Raju Raval

Raju Raval પ્રેમ મારી પ્રકૃતિ છે. શાંતિ મારો સ્વભાવ છે.ઇશ્ક મારી ઈબાદત છે. મહોબ્બત મારો મજહબ છે.સ્નેહ મારી સાધના છે.😊

પુસ્તક અને મસ્તક****************આજ ત્રેવીસ એપ્રિલ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. પુસ્તકનું જીવનમાં અનેરું મહત્વ અને ઉપયોગિત...
23/04/2026

પુસ્તક અને મસ્તક
****************
આજ ત્રેવીસ એપ્રિલ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. પુસ્તકનું જીવનમાં અનેરું મહત્વ અને ઉપયોગિતા રહી છે. શાસ્ત્રો હોય કે શસ્ત્રો હોય એનું સાચું જ્ઞાન તો ગ્રંથો જ પીરસી શકે.

મારી દ્રષ્ટિએ એક સારું પુસ્તક એક સારા મસ્તકને તૈયાર કરે છે. પુસ્તક અને મસ્તકનો જ્યાં સુભગ સમન્વય છે ત્યાં સાચું જ્ઞાન દર્શન છે. સારું પુસ્તક મગજને સાચી સમજ આપી શકે છે.

સાચ્ચેજ એક સારું પુસ્તક મસ્તકનો વિકાસ કરી શકે છે. એક સારો ગ્રંથ ઘણી બધી ગ્રંથિથી આપણને મુક્ત કરી શકે છે. અરે, એક સારું પુસ્તક નવરા પુરુષને પસ્તી થતાં અટકાવી શકે છે એનો સાક્ષાત નમૂનો હું પોતે જ છું.

મારી પુસ્તકાલય પરત્વેની પ્રીતિ પુષ્કળ. લાયબ્રેરી પ્રત્યેનો લગાવ ઘણો. કોઈ પણ નવા ગામ કે શહેરમાં મારો પડાવ હોય તો સહુ પ્રથમ ત્યાંની લાયબ્રેરીની શોધખોળ આદરૂ. એ શહેરના સ્થાયી થયેલા નામાંકિત કવિ-લેખકોના સરનામાં શોધું અને મળવાનો મોકો શોધું.અમદાવાદ જાઉં તો જોવાલાયક વિખ્યાત જગ્યાઓ જોવા કરતાં મને માણેકલાલ જેઠાલાલ લાયબ્રેરી એ જાવું ઝાઝું ગમે. પાટણ જાઉં તો રાણકીવાવ ને બદલે ફતેસિંહ રાવ ગાયકવાડની લાયબ્રેરી જોવી મને ઘણી ગમે.

લખવા - વાંચવાની સમજણ આવી ત્યારથી પુસ્તક અને પુસ્તકાલય મારી પ્રથમ પસંદગી રહી છે. મારી આજની ઉચ્ચ કારકિર્દીના મૂળ મારા ગામની ધૂળમાં પડ્યા છે. ચૂમી લેવાનું મન થાય એવી મારી વતન ભૂમિ ઉનાવાના આઝાદ ચોકમાં આવેલી શ્રી હરનારાયણ ભુદરજી રાવલ સાર્વજનિક પુસ્તકાલય એ મારી પ્રારંભિક પુસ્તક પરબ જ્યાં મેં મારી વાંચનની તરસ સંતોષી છે.

પુસ્તકાલયમાંમાં રોજેરોજ જવું, વાંચવું, પુસ્તકાલય બંધ થાય એટલે એના ઓટલે ગામ ગપાટા મારવા, વડીલ ગ્રંથપાલ વીરચંદ ભાઈ ભાવસાર ઉર્ફે માસ્તરને ખીજવવા , એમની ગાળો સાંભળવી, આવતા જતાંની મજાક મસ્તી કરવી એ બધી પ્રવૃત્તિઓનું નિર્દોષ કેન્દ્ર એટલે મારી ઉનાવાની લાયબ્રેરી. આઝાદ થઈ ગયેલા આઝાદ ચોકના કેટલાક અમે જવાનીયા ક્યારેક કોઈને ત્રાસવાદી જેવા જણાયા હતા એ હકીકતનો ઇનકાર ના થઇ શકે.

અલબત્ત મારો કહેવાનો મતલબ એજ કે ગાયકવાડ સરકારના પ્રગતિશીલ વિચારોને પરિણામ સ્વરૂપ મારા ગામમાં 1932 માં લાયબ્રેરી સ્થપાઈ હતી અને એ લાયબ્રેરીએ જ મને મારી કારકિર્દીમાં કક્કા નો ક ઘૂંટવાથી લઈ કલેક્ટર ના ક સુધીના મુકામ સુધી પહોંચાડ્યો છે.
આજ કારણે મેં મારા કલેકટરના કાર્યકાળમાં ગામડે ગામડે ગ્રંથાલય સ્થાપવા પ્રયાસ આદરેલ.

