્ડ ધારકોને સમયસર ઈ-કેવાયસી પૂર્ણ કરાવવા તથા જરૂરી મોબાઇલ એપ્લિકેશનો ડાઉનલોડ કરીને નવી ડિજિટલ સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

📱 રેશનકાર્ડ સેવાઓમાં ડિજિટલ ક્રાંતિ!
🔍 હવે QR કોડ સ્કેન કરીને મળશે અનાજ
🏠 ઘરે બેઠા જનરેટ કરો રેશન કુપન
✅ તમામ સભ્યોનું e-KYC કરાવવું ફરજિયાત
📲 Mera Ration અને PNB Digital Rupee એપ ડાઉનલોડ કરો

આણંદ :બોરસદ :સારોલ ગામે રૂ. 17.75 કરોડના નવા વીજ સબ-સ્ટેશનનું ભૂમિપૂજન*******આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામે રૂપ...
07/06/2026

આણંદ :બોરસદ :સારોલ ગામે રૂ. 17.75 કરોડના નવા વીજ સબ-સ્ટેશનનું ભૂમિપૂજન
*******
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામે રૂપિયા 17.75 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવા વીજ સબ-સ્ટેશનનું ભૂમિપૂજન રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી ના હસ્તે કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું કે આ સબ-સ્ટેશનના નિર્માણથી સારોલ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો વધુ સુદ્રઢ, સ્થિર અને ગુણવત્તાસભર બનશે. ખેડૂતો, વેપારીઓ અને ગ્રામજનોને લો-વોલ્ટેજ તેમજ વારંવાર સર્જાતી વીજ સમસ્યાઓમાંથી રાહત મળશે, જેના પરિણામે ખેતી, વ્યવસાય અને ગ્રામ્ય વિકાસને નવી ગતિ મળશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક સરપંચ, વીજ કંપનીના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

⚡ સારોલ ગામે વિકાસનો નવો કરંટ!
💰 રૂ. 17.75 કરોડના ખર્ચે નવા વીજ સબ-સ્ટેશનનું ભૂમિપૂજન
🌾 ખેડૂતોને મળશે સ્થિર અને ગુણવત્તાસભર વીજ પુરવઠો
🏘️ ગ્રામ્ય વિકાસને મળશે નવી દિશા

31/05/2026

આણંદના અડાસ ગામ નજીક નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી

આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ (ROB) નો એક ભાગ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બે પિલર વચ્ચેનો ગર્ડર તૂટી પડ્યો હતો. સદનસીબે ઘટના સમયે કોઈ વાહન કે કામદાર તેની નીચે હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.

ઘટનાની જાણ થતાં રેલવે અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ બાંધકામ દરમિયાન ટેકનિકલ ખામી અથવા ગુણવત્તા સંબંધિત મુદ્દાને કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અધિકારીઓએ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.

31/05/2026

ગુજરાતના ઘણા જિલ્લોઓમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદની સંભાવના સાથે આગાહી: ગુજરાતમાં ગરમીથી રાહત, પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય
*****
તા.૧ થી ૮ સુધી સંભાવના, ચોમાસું પવનો નથી
ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. ભારે પવન, ધૂળની ડમરીઓ, ગાજવીજ અને વરસાદની સંભાવનાને કારણે અનેક વિસ્તારોમાં લોકો ગરમીમાંથી રાહત અનુભવી શકે છે. હવામાનમાં આ ફેરફાર મુખ્યત્વે પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે સર્જાય છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઉનાળામાં જમીન અત્યંત ગરમ થઈ જતાં ગરમ હવા ઝડપથી ઉપર ઉઠે છે. તેના કારણે નીચા દબાણની સ્થિતિ સર્જાય છે અને આસપાસથી ઠંડી હવા ઝડપથી પ્રવેશ કરે છે. વાતાવરણમાં રહેલો ભેજ આ પ્રક્રિયાને વધુ તીવ્ર બનાવે છે, જેના કારણે ગાજવીજ સાથે વરસાદી વાદળો (ક્યુમ્યુલોનિમ્બસ ક્લાઉડ્સ) વિકસે છે.

આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક અથવા તેનાથી વધુ રહેવાની શક્યતા છે. ભારે પવન સાથે ઉડતી ધૂળને કારણે દિવસ દરમિયાન પણ અંધારું છવાઈ શકે છે અને દૃશ્યતા ઘટી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં પવન, ધૂળની ડમરીઓ, ગાજવીજ અને વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.

જો કે, આ વરસાદ ગરમીમાંથી રાહત આપશે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થઈ શકે છે, આંબાના પાકતા ફળોને નુકસાન પહોંચી શકે છે, તૈયાર થયેલી બાજરી અને ખુલ્લામાં રાખેલો સૂકો ઘાસચારો વરસાદથી બગડી શકે છે.પશુ, પંખી જાનમાલ ને નુકશાન ન થાય તેવી તકેદારી રાખવી જરૂરી છે.

ખેડૂતો અને પશુપાલકોને પોતાના પાક, ઘાસચારા અને કૃષિ સાધનોને સુરક્ષિત સ્થળે રાખવા તેમજ વીજળીના કડાકા-ભડાકા દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન જવા તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

#ગુજરાતહવામાન

રાજ્યમાં નવી સરકારી માધ્યમિક શાળાઓ માટે રૂ. 4.43 કરોડની જોગવાઈ, કંકાપુરા, મોરડ અને સંજાયા ગામોને મળશે લાભ*********"ગ્રામ...
31/05/2026

રાજ્યમાં નવી સરકારી માધ્યમિક શાળાઓ માટે રૂ. 4.43 કરોડની જોગવાઈ, કંકાપુરા, મોરડ અને સંજાયા ગામોને મળશે લાભ
*********
"ગ્રામ્ય શિક્ષણને પ્રોત્સાહન: કંકાપુરા, મોરડ અને સંજાયા ગામે નવી માધ્યમિક શાળાઓને મંજૂરી".
*******

આણંદ, શનિવાર: ગુજરાત રાજ્યમાં ગુણવત્તાસભર શિક્ષણનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના નેતૃત્વ અને નાણાં વિભાગના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઠરાવ મુજબ બિન-આદિજાતિ વિસ્તારોમાં કુલ 85 નવી સરકારી માધ્યમિક શાળાઓ અને 3 નવી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે.

નવી શાળાઓમાં શૈક્ષણિક અને વહીવટી કામગીરી સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. આ માટે વર્ષ 2026-27ના બજેટમાં રૂ. 4.43 કરોડની જોગવાઈને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

આ યોજનાના ભાગરૂપે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કંકાપુરા તથા પેટલાદ તાલુકાના મોરડ અને સંજાયા ગામોમાં નવી સરકારી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. ગ્રામજનો અને વાલીઓની લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયને આવકાર મળ્યો છે.

કંકાપુરા ગામના વિદ્યાર્થીઓને અત્યાર સુધી ધોરણ-8 પછીના અભ્યાસ માટે દહેવાણ જવું પડતું હતું. ખાસ કરીને વરસાદી ઋતુ સહિત વિવિધ ઋતુઓમાં વિદ્યાર્થીઓને આવન-જાવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ માટે પણ આ સ્થિતિ પડકારરૂપ બની રહેતી હતી.

હવે ગામમાં જ સરકારી માધ્યમિક શાળા શરૂ થતાં વિદ્યાર્થીઓને સરળતાથી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. વાલીઓને પણ પોતાના સંતાનોના અભ્યાસ અંગેની ચિંતામાંથી રાહત મળશે. આ શાળા માત્ર કંકાપુરા જ નહીં પરંતુ આસપાસના ગામોના વિદ્યાર્થીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.

રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ શિક્ષણ ક્ષેત્રે લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ શિક્ષણ મંત્રી ડૉ. પ્રધ્યુમનસિંહ વાજા તથા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાનો આભાર વ્યક્ત કર્યો છે.

