17/08/2026
ગુનેગારો પોલીસ/અદાલતથી ડરતાં નથી ! : જેનું કારણ સૌ જાણે છે...
અમદાવાદમાં એક યુવકને હત્યારાઓએ સરાજાહેર વેતરી નાંખ્યો...જાણે કે, ફિલ્મનું શૂટિંગ..!
જામનગર ન્યૂઝ ફાઈલ, જામનગર તા.17 : ગુજરાતના કોઈ પણ શહેરી અથવા ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો કોઈ પણ ધોરીમાર્ગ પર, કોઈ પણ વ્યક્તિની કરપીણ હત્યા, સરાજાહેર નિપજાવવી- ગુનેગારો માટે ડાબા હાથનો ખેલ છે ! આવા શખ્સો ન તો પોલીસથી ડરે છે, ન તો અદાલતથી ! શું આ 'અસલિયત'થી શાસન અજાણ હોય શકે ?? આજે વાત અમદાવાદની. જે શહેર રાજ્યનું નાક છે. અહીં બનતાં ગંભીર ગુનાઓ ન માત્ર શહેર પોલીસ કમિશનર કે રાજ્ય પોલીસ વડાની 'આબરૂ' પર ઘા છે, શાસનને પણ આથી નીચાજોણું થાય છે.
અમદાવાદમાં જાહેર થયેલી વિગતો: અમદાવાદના સુભાષબ્રિજ ચાર રસ્તા પાસે, 15મી ઓગસ્ટની મોડી રાત્રે એક ટેમ્પો આવે છે, જેમાંથી દસેક જેટલાં શખ્સો ધડાધડ નીચે ઉતરે છે, જેમના હાથોમાં તલવાર અને ધારીયા ચમકી રહ્યા છે. આ હથિયારધારી શખ્સો, ત્યાં પોતાના ભાઈ સાથે ઉભેલાં અજય નામના યુવકને ટાર્ગેટ કરે છે.
હથિયારધારી ટોળું આવતાં અજય દોડયો. પાછળ ટોળું. જિવ બચાવવા દોડી રહેલો અજય પડી જાય છે. તેના શરીર પર હથિયારોના પ્રહાર થઈ રહ્યા છે. તેનું આંતરડુ શરીરમાંથી બહાર ! અને તેનો જિવ પણ શરીરમાંથી બહાર. પછી હુમલાખોરો ટેમ્પોમાં બેસી નાસી ગયા. રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. 8 આરોપીઓ ઝડપાઈ ગયા.
મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ પ્રકારની હીચકારી ઘટના કોઈના પણ માટે ન પ્રથમ છે, ન આખરી. ફિલ્મોના શૂટિંગ જેવા આ ભયાનક દ્રશ્યો રાજ્યમાં સર્વત્ર ભજવાતા રહે છે. બેપાંચ દિવસની અરેરાટી અને ચર્ચાઓ બાદ સૌ, બધું ભૂલી જાય છે ! નવી વારદાત થાય ત્યાં સુધી.
શાસનને કદાચ ખબર નહીં હોય પણ સૌ લોકો જાણે છે કે, ગુનાહિત માનસ ધરાવતા લોકો પર ન તો ખાખીનો, કયાંય પણ ખૌફ છે, ન તો અદાલતની બીક. અને આ પ્રકારની સ્થિતિઓ શાથી છે ? એ પ્રશ્નનો જવાબ કોને ખબર નથી ? અમદાવાદની આ ભયાનક ઘટના ગણતરીના કલાકોમાં વાસી બની જશે, લખી રાખો !
સંજય રાવલ (એડીટર-ઈન-ચીફ)
Jamnagar News File
https://chat.whatsapp.com/DsGiSHZcHO6IeTixGFf1mE
Jamnagar News File Please Connect Whatsapp Link Group