કોઈ બારી વિનાના ઘરને હું અંધારી કોટડી માનું છું. એજ રીતે લાઈબ્રેરી વિનાના ગામને હું અંધારીયો ખંડ જ સમજું છું. ઘર વિનાની બારી અને લાઈબ્રેરી વિનાનું ગામ મારે મન બેકાર છે.

સાહિત્ય પરત્વે પ્રીતિ, વાંચન પરત્વે વિશેષ રસ રહ્યો છે. એટલે જ આજે શારીરિક, માનસિક અને વૈચારિક રીતે સજ્જ રહી શક્યો છું, એ પણ એક હકીકત છે.

આગળ વધીને હું કહીશ કે ગુજરાત રાજ્યના મોટા મોટા યાત્રાધામોમાં પણ મોટી મોટી લાઈબ્રેરી હોવી જોઈએ. દેવાલયમાં ગ્રંથાલય કે દેવાલયમાં પુસ્તકાલયનો વિચાર શું પ્રગતિશીલ નથી? દર્શનાર્થીઓને દેવના આશીર્વાદની સાથે સાથે વેદના આશીર્વાદ મળે અને નકારાત્મક ગ્રંથિઓથી મુક્ત કરાવે તેવું પવિત્ર ગ્રંથાલય હોવું જોઈએ.

આજના પુસ્તકદિને સહુ અક્ષરના આરાધકો ને આભ ભરી શુભેચ્છાઓ..
Raju Raval Following

રાજુ રાવલ ®®®

પહેલો પહેલો પ્યાર****************જીવનમાં પ્રથમવાર ઘટતી કોઈ પણ ઘટનાની સુખદ ક્ષણનું  સ્મરણ સદાકાળ રહી જાય છે.પહેલું વહેલું...
17/04/2026

પહેલો પહેલો પ્યાર
****************
જીવનમાં પ્રથમવાર ઘટતી કોઈ પણ ઘટનાની સુખદ ક્ષણનું સ્મરણ સદાકાળ રહી જાય છે.પહેલું વહેલું કે પ્રથમ વખતનું કાંઈ બન્યું હોય એ ક્ષણો યાદગાર બનતી હોય છે. પ્રથમ કે પહેલા શબ્દમાં જ વિશેષતા હોય છે. પહલે આપ પહલે આપ કહેવામાં ભરપૂર ભાવ હોય છે.

પારણામાંથી ઉઠી પહેલી વાર પા પા પગલી પાડતા પોતાના કાનુડાની તસ્વીર માની આંખોમાં આજીવન ક્લીક થઈ જાય છે. પહેલીવાર સ્કૂલમાં ડગલું ભર્યાની કે પહેલી વાર કક્કો ઘૂંટયાની ક્ષણો જીવનની પાટી પર હંમેશા ઘૂંટાઈ જાય છે.

પહેલા નંબરે પહેલીવાર પાસ થવું, પ્રથમ નોકરી મળી હોય કે પ્રથમ છોકરી મળી હોય એનો રોમાંચ કંઈક અલગ જ હોય છે .પહેલ વહેલી નોકરી મળવી અને નોકરીનો પહેલ વહેલો પગાર થવો કે પહેલીવાર ક્યાંક સારી પદવી પ્રાપ્ત થાય તેનો ભાવ અલગ જ હોય છે. પ્રથમ વિદેશ પ્રવાસની વાત હોય કે પ્રથમવારનું બાંધેલ આપણું આશિયાના હોય એનું વિશેષ મહત્વ હોય જ..

અને,પહેલા પહેલા પ્યારમાં માત્ર યાર જ આંખોમાં તરવરે છે.પ્રથમ વારનો પ્રેમ હ્ર્દય સ્પર્શી હોય છે. જીવનનો પ્રથમ પ્યાર આજીવન સંભારણું બની રહે છે,
કોઈની નશીલી નજરનો પહેલી વારનો પ્રેમ હોય, કોઈનો પહેલી વારનો હ્ર્દયંગમ સ્પર્શ હોય કે પ્રથમવાર કોઈ કોઈની મદમસ્ત આંખોનું પ્રથમવાર મિલન હોય કે હેત નીતરતા હોઠોનું પહેલીવારનું ચુંબન હોય કે હરખઘેલા હાથોનું પહેલીવારનું હસ્તધુનન મસ્ત હૈયાઓને ભાવવિભોર બનાવે છે.

પોતાના પ્યારા પાત્રના પ્રથમવારના સ્પર્શથી રોમેરોમમાં રોશની ઝળહળી જાય છે. પ્રથમ રોમાન્સથી રૂંવાડે રૂંવાડે રોમાંચના દિવા પ્રગટી જાય છે. કદાચ પ્રથમવારના હસ્તધુનન પછી ઘરે જઈ હાથ ધોવાનું ય મન ન થાય એ આપણો જાત અનુભવ છે.

પહેલીવાર કોઈ પ્યારા પાત્રને સ્પર્શ્યાની ખુશ્બુ આપણા શ્વાસોમાં આજીવન મહેંકી રહે છે.અને, પરણ્યાની પહેલી પહેલી સુહાગ રાતની રંગીન વાત હોય કે પહેલું પહેલું લાબું લચક ચુંબન આજીવન ચુંબક બની જાય છે.