29/05/2026

ખંભાત તાલુકાના ધુવારણ ગામમાં ગટરરાજ!
******
એક વર્ષથી ઉભરાતી ગટરથી ગ્રામજનો ત્રાહિમામ, ગ્રામ પંચાયત અને તંત્ર સામે ઉઠ્યા તીખા સવાલો
*******«*
ધુવારણ : ખંભાત તાલુકાના ધુવારણ ગામમાં વિકાસના દાવાઓ વચ્ચે ગામના મુખ્ય માર્ગ પર છેલ્લા એક વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યા હવે ગ્રામજનો માટે માથાનો દુખાવો નહીં પરંતુ આરોગ્ય માટે ગંભીર ખતરો બની ગઈ છે. ધુવારણ બજારથી ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર રાવજીભાઈના ઘર (આરો) સામે ગટર લાઈન સતત ઉભરાઈ રહી છે અને ગંદુ, દુર્ગંધ મારતું પાણી રોડની સાઈડમાં વહી રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરનું ગંદુ પાણી ઉકરડા અને કચરાના ઢગલાં સાથે ભળી જતા એટલી ભયાનક દુર્ગંધ ફેલાઈ રહી છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. ઉનાળાની ગરમીમાં સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. મુખ્ય માર્ગ સાંકડો હોવાથી સામે વાહન આવે ત્યારે રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકોને રોડની સાઈડમાં ઉતરવું પડે છે અને મજબૂરીમાં ગંદા ગટરનાં પાણીમાં પગ મૂકવા પડે છે.

શાળાઓ શરૂ થવાની તૈયારી વચ્ચે બાળકો માટે જોખમ

હવે થોડા જ સમયમાં શાળાઓ શરૂ થવાની છે. ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. ગામના ત્રણેય પરા વિસ્તારના લોકો માટે આ મુખ્ય રસ્તો હોવાથી દિવસભર ભારે અવરજવર રહે છે. છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ પ્રિ-મોન્સૂન કાર્યવાહી કરવામાં આવી નથી.

ગ્રામજનોમાં રોષ છે કે ચોમાસું શરૂ થયા બાદ વરસાદી પાણી સાથે આ ગટરનું ગંદુ પાણી ભળશે તો મચ્છરજન્ય અને ચેપી રોગચાળો ફાટી નીકળવાની સંપૂર્ણ શક્યતા છે. છતાં તંત્ર મૌન છે.

ગ્રામસભામાં રજૂઆત છતાં કાર્યવાહી નહીં!

સ્થાનિકોનું કહેવું છે કે આ મુદ્દે અનેક વખત ગ્રામસભામાં રજૂઆત કરવામાં આવી છે. ચૂંટાયેલા સરપંચ, સભ્યો અને તલાટી રોજ આ માર્ગ પરથી પસાર થાય છે છતાં સમસ્યા યથાવત છે. જ્યારે ગ્રામજનો સવાલ કરે છે ત્યારે “મોટી ગ્રાન્ટની માંગણી કરી છે” એવો જવાબ આપવામાં આવે છે.

પરંતુ ગ્રામજનો સવાલ કરી રહ્યા છે કે —

જયારે ધારાસભ્ય નાળાનું ખાત મુહર્ત કરવાં આવવાના હતા ત્યારે બે દિવસ અગાઉ ગટર ઉભરાતી બંધ કરેલી, કચરો સાફ કરેલો અને હવે ગ્રામજનો માટે ઓરમાયું વર્તન?

મોટી ગ્રાન્ટ આવે ત્યાં સુધી શું લોકો ગંદકીમાં જ જીવતા રહે?

શું તાત્કાલિક ગટર બંધ કરવાની નાની કામગીરી પણ પંચાયત કરી શકતી નથી?

શું તાલુકા વિકાસ અધિકારી અને પંચાયત વિભાગના અધિકારીઓને આ ગટર નજરે પડતી નથી?

શું ચોમાસા પહેલા સફાઈ અને ગટર મરામત કરવાની જવાબદારી માત્ર કાગળ પર જ છે?

