06/11/2025
કારેલાં (અંગ્રેજી: bitter melon or bitter gourd, વૈજ્ઞાનીક નામ: Momordica charantia)
એ વ્યાપક જોવા મળતું તથા શાકો મા સૌથી કડવું શાક છે. આ શાક શાસ્ત્રીય રીતે કકુર્બીટેસી વર્ગમાં આવે છે. આના વેલા થાય છે.
તે એકગૃહી (monoecious) આરોહી વનસ્પતિ છે અને સમગ્ર ભારતમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી વાડ પર અથવા અન્ય આધાર પર થાય છે. ઘણી વાર તેને ઉછેરવામાં આવે છે. પ્રકાંડ પાતળું, અશક્ત અને વધતે-ઓછે અંશે રોમિલ; પર્ણો સાદાં હોય છે.પુષ્પો એકલિંગી, પીળાં અને એકાકી હોય છે.ફળ અનષ્ઠિલ અલાબુક (pepo) પ્રકારનું, 5.0 સેમી.થી 25 સેમી. લાંબું, લટકતું, ત્રાકાકાર, ખાંચો અને અસંખ્ય ગાંઠોવાળું હોય છે. કારેલાંનું ઉદભવસ્થાન વિષુવવૃત્તીય આફ્રિકા તથા એશિયા ખંડનાં ચીન, મલાયા અને ભારત મનાય છે. તેને સમગ્ર ભારતમાં શાકભાજીના પાક તરીકે વાવવામાં આવે છે.
સામાન્ય રીતે કારેલાંની જાતોને બે જૂથમાં વહેંચી શકાય છે : (1) નાનાં ફળવાળી જાતો; ફળ 7-10 સેમી. લાંબાં; (2) મોટાં ફળવાળી જાતો; ફળ 15-18 સેમી. લાંબાં, નાનાં ફળવાળી જાતો સામાન્ય રીતે ઉનાળામાં અને મોટાં ફળવાળી જાતો ચોમાસામાં થાય છે.
કારેલાંના પાકને મહદ્ અંશે બધા જ પ્રકારની આબોહવા માફક આવે છે. તેમાંય ખાસ કરીને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. વધારે પડતી ગરમી અને ભેજ પાકને નુકસાનકર્તા છે. સારા નિતારવાળી ફળદ્રૂપ, ગોરાડુ અથવા બેસર જમીન તેને વધારે માફક આવે છે. મધ્યમ કાળી તથા ભાઠાની જમીનમાં પણ થોડાઘણા પ્રમાણમાં થઈ શકે છે કારેલીના ચોમાસુ મોસમના પાકને માંડવા બનાવી ઉપર ચડાવવાથી વધુ ઉત્પાદન મળે છે તેમજ સારી ગુણવત્તાવાળાં ફળ મળે છે.
આયુર્વેદ અનુસાર, નાનાં કારેલાં અતિકડવાં, અગ્નિદીપક, લઘુ, ગરમ, શીત, ભેદક, સ્વાદુ અને પથ્યકર હોય છે. તે અરુચિ, કફ, વાયુ, રક્તદોષ, જ્વર, કૃમિ, પિત્ત, પાંડુ અને કોઢનો નાશ કરે છે. મોટાં કારેલાં તીખાં, કડવાં, અગ્નિદીપક, અવૃષ્ય, ભેદક, રુચિકર, ખારાં, લઘુ, વાતલ અને પિત્તનાશક છે. તે રક્તરોગ, પાંડુ, અરુચિ, કફ, શ્ર્વાસ, વ્રણ, કાસ, કૃમિ, કોઠરોગ, કુષ્ઠ, જ્વર, પ્રમેહ, આધ્માન અને કમળાનો નાશ કરે છે. ડીંટડા સહિતનાં કોમળ પાન કટુ, પૌષ્ટિક, મૂત્રજનન, વામક અને રેચક છે. પિત્તવિકાર ઉપર તેના પાનનો રસ આપવામાં આવે છે. શીતપૂર્વક કફપિત્ત જ્વર ઉપર પાનનો રસ જીરું નાખીને અપાય છે. રતાંધળાપણા ઉપર પાનના રસમાં મરી ઘસી તેને સાંજે આંજવામાં આવે છે. શરીરમાં પારો ફૂટી નીકળ્યો હોય ત્યારે કારેલીનાં મૂળ પાણીમાં ઘસી પિવડાવાય છે. વિષૂચિકા (કૉલેરા) ઉપર તલના તેલ સાથે કારેલીનો રસ આપવામાં આવે છે. મૂત્રાઘાત પર તેના પાલાનો રસ હિંગ સાથે અપાય છે. રક્તાર્શ ઉપર પાનનો અથવા ફળનો રસ સાકરમાં આપવામાં આવે છે. બાળકોનું પેટ ચઢે ત્યારે પાનના રસમાં થોડી હળદર ઉમેરી પિવડાવાય છે. જંતુ ઉપર પાનનો અથવા ફળનો રસ આપવામાં આવે છે.