પરસ્પરના પ્રેમભાવના પ્રતીક રૂપે પરિણીતા પ્રથમવાર ગર્ભવતી થાય એનો રોમાંચ એજ જાણે છે.ઘરે પહેલીવાર પારણું બંધાતુ હોય, પારણામાં પ્રથમ પહેલા ખોળે પુત્ર રૂપે કાનુડો ઝૂલતો હોય તે હરખની અનુભૂતિ અત્યંત આહલાદક હોય છે.
પોતાની પ્રતિકૃતિ જેવા પ્રથમ પુત્રને સુવાવડની પીડા પછી પહેલીવાર જોવાનો માનો હરખ શબ્દોમાં વ્યક્ત ન થઈ શકે. શાયદ પ્રથમની અનુભૂતિની આ પરાકાષ્ઠા કહી શકાય.

જીવનમાં જે ઘટના પહેલી પહેલી કે પ્રથમવારની ઘટે છે તે જીવનમાં ઘટ્ટ રીતે ઘૂંટાઈ જાય છે. એ ક્યારેય જીવનની પાટી પરથી ભૂંસાતી નથી.

રાજુ રાવલ®®®

તોબા તોબા...***********ટ્રાફિક બન્યો ટેરીફીક ***************રોજેરોજ આપણા રાજમાર્ગો પર વાહનોની વણઝાર જામે છે. અહીં અવારનવ...
08/04/2026

તોબા તોબા...
***********
ટ્રાફિક બન્યો ટેરીફીક
***************
રોજેરોજ આપણા રાજમાર્ગો પર વાહનોની વણઝાર જામે છે. અહીં અવારનવાર માતેલા સાંઢ જેવી ટ્રકો કે છેલછબીલા મુરતિયા જેવી લક્ઝરી બસો રૂપાળી રૂપાળી મારુતિ જેવી કાર ને જાહેર રાજમાર્ગ પર અચાનક જ બાથમાં લઇ બિચારી પર બળાત્કારનો પ્રયાસ કરે છે.

ઝડપના ભૂખ્યા મૂઆ ટ્રકની એક ઓચિંતી બ્રેક વાગતા ટ્રકના કાળા કાળા ટાયરો નીચે દબાયેલી કાળી કાળી સડક બળાત્કારની બીકે એવો ચિત્કાર કરે છે કે અંદર બેઠેલા બિચારાઓની ચીસાચીસ જ ચૂપ થઈ ગઈ જાય.

મૂળ વાત આપણા ટેરીફીક ટ્રાફિકની કરવી છે. વાહનોની વધતી વણઝાર વચ્ચે રોજે રોજ વધતા જતા ગમખ્વાર અકસ્માતની વાત કરવી છે. નશામાં ધૃત નબીરાઓ દ્વારા નિર્દોષ નાગરિકોના લેવાતા ભોગની વાત કરવી છે.

વિકાસની ચાડી ખાતી આપણી મસમોટી કાળી કાળી રૂપાળી રૂપાળી સડકો પર ઝડપના ભૂખ્યા વાહન ચાલકો કે કોઈના જીવ ભૂખ્યા કાળમુખાઓ બેફામ વાહનો હંકારતા હોય છે. ટુ - વ્હીલર્સ હોય કે ફોર વ્હીલર્સ હોય , ક્યારે નિયમ વિરુદ્ધ ઘુસી જાય એની ખબર નહિ.

આપણો વાહનવ્યવહાર લગભગ ટ્રાફિક પોલીસ ના ભરોસે નહિ પણ રામ ભરોસે ચાલતો હોય એવુ ચિત્ર ક્યારેક ઊપસે છે.
નિયમો પણ આપણા પાળવા કરતાં કોઈને પાડવા માટે જ હોય એવુ ક્યારેક લાગે છે. ટ્રાફિક રૂલ્સની ઐસી કી તૈસી? ટ્રાફિક પોલીસની ઐસી કી તૈસી.?નફ્ફટ બેદરકાર વાહનચાલકોની બદમાસી આજુબાજુ ના સુજ્ઞ વાહન ચાલકોને ભયભીત કરી મૂકે છે. કોઈ કોઈને કાંઈ કહેનાર નથી.
આપણે નિયમ નું પાલન કરીએ છીએ એજ આપણી નબળાઈ હોય એવુ ક્યારેક લાગે છે.

રોજેરોજ કેટલા અકસ્માત થાય છે અને કેટલા લોકો મરણ ને શરણ થાય છે એના સત્તાવાર આંકડા વાંચીએ તો વરવી વાસ્તવિકતા સમજાય છે.
ધમ ધમતા ટ્રાફિક વચ્ચે વાહનોના હૉર્નની ભાઉં ભાઉં વચ્ચે અટવાતી એમ્બ્યુલન્સની શાયરન ની વાઉં વાઉં ક્યાં સંભળાય છે..?