ગ્રામ પંચાયત લોકોની સમસ્યા ઉકેલવા માટે છે કે માત્ર બેઠકો અને ઠરાવો માટે?

“તંત્ર સૂતું છે કે ગામને બીમારીના ખાડામાં ધકેલી રહ્યું છે?”

ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો ચોમાસા પહેલા ગટર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગામમાં આરોગ્ય સંકટ સર્જાશે અને તેની સંપૂર્ણ જવાબદારી ધુવારણ ગ્રામ પંચાયત, તલાટી અને તાલુકા વિકાસ અધિકારીની રહેશે.

હવે જોવાનું રહ્યું કે વારંવાર રજૂઆતો છતાં નિષ્ક્રિય રહેલું તંત્ર જાગે છે કે પછી કોઈ મોટી દુર્ઘટના અથવા રોગચાળો ફાટી નીકળ્યા પછી જ કાર્યવાહી કરશે?

હેશટેગ્સ:

#ધુવારણ

#ગટરરાજ






#ધુવારણગ્રામપંચાયત





#જનલોકસત્ય







28/05/2026

તંત્રની બેદરકારી કે મોટી દુર્ઘટનાને આમંત્રણ?
*****
બોરસદના કાલું ગામે એક સાથે ચાર વીજ થાંભલા ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી
******-
બોરસદ તાલુકાના કાલું ગામના સિંધાપુરા વિસ્તારમાં વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ગામમાં 11 કે.વી. ની ૨૪ કલાક ચાલતી વીજ લાઈનનો એક ક્ષતિગ્રસ્ત થાંભલો અચાનક ધરાશાયી થતાં તેની સાથે જોડાયેલા અન્ય ત્રણ થાંભલા પણ જમીનદોસ્ત થઈ ગયા હતા. સદનસીબે ઘટનાસ્થળે ખેતરોમાં બાજરી લણનીનું કામ ચાલતું હતું, અચાનક થાંભલા તૂટતાં ખેતરોમાં કામ કરતા ભાગવા લાગ્યા,જ્યાં લાઈન પડી ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ધરાશાયી થયેલો મુખ્ય વીજ થાંભલો લાંબા સમયથી જોખમી હાલતમાં હતો અને તેની બાબતે અંદાજે બે મહિના પહેલાં સંબંધિત કચેરીએ ઓનલાઇન લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં સમયસર યોગ્ય કાર્યવાહી ન થતાં આખરે આ ઘટના બની હોવાનું ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક નાગરિક અનિલકુમાર પ્રવિણસિંહ સિંધાએ અગાઉથી રજૂઆત કરાઈ હોવાનો દાવો કર્યો છે. ગ્રામજનોના કહેવા મુજબ, જો સમયસર મરામત અથવા બદલવાની કાર્યવાહી થઈ હોત તો આજની પરિસ્થિતિ ટાળી શકાય તેવી હતી.

ઘટના બાદ સ્થાનિક અગ્રણી અને 'જનલોક સત્ય ' ન્યુઝ પેપર ના પત્રકાર મહેન્દ્રસિંહ સિંધાએ રાસ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી અને જવાબદારી નિર્ધારિત કરવાની માંગ કરી હતી. જોકે સ્થાનિકોમાં એવો પણ આક્ષેપ છે કે ઘટનાની ગંભીરતા સ્વીકારવાના બદલે જવાબદાર અધિકારીઓએ સ્થાનિકોએ તોડ્યો છે એવો આક્ષેપ લગાવી અસંતોષજનક વલણ દાખવ્યું.

ગ્રામજનોમાં ઉઠેલા સવાલો:

અગાઉથી રજૂઆત છતાં કાર્યવાહી કેમ ન થઈ?

જોખમી થાંભલાની તપાસ કોણે કરી હતી?

જો આ અકસ્માતમાં કોઈ નિર્દોષનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ?

શું તંત્ર મોટી દુર્ઘટના બાદ જ જાગશે?

ઉનાળાની ગરમીમાં રાત્રીભર બીના વીજળીથી રાત કાઢવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.