કારેલામાં, ફાઇબરના ગુણધર્મો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કારેલા રસનો સેવન કરવાથી કબજિયાતની સમસ્યા હલ થાય છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તેમણે નિયમિત રીતે કારેલાનો રસ પીવો જોઈએ. તેનાથી પેટ ગેસ અને કબજિયાતની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.
કારેલાના રસનું સેવન ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઇન્સ્યુલિન જેવા પ્રોટીન હોય છે જેને પોલિપેપ્ટાઇડ પી કહેવામાં આવે છે. આ સાથે, તે ડાયાબિટીઝના બ્લડ સુગર સ્તરને પણ ઘટાડી શકે છે.
લીવર માટે કડવો કારેલાનો રસ સારો માનવામાં આવે છે.કારેલાનો રસ પીવાથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. કારણ કે કારેલામાં કેલરી ઓછી હોય છે અને ફાઇબરથી ભરપૂર હોય છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે જે વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે.
કારેલા એન્ટીઓકિસડન્ટ અને વિટામિન એ અને સી થી ભરપુર છે, જે ત્વચા માટે સારું છે. કારેલા રસનો સેવન કરવાથી પિમ્પલ્સ અને ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે.તમે શાકભાજી અને જ્યુસ તરીકે કારેલા નો ઉપયોગ કરી શકો છો.
ઉનાળાની ઋતુમાં કારેલાનો રસ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. કારેલામાં ફાઇબર, એન્ટીઓકિસડન્ટો, વિટામિન એ, સી, ઇ, કે, કેલ્શિયમ અને આયર્ન જેવા ગુણધર્મો છે. કારેલાનો રસ પીવાથી તમારા ચહેરા પર ગ્લો આવે છે અને સાથે જ શરીરને ડીટોક્સ પણ કરે છે.
એટલું જ નહીં, કારેલાના રસના સેવનથી વજન ઓછું કરી શકાય છે. જાડાપણું એ આજના સમયમાંની એક ગંભીર સમસ્યા છે, વધુ પડતી ચરબી શરીર માટે હાનિકારક હોઈ શકે છે.
લીંબુના રસ સાથે કારેલાનો જ્યુસ
આ માટે તમારે 2 કારેલા, ¼ નાની ટીસ્પૂન સિંધવ મીઠું, ટીસ્પૂન હળદર પાવડર અને ટીસ્પૂન લીંબુનો રસ જરૂર પડશે. આ માટે સૌથી પહેલા કારેલાને પાણીથી સારી રીતે ધોઈ લો. કારેલાની છાલના ઘણા સ્વાસ્થ્ય લાભ છે, તેથી તેને છાલને દુર ન કરો. કારેલાના નાના ટુકડા કરી લો. ચમચીની મદદથી દરેક ટુકડામાંથી બીજ કા કાઢીને ફેંકી દો.
હવે એક બાઉલ લો અને તેમાં કારેલા, પાણી, મીઠું અને હળદર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને તેને લગભગ 10-15 મિનિટ સુધી રાખો જેથી કડવાશ બહાર નીકળી આવે. ચાળણીની મદદથી કારેલા બહાર કાઢી લો અને બાકીનું પાણી તેમાંથી નીકાળી લો. હવે એક બ્લેન્ડર લો, તેમાં કારેલાના ટુકડા, પાણી, મીઠું અને લીંબુનો રસ ઉમેરો. તેને મુલાયમ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો અને તેને ગ્લાસમાં કાઢી લો. તમારું હેલ્ધી ડ્રિંક પીરસવા માટે તૈયાર છે.
સફરજનના રસ સાથે કારેલાનો જ્યુસ
આ માટે તમારે એક મધ્યમ કદનું કારેલુ, ટીસ્પૂન મીઠું, ટીસ્પૂન લીંબુનો રસ અને કપ સફરજનના રસની જરૂર પડશે. સૌપ્રથમ કારેલું કાપો અને તેના બીજ કાઢો. કાપેલા ટુકડાઓને ઠંડા પાણીમાં લગભગ 30 મિનિટ સુધી પલાળી રાખો. આ ટુકડા, મીઠું અને લીંબુનો રસ મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લો. કડવાશ ઘટાડવા માટે તેને સફરજન જેવા મીઠા ફળો સાથે મિક્સ કરો. આ મિશ્રણને એક ગ્લાસમાં કા કાઢીને આનંદ માણો.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)