ટ્રાફિકની કાગારોળ વચ્ચે કોઈ અકસ્માતે ઘાયલની રોકકળ ક્યાં કોઈને સંભળાય છે.? ટ્રાફિક સિગ્નલ છે પણ ટ્રાફિકને ક્યાં સેન્સ છે. ?નોન -સેન્સ ટ્રાફિક નહિ પણ ટ્રાફિક સેન્સનો ઇન્તેઝાર છે. લાયકાત વિનાનું મળી ગયું છે એવા નશાખોર નબીરાઓના પાપે કેટલી નિર્દોષ જિંદગીઓ લાશ બની રહી જાય છે. એ પીડિત પરિવારોની આહ ક્યાં કોઈને સંભળાય છે?

તોબા તોબા રોજેરોજ ટેરીફીક બનતા જતા ટ્રાફિકથી તો
તોબા જ તોબા..!!

ખેર, રોજે રોજ વધતી જતી ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ નવા નવા રોડ બનાવવાનો માત્ર નથી, ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ સિંગલથી ડબલ કે ફોર લેન કે સિક્સલેન રોડ બનાવવાનો માત્ર નથી. આ સમસ્યાનો ઉકેલ ઓવર બ્રિજ કે અંડર બ્રિજ માત્ર નથી જ.. આ બધું કરવાથી તો સરકારની આવકનો મોટો હિસ્સો માળખાગત સુવિધાઓમાં વપરાઈ જાય છે.
અકસ્માત નિવારણ અને સરળ વાહનવ્યવહાર માટે કડક કાર્યવાહી જરૂરી છે.

ઉદંડ ને કરો આકરો દંડ અને કાનૂનનો મારો દંડો.
મારી દ્રષ્ટિએ ટ્રાફિક નિયંત્રણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે વાહન નિયંત્રણ અને વસ્તી નિયંત્રણ. અને કડક અમલવારી તંત્ર...

રાજુ રાવલ®®®
Raju Raval Raju Raval

બ્યુટીફૂલ અપ્રિલફુલ°°°°°°°°°°°°°°°°°°° આજે પહેલી એપ્રિલ એટલે એપ્રિલ ફુલ બનાવવાની મજા. અર્થાત આ રાજુને કોઈજ હવે એપ્રિલ ફૂ...
01/04/2026

બ્યુટીફૂલ અપ્રિલફુલ
°°°°°°°°°°°°°°°°°°°
આજે પહેલી એપ્રિલ એટલે એપ્રિલ ફુલ બનાવવાની મજા. અર્થાત આ રાજુને કોઈજ હવે એપ્રિલ ફૂલ નથી બનાવતું
કેમ કે હું પરણ્યો એ દિવસથી જ મારી ઘરવાળીએ મારા સાસરિયાઓ સાથે મળીને મને જીવનભર (એપ્રિલ) ફુલ બનાવી દીધેલો છે.!!

મારી ઘરવાળીએ મારી સાથે પરણીને મોટો વાઘ માર્યો છે એવો એનો ભ્રમ પરણ્યાના પહેલેજ દહાડે ભાગી ને ભુક્કો થઈ ગયો અને તે દિવસથી હુંય ભાંગીને ભુક્કો થઈ ગયો છું હો..!!
આ મારી અંગત વાત તમને ફેસ ટૂ ફેસ ન કહી શકયો એટલે ફેસબૂક પર કહી રહ્યો છું.

આ મારી ઘરવાળી વળી, આટલા હિટવેવમાં હરહંમેશ હોટ હોટ જ રહે છે ને એ હોટ આગળ હું તો એકદમ કુલ કુલ...!!

હશે હવે, એ હોટ હોટ છોને રહી. પણ એ છે જરા હટકે. હા, ક્યારેક એનું મગજ છટકે પણ ખરું. તોય આ દુનિયામાં એ મારી સહુથી હોટ ફેવરિટ તો ખરી જ ખરી.

ખેર, ખરેખર ખાનગીમાં કહું તો મેં જ એની જિંદગી એપ્રિલ ફૂલ કરી ને મૂકી એ વળની હજુય એને કળ નથી વળી....!!!

અલબત્, એકવાતનો સરાજાહેર એકરાર કરું તો,
મેં મારી હરકતોથી એને આયખાભેર એપ્રિલફૂલ બનાવે રાખી પણ એણે મારી જાતને હંમેશા બ્યૂટીફૂલ બનાવી રાખી છે એ હકીકત છે.

હું એનો બ્યુટીફૂલ એપ્રિલ ફુલ ને એ મારો બ્યુટીફૂલ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ છું!!