ગામલોકો દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હાલ વીજ વિભાગ દ્વારા નુકસાનગ્રસ્ત લાઈનને સુધારવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

અહેવાલ રિપોર્ટ : મહેન્દ્રસિંહ સિંધા



















બોરસદ:ડાલી ચોકડી :જીતપુરામાં યુવક પર હુમલો : સમાધાન બાબતે બોલાવી દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો********બોરસદના ડાલી ચ...
28/05/2026

બોરસદ:ડાલી ચોકડી :જીતપુરામાં યુવક પર હુમલો : સમાધાન બાબતે બોલાવી દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
********
બોરસદના ડાલી ચોકડી પાસે શાકભાજીનો વ્યવસાય કરતા એક યુવક પર દંપતી સહિત ત્રણ લોકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. કેસના સમાધાન બાબતે અદાવત રાખીને યુવકને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વિરસદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોરસદ તાલુકાના ડાલી ગામના જીતપુરા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય કૃષ્ણકુમાર કેસરીસિંહ પરમાર ડાલી ચોકડી પાસે શાકભાજીનો વ્યવસાય કરે છે. દરમિયાન અંજના દિલીપ પરમાર અને તેનો પતિ દિલીપ જીવા પરમારે કૃષ્ણકુમારને બોલાવ્યો હતો.

આરોપ છે કે અંજનાએ પોતાના દ્વારા કરવામાં આવેલી અરજી તથા તેના પતિ વિરૂદ્ધ નોંધાયેલા પોક્સો કેસમાં સમાધાન કરવા માટે દબાણ કર્યું હતું. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી.

બોલાચાલી ઉગ્ર બનતા દંપતીનું ઉપરાણું લઈને રવિ જગદિશ સિંધા પણ ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ ત્રણેય જણાએ ભેગા મળીને યુવક પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન લાકડાનું સ્ટુલ ફેંકીને માર મારવામાં આવતા કૃષ્ણકુમારને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણ થતાં આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને યુવકને વધુ મારમાંથી બચાવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં થોડીવાર માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

આ સમગ્ર મામલે વિરસદ પોલીસે અંજના દિલીપ પરમાર, દિલીપ જીવા પરમાર અને રવિ જગદિશ સિંધા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આણંદ જિલ્લા પંચાયતની રાજનીતિમાં મોટો વળાંક : હાઇકોર્ટના નિર્ણયથી ભાજપને રાહત? કોંગ્રેસને ઝટકો?*******આણંદ જિલ્લા પંચાયતમ...
25/05/2026

આણંદ જિલ્લા પંચાયતની રાજનીતિમાં મોટો વળાંક : હાઇકોર્ટના નિર્ણયથી ભાજપને રાહત? કોંગ્રેસને ઝટકો?
*******
આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખપદની ચૂંટણી પહેલા સર્જાયેલા રાજકીય ઘમાસાણમાં હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભાજપના ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ્દ કરવામાં આવ્યું હતું, જેના કારણે કોંગ્રેસમાં સત્તા મેળવવાની આશા જાગી હતી. જોકે બાદમાં ભાજપે કાનૂની લડત શરૂ કરતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.

માહિતી મુજબ, ભાજપના ઉમેદવાર મયુરી પટેલ દ્વારા હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે ઉમેદવારી રદ્દ કરવાના નિર્ણય પર ગંભીર નોંધ લઈ અંતે મયુરી પટેલનું ઉમેદવારીપત્ર માન્ય રાખ્યું હતું. કોર્ટે આપેલા આ નિર્ણય બાદ જિલ્લા પંચાયતની રાજકીય સમીકરણોમાં ફરી મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસે પ્રમુખપદ પોતાના હાથમાં આવવાની આશા વ્યક્ત કરી હતી, પરંતુ હાઇકોર્ટના ચુકાદા બાદ હવે ભાજપ ફરી મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. આ નિર્ણયથી કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખપદની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, ઉમેદવારનું ફોર્મ રદ થતાં કોંગ્રેસનો રસ્તો સરળ******ભાજપના ધમ પ...
25/05/2026

