25/07/2025
"૨૫ વર્ષ"...
સાલ ૨૦૦૦માં રજૂ થયેલી ફિલ્મ
"મૈયરમાં મનડું નથી લાગતું".
આજે ૨૦૨૫નું વર્ષ.
ગઈકાલે સાંજે આપણા સૌની ખૂબ વહાલી આ જ ફિલ્મ એક નાનકડા થિયેટરમાં જોવાનો મોકો મળ્યો અને જાણે ફરી એક આખી જુવાની જીવાઈ ગઈ...!
"૨૦૦૦"ની સાલમાં આ ફિલ્મ રજૂ થઈ,અને આજસુધી કેટલીયે પેઢી સુધી જીવંત રહી છે એનો હું સાક્ષી છું...
દેશમાં હોવ કે પરદેશમાં આ ફિલ્મના,
એના પાત્રોના,
એના ગીતોના ચાહકો દરેક જગ્યાએ મળ્યા જ કરે છે હંમેશા...
એ દોરની અમુક ફિલ્મો આજે પણ લોકોના હૃદય પર રાજ કરે છે.
મળનાર મોટાભાગના યુવાનોના મોઢે એમના મમ્મી પપ્પાની આ ફેવરીટ ફિલ્મ છે એ અચૂક સાંભળવા મળે જ.અને એમના એ પરિવારજનો માટેની સેલ્ફી માટે વિનંતી આવે જ...
રોજના કેટકેટલા મેસેજિસમાં આ ફિલ્મ વિશેનો ઉલ્લેખ હોય જ.
આ ફિલ્મ જ્યારે રજૂ થઈ હતી ત્યારે પચાસ પચાસ અઠવાડિયા તો કેટકેટલા થિયેટર્સમાં ચાલ્યા જ કરતી.અને પચાસથી વધુ વાર જોનાર હજજારો પ્રેક્ષકો અમે જોયા છે. એ વાતના એ વખતના દર્શકો જે હવે આપના પરિવારજનો કે માવતરો છે એ બધા આ વાતોના સાક્ષી છે જ...
આજે પણ આ ફિલ્મ લોકોના ઘરોમાં ટેલિવિઝનના સ્ક્રીન પર ચાલ્યા જ કરે છે.અને એના ગીતો મોબાઇલ પર અને ઘરોમાં ગુંજ્યા કરે છે.
જસવંત ગાંગાણી,ગૌરાંગ વ્યાસ સાહેબ સાથે અરવિંદ બારોટજી,અલકા યાજ્ઞિક,સાધના સરગમજી,દિવાળીબેન ભીલના ગીત સંગીતનો જાદુ આજે પણ એટલો જ જીવંત.
આજના પ્રિ વેડિંગના વિડિઓઝ અને એ પ્રસંગના કુર્તા,કપડાં અને ચણિયાચોળીઓ પર પણ આ ફિલ્મોની અસર જીવંત છે જ.
કેટકેટલી યાદો જોડાયેલી છે આ ફિલ્મો સાથે એક આખી પેઢીની...
ગઈ કાલે સાંજે હું સોનલ અને આ ફિલ્મના સર્જક જશુભાઈ ગાંગાણી થોડાક આમંત્રિત મહેમાનો સાથે એક નાનકડા પ્રિવ્યુ થિયેટરમાં આ ફિલ્મ ફરી માણવા ભેગા થયા અને જાણે એક આખો યુગ જાણે ફરી જીવાઈ ગયો...
નસીબદાર છું એક અભિનેતા તરીકે કે "રામલા" તરીકે
આવી કેટલીયે ફિલ્મો હું કરી શક્યો અને ત્રણ ત્રણ દાયકાઓ સુધી એ બધા પાત્રો લોકોના લાડકા રહ્યા છે...
આજે એ "રામલા"થી શરૂ થયેલી એક અભિનેતાની સફર જુદા જુદા પડાવે જુદા જુદા પાત્રો સાથે પણ એટલો જ પ્રેમ આપ પ્રેક્ષકો ચાહકો તરફથી પામી રહ્યો છું એ બદલ ઈશ્વર,માવતર,અને "આપ બધા"નો આભારી છું.
આ ફિલ્મને આજે ૨૫ વરસ થયા એ અવસરે ફરી પાછા અનેક ચાહકોની ઈચ્છાને માન આપી આપણી આસપાસના હવેના multiplex થિયેટરમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે એ આપ સૌની જાણ ખાતર.
આશા છે કે એ સમયના એ પ્રેક્ષકોએ જેમણે આ ફિલ્મોની સાથે એમની એક જુવાની જીવી લીધી હતી એ જ પ્રેક્ષકો અને ચાહકોને એમની નવી પેઢીને આપણી સંસ્કૃતિ,આપણા ગીત સંગીત અને રંગોનો પરિચય કરાવવો ગમશે જ...
બસ ટૂંક સમયમાં લઈને આવી રહ્યા છીએ ફરી એક વાર આ આજે પણ એટલી જ તાજગી સાથેની આ musical lovestory...
મૈયરમાં મનડું નથી લાગતું...
તૈયાર છો ને???
(આ ફિલ્મ એકથી વધુ વાર કેટલા જણોએ અને કેટલી વાર જોઈ છે એ કોમેન્ટમાં જણાવજો).