સહુ મારી જેમ બીબીને હાથે અપ્રિલ ફૂલ નહિ પણ બ્યુટીફૂલ બનો એવી પહેલી અપ્રિલની શુભેચ્છાઓ😊😜😊

તા.ક.મારી ઉપરોક્ત કથની એ માત્ર મજાક હોઈ કોઈએ પોતાની મેળે અપ્રિલફુલ બનવું નહિ.😊

છેલ્લે, જેમનું હૃદયદ્વાર પ્રેમપુષ્પોથી સદાય સુશોભિત છે એવા કવિ મિત્ર હરદ્વાર ગોસ્વામીની પંક્તિઓ અહીં ટાંકવાનું મન થાય છે.

"આપણા માટે બધા ઇનામ એપ્રિલફૂલ છે,
જિંદગીનું જાણે બીજું નામ એપ્રિલફૂલ છે.

સૌને છેતરવાની વૃત્તિ માણસોના મૂળમાં,
સાવ ખોટેખોટું બસ, બદનામ એપ્રિલફૂલ છે."
Raju Raval Raju Raval Hardwar Goswami

®®® રાજુ રાવલ

આજે માર્ચ માહનો અંતિમ દિવસ એટલે નાણાંકીય કામકાજનો આખરી દિવસ.મિત્રો આ સંદર્ભમાં બીજી વાત કરું તો  હિસાબ -કિતાબ એ ગણિતનો અ...
31/03/2026

આજે માર્ચ માહનો અંતિમ દિવસ એટલે નાણાંકીય કામકાજનો આખરી દિવસ.
મિત્રો આ સંદર્ભમાં બીજી વાત કરું તો હિસાબ -કિતાબ એ ગણિતનો અને ગણનાનો વિષય છે જે મન સાથે સંલગ્ન છે. લાગણી એ હૃદયનો વિષય છે અને હૃદય એ ભાષા સાથે સંલગ્ન છે. હૃદય ક્યારેય નફાતોટાની વાત નથી સમજતું . હું પણ હૃદયનો, લાગણીનો , ભાષાનો માણસ છું ને હું નફા નુકસાનના સરવૈયાનો સરવાળા કરવામાં નબળો સાબિત થયો છું.

દોસ્તો.લાગણીનાં વળી લેખા જોખા થોડા થાય.?લાગણી કે પ્રેમ એ લીટર, મીટર કે કિલોલિટર માં થોડી મપાય છે?

આજે નાણાંકીય વર્ષની આખરે મને અધધધ માત્રામાં મળેલ તમામ મિત્રોને કહેવું છે કે, આવો દોસ્તો આજ આખર તારીખ છે, સબંધોનો સ્ટોક લઈએ.નુકસાની વાળી કે ખોટ ખવાય એવી આઈટમનો સ્ટોક ખલાસ- ખાલસા કરીએ.સબંધોનું અંદાજ પત્ર જોઈ લઈએ તો ખબર પડે કે કેટલા આપણા છે અને આપણે કેટલાના છીએ.

બસ મિત્રો દિલથી મળતા રહીએ, પ્રેમથી પલળતા રહીએ મન થી મહેકતા રહીએ
ભીતરથી ઝળહળતા રહીએ ને
ગલગલીયા થયા જો, તો ગમતાનો ગુલાલ કરતા રહીએ.
સાથ, સમય ને સમર્પણની ભેટ ઘરનારા મિત્રોને સદાય ભેટતા રહીએ..

દુઃખ- દર્દના દસ્તાવેજો પર દસ્તખત કરવાનું આજથી બંધ અને હસી ખુશીની રશીદ ઇસ્યુ કરવાનું આજ થી ચાલુ દોસ્તો...
Raju Raval Raju Raval

®®®રાજુ રાવલ

શબ્દોનો  સુદામા °°°°°°°°°°°°°°°°°°°°આજના વિશ્વ કવિતા દિવસે મારા જેવા શબ્દોના સુદામાને કોઇ તો સાંભળે રે...કોઈ તો સાંભરે ર...
21/03/2026

શબ્દોનો સુદામા
°°°°°°°°°°°°°°°°°°°°
આજના વિશ્વ કવિતા દિવસે મારા જેવા શબ્દોના સુદામાને કોઇ તો સાંભળે રે...કોઈ તો સાંભરે રે...

હું શબ્દોનો એક બ્રાહ્મણ સુદામા છું. હું એક કંગાળ કવિ છું. મારા કુટુંબમાં મારી પેન નામની મારાથી પીડિત પત્ની છે. અને શબ્દ નામનું નાનું છીછરું એવું ઉછળતું મારું છોરું મારા ખોળે રમે છે. અમારી ફુરસદે અમે કાગળના ક્રીડાગણમાં કવિતાનો કિલ્લોલ કરીએ છીએ. ક્યારેક ગદ્ય પદ્યના અમે આટા-પાટા પણ રમી લઈએ છીએ.

સાહિત્યની ખુરસીએ બેસી હું ક્ષણિક ખુશી પામું છું. મારી કલમથી રોજ હું કાગળ કોતરી ખાઉં છું. શબ્દોના ફોફાં ને હું ફોતરી ખાઉં છું. ક્યારેક ગમતી કૃતિનો ગુલાલ ઉડાડું છું તો કોઈ કવિની કીર્તિ સામે ચપટી ધૂળ પણ ઉડાડું છું.