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખપદની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, ઉમેદવારનું ફોર્મ રદ થતાં કોંગ્રેસનો રસ્તો સરળ
******
ભાજપના ધમ પછાડા નિષ્ફળ
*******
આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખપદની ચૂંટણી પહેલા જ રાજકીય સમીકરણોમાં નાટકીય ફેરફાર જોવા મળ્યો છે. સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપને ટેક્નિકલ કારણોસર સત્તા ગુમાવવાની સ્થિતિ સર્જાઈ છે. ભાજપના ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ નામંજૂર થતાં હવે કોંગ્રેસ માટે પ્રમુખપદનો માર્ગ સરળ બન્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

માહિતી મુજબ સારસા બેઠક પરથી વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર મયુરીબેન દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જોકે, ચૂંટણી અધિકારીઓએ તેમનું ફોર્મ નામંજૂર કર્યું હોવાનું જાણવા મળ્યું છે. મયુરીબેનના જન્મ પ્રમાણપત્ર અંગે ઉઠેલા વાંધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ચર્ચા મુજબ તેમના બર્થ સર્ટિફિકેટમાં મહારાષ્ટ્ર રાજ્યનો ઉલ્લેખ હોવાને કારણે ચૂંટણી પંચે ટેક્નિકલ આધાર પર ઉમેદવારી અમાન્ય જાહેર કરી હતી. આ નિર્ણય બાદ જિલ્લા પંચાયત પ્રમુખપદની રાજકીય હરીફાઈમાં મોટો વળાંક આવ્યો છે.

ભાજપ પાસે જિલ્લા પંચાયતમાં બહુમતી હોવા છતાં ઉમેદવારનું ફોર્મ રદ થતાં કોંગ્રેસને સીધો રાજકીય લાભ મળ્યો છે. ઘટનાના પગલે જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના કાર્યકરોમાં નિરાશા અને અસંતોષ જોવા મળી રહ્યો છે, જ્યારે કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

જિલ્લા પંચાયતની સત્તા હાથમાંથી સરકી જવાની સંભાવનાએ ભાજપના સંગઠન માટે આ ઘટનાને રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ બનાવી દીધી છે. હવે આગામી પ્રક્રિયા અને કોંગ્રેસ તરફથી થનારી રાજકીય ચાલો પર સૌની નજર ટકેલી છે.

આ પરિસ્થિતિમાં જિલ્લા પંચાયતનું રાજકારણ વધુ રસાકસીભર્યું બનવાની શક્યતા છે. પ્રમુખપદ વિપક્ષના હાથમાં જશે, પરંતુ કારોબારી સમિતિ, શાસક પક્ષના નેતા સહિતની મહત્વપૂર્ણ સમિતિઓમાં ભાજપની બહુમતી યથાવત રહેશે. જેના કારણે સત્તા અને સંખ્યાબળ વચ્ચેનું ટકરાવજનક સમીકરણ ઊભું થયું છે.

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિકાસના કામો, નાણાકીય મંજૂરીઓ અને બજેટ પસાર કરવા બહુમતી જરૂરી હોય છે. આવી સ્થિતિમાં ભાજપ પોતાની બહુમતીના આધારે પ્રમુખના નિર્ણયો અથવા બજેટ પ્રસ્તાવો અટકાવી શકે છે. પરિણામે વિકાસકાર્યોમાં વિલંબ, વહીવટી અડચણો અને રાજકીય ખેંચતાણ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

રાજકીય નિરીક્ષકોના મતે હવે જિલ્લા પંચાયતનું આગામી કાર્યકાળ સહકાર કરતાં વધુ રાજકીય સંઘર્ષ અને વ્યૂહરચનાઓ માટે ચર્ચામાં રહે તેવી સંભાવના છે.

જિલ્લા પ્રમુખની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવશે.

Address

Borsad

Alerts

Be the first to know and let us send you an email when Janlok Satya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Janlok Satya:

Share