હા, હું એક કવિ છું., ક્યારેક લાડકો બની મુશાયરામાં કવિતાના પાન ચાવું છું ને હરખનો લાલ ચટ્ટાક રસ ઢોળું છું.

હું એક કવિ ક્યારેક વિચારોમાં એક વરરાજા બની જાઉં છું ત્યારે , મારી સામે ઉભેલી શબ્દ સુંદરી ને ટગર ટગર જોયા કરું છું. મારી સૌન્દર્યવાન એક નવયુવાન કાવ્ય યૌવનાનો હું અંશકાલીન આશિક બની જાઉં છું.

હું એક કવિ કામણગારો, કાવ્ય સુંદરીના રૂપનો પાગલ છું. મારી કાવ્ય કૃતિએ શું સજ્યા છે શણગાર..!
છંદ અને અછંદથી એ સુશોભિત છે. શબ્દના અલંકારોથી એ અફલાતૂન અલંકૃત છે.

અહો, મારી ભવ્ય કાવ્ય કૃતિ..
ધન્ય હો મારી સુંદર શબ્દ સૃષ્ટિ..

સુંદર મારી કવિતા મૂર્તિ ને, આજે વિશ્વ કવિતા દિવસે
કોઈ તો પહેરાવો પુરસ્કારનો નવલખો હાર...!!

આજના કવિતા દિવસે, નાણે નિર્ધન એવા આ શબ્દના સુદામાનું કોઈ કૃષ્ણ સખા આવીને કરો હવે કલ્યાણ..

અંતે તો, હું એક કવિ છું ને આ છે મારી સ્વપ્ન સૃષ્ટિ....!!

વિશ્વ કવિતા દિવસે સહુને ભાવભરી શુભેચ્છાઓ💐
Raju Raval Raju Raval #કવિતા

વાહ ભૈ વાહ..અસલી ચકલી નેનકલી માળા..શું માણસ જાતના ચાળા..°°°°°°°°°°°°°°°°°°°°°°આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગતવર્ષની મારી...
20/03/2026

વાહ ભૈ વાહ..
અસલી ચકલી ને
નકલી માળા..
શું માણસ જાતના ચાળા..
°°°°°°°°°°°°°°°°°°°°°°
આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગતવર્ષની મારી આ પોસ્ટનું આજે પુનરાવર્તન કરું છું. અફસોસ એ વાતનો રહેશે કે કાશ ,બિચારી અભણ ચકલી પાસે અક્ષરજ્ઞાન નથી એટલે આ વાત ભેંસ આગળ ભાગવત તો નહીં થાય ને!!???

અસલી ચકલી
અને
નકલી માળા..
વાહ ભૈ વાહ..
શું માણસ જાતના ચાળા..!!!

વાહ ભૈ વાહ,
અમેય માણસ છીએ.
જુઓને આજે વિશ્વ ચકલી દિવસે અમારા જ કેટલાક બંડખોરો અમારી માણસ જાતની ઘોર ખોદી રહ્યા છે.
આજે ચકલી દિવસ પર
અસલી ચકલીને નકલી માળા પધરાવી અમને શરમાવી રહ્યા છે.

વાહ ભૈ વાહ,
અમેય માણસ છીએ,
અમેય અમારી સદબુદ્ધિ મુજબ અમારા ઘરના માળીયામાં બાંધેલા માળા કે
લીલાંછમ ઝાડ પરના એમના ગુંથેલા માળા અમે કાગવૃત્તિ દાખવી વીંખી નાખ્યાને ઘેઘૂર વડલા પણ વાઢી ને એની જગાએ અમે નિઃસ્વાર્થ ભાવે અમારા પોતાના જ માળા બાંધી દીધા.

વાહ ભૈ વાહ.
અમે ય માણસ છીએ.
આકાશ સાથે શેકહેન્ડ કરતા
આકાશચુંબી એપાર્ટમેન્ટ અમે બાંધ્યા.અને અમારા આકાશગંગા એપાર્ટમેન્ટના આઠમા માળે આઠ બાય આઠના માળામાં અમે એકદમ અજંપાથી રહીએ છીએ.

ચકીબેનના એવર ગ્રીનમાળાને બદલે અમે સિમેન્ટવાળા અમારા જ માળા બાંધીને રહીએ છીએ.અલબત્ત હવે અદ્દલ માણસ રહે છે એવાજ બહુમાળી એપાર્ટમેન્ટ અમે પક્ષીઓના કલ્યાણ માટે બાંધ્યા છે.

વાહ ભૈ વાહ.
અમે ય માણસ છીએ.
પશુ પક્ષી માટે તૃણ ન રાખ્યા કે ન રાખ્યા અમે તરુવર. પશુ પક્ષી માટે ન રાખ્યા ઝાડવા કે ન રાખ્યા ઝાંખરા. માળા માટે રઝળતી ચકલી હોય કે કોયલ હોય. અમારા નિરાળા ચાળા જોઈને એ દુખિયારા હવે માળા બાંધવાની હિંમત નહિ જ કરે.

વાહ ભૈ વાહ..
અમેય માણસ છીએ.
હવે અમે ગાયનો ભાંભરવાનો અવાજ બંધ કરી દીધો.. કોયલનો મીઠો ટહુકો સાંભળવાનો બંધ કરી દીધો. ચકલીની ચીં ચીં સાંભળવાની બંધ. બિચારા આપણા પૂર્વજ બંદરનો હૂપાહૂપ પણ હવે સાંભળવાનો બંધ. હા, અમને ચોવીસ કલાક ટીવી-મોબાઈલનો શોરબકોર ગમે છે પણ પક્ષીઓના કલરવ-કલશોરની હવે અમને એલર્જી છે.

વાહ ભૈ વાહ..
માત્ર દિલમા જ નહિ પણ સામેની દીવાલ પર લખી રાખો કે,
આજ આપણા પાપે એક એક પ્રજાતિ આ પૃથ્વી પરની નષ્ટ થઇ રહી છે..એક દિવસ એવો આવશે કે આપણા જ પાપે મનુષ્ય નામની પ્રજાતિ પણ અવશ્ય લુપ્ત થશે.

વાહ ભૈ વાહ..
અમેય માણસ છીએ.
અમારી સત્યવાદી હરિશ્ચંદ્ર જેવી સચ્ચાઈને કોઈ શિયાળ જેવી લુચ્ચાઇ સમજવાની ગુસ્તાખી ના કરે..!!

પક્ષીઓ પણ બહુમાળી ફ્લેટ્સ જોઈ વિચારતા હશે કે આજ માણસ પોતાના બહુમાળી એપાર્ટમેન્ટ માં સુખી છે કે પક્ષીઓ એમના બહુમાળી એપાર્ટમેન્ટ માં સુખી હશે..!!?

મારે કવિશ્રી રમેશ પારેખ ની પંક્તિઓ ટાંકી સહુને વિશ્વ ચકલી દિવસની શુભેચ્છાઓ તો પાઠવવી છે.

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું ,

મારે આગંણ *ચકલી* બેસે એ મારું રજવાડું

~ વિશ્વ ચકલી દિવસની સહુને શુભેચ્છાઓ ...

રાજુ રાવલ ®®®

એક અબળાની બળતરા.. °°°°°°°°°°°°°°°°°°°°°°આજે અહીં ચર્ચા એક અબળાની કરવી છે. વાત એક સરેરાશ સ્ત્રીની કરવી છે. નારીનું બીજું ...
16/03/2026

એક અબળાની બળતરા..
°°°°°°°°°°°°°°°°°°°°°°
આજે અહીં ચર્ચા એક અબળાની કરવી છે. વાત એક સરેરાશ સ્ત્રીની કરવી છે. નારીનું બીજું નામ તે સ્ત્રી. આમ જોવા જઈએ તો આપણા શાસ્ત્રોમાં સ્ત્રીને અનેક નામ,અર્થ અને સ્વરૂપમાં ઓળખવામાં આવે છે. સ્ત્રી એ શતરૂપા છે,સન્નારી છે. સ્ત્રીનું નામ અરુંધતી છે અને અનસૂયા પણ છે. સ્ત્રી એ માનુની અને પદ્મિની પણ છે. અલબત્ત મારી વાત માત્ર એક અબળાની છે.

અબળા એટલે શું? જેનામાં બળ નથી તે અબળા?જેનામાં સંઘર્ષ કરવાની શક્તિ રહી નથી તે અબળા? શરણાગતિ સ્વીકારી લેવાની જેની આદત પડી ગઈ છે તે અબળા? જેની પ્રગતિના તમામ માર્ગો પર સ્પીડ બ્રેકર મુકવામાં આવે છે તે અબળા? પોતાનું ઉજ્વળ ભવિષ્ય જોવું છે પણ વ્યક્તિત્વ વિકાસના બધા બારી બારણાં પર ખંભાતી તાળાં મારેલા છે તે અબળા? સતત બળ વિનાની ગણી જેના પર બળપ્રયોગ કરવામાં આવે છે તે અબળા?

મારી દ્રષ્ટિએ અબળા એટલે એક પુરુષની બળપ્રયોગની પ્રાચીન પ્રયોગશાળા. ક્યારેક પરીક્ષણને અંતે નિષ્પન્ન થતું પરિણામ એટલે પુરુષનો એક અબળા પરનો અમાનુષી અત્યાચાર.

અને એક કડવું સત્ય. એક અબળા પરનો આખરી બળપ્રયોગ એટલે બળાત્કાર. બળાત્કાર એટલે એક પુરુષની પાશવતાનો પેસિફિક અને એની નીચતાનો નાયગ્રા ધોધ.

હું અબળાની ઉપરોક્ત એકપણ વિપરીત વ્યાખ્યા સાથે સંમત નથી. એક સ્ત્રીને અબળા સમજવી એ દુબળા સમાજની નિશાની છે. સ્ત્રી તો સશક્ત સમાજની જાગીર છે. ખરેખર, આખી જિંદગી પોતાની જાતને બાળીને બીજાને ઉજાળે તે અબળા. પોતાની જાતને ધુપસળીની જેમ જલતી રાખી બીજાને સુગંધ આપે તે અબળા. પોતાની જાત ઘસી સહુને માંજી માંજી ઘરને ઉજાળે તે અબળા.

શૌર્યવાન શિવાજી કે મહાન મહારાણા પ્રતાપનું પ્રાગટ્ય સ્થાન તે અબળા. સંકટ સમયની સાંકળ તે અબળા. સમાજને ચંદનની શીતળતા આપે તે અબળા. ઘર કે કુટુંબ ને બધી બળતરા માંથી મુક્તિ અપાવે તે અબળા. વિકટ પરિસ્થિતિમાં પણ પરિવારને અકબંધ રાખે તે અબળા. સમાજને બળ આપનાર ઉદ્દીપક તે અબળા.
એક અબળાને અબળા ગણતો સમાજ ક્યારેય સબળ ન બની શકે.

એક અબળાની વ્હારે એક આખરી સવાલ. રોજેરોજ દહેજ સારું બળી મરતી, છાછવારે શોષણનો ભોગ બનતી, ચોરેચૌટે અશ્લીલ ઇશારાઓ સામે આંખ આડા કાન કરતી અબળાની હાલત માટે કયા નબળાને જવાબદાર ગણવા? બારાક્ષરી નો બ નહિ સમજવા વાળી બાર વર્ષની અબુધ બાળા પર બળાત્કાર થાયને સમાજ મુકબધીર બને તો શું સમજવું? ઘરમાં ત્રાસથી કોઈ નવવધુ આપઘાત કરે અને શ્વસુર ભીષ્મપિતા બની જાય તો શું કરવું? એક સ્ત્રીનું શોષણ થાય કે એક અબળા ઉત્પીડનનો ભોગ બને અને સમાજ ગાંધીજી ના ત્રણ બંદરોની ભૂમિકા અદા કરે તો શું સમજવું?

અફસોસ સાથે કહેવું છે કે, ચાલો, સંવેદનાની ભરીએ એક શોર બકોર સભા ને અંજલિ સ્વરૂપે માનવતાને આપીએ તિલાંજલિ.

રાજુ રાવલ®®®

શોખીન માણસનું મન  ઉપવન છે..!!શોખહીન માણસનું મન સ્મશાન છે..!!************************માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરા...
12/03/2026

શોખીન માણસનું મન ઉપવન છે..!!
શોખહીન માણસનું મન સ્મશાન છે..!!
************************

માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાક એ ફરજિયાત જરૂરિયાત છે. માનવ સ્વભાવ છે કે પેટની ભૂખ સંતોષાય પછી એને પરિવારની, પદની, પૈસાની, પ્રતિષ્ઠાની, પ્રશંસાની ભૂખ લાગવા લાગે છે. પરંતુ મારી દ્રષ્ટિએ માણસમાં એક મૂળગત અને સ્વભાવગત બાબત છે અને તે છે જીવનમાં રસ, રુચિ અને શોખ.

કોઈ શખ્સ જીવનમાં ખાસ્સો શોખીન હોય છે. ચહેરા પર ખુશીની લાલી લાગે. કોઈક શખ્સ શોખ વિનાનો શોકમાં જ જાણે ગરકાવ હોય છે.ઉદાસીનો કાળો રંગ ચેહરા પર ચોપડીને ફરે. શોખ હોવો જ જોઈએ. શોખ વિનાની વ્યક્તિ શૂન્યતામાં શ્વસતી નહીં જીવતે જીવ મરતી હોય છે જ્યારે શોખીન માણસ હસતો, ધબકતો હોય છે.શોખ વિના વ્યક્તિનું આખે આખું આયખું ખાખ અને રાખ જેવું રહી જાય છે કેમકે
શોખ વિના માણસનું મન સ્મશાન બની જાય છે. માણસનું વૃદ્ધત્વ કે વધતી વય પણ શોખીન સ્વભાવ થકી જીવનનો લય જાળવી રાખે છે. શરીર પર ભલે કરચલીઓ પડે પણ શોખ તમારા હૃદય પર કરચલી નથી પડવા દેતો. અલબત્ત શોખ હૃદય માંથી સ્ફુટ થતો હોય છે.

હું મારી જાતનીની વાત કરું તો, સ્વભાવથી કેટલો શોખીન છું, કેટલો હું રંગીન છું કે કેટલો હું ગમગીન છું એ કોઈ છુપાવવાની વાત નથી. માણસે સંગીન અને રંગીન રહેવું જોઈએ નહીં કે ગમ પી ને ગમગીન. શોખ વિના ક્યારેક જિંદગીમાં અંધારપટ જામે છે. શોખ સભર જિંદગી ઇસ્ટમેન કલરમાં જીવાય છે.

મને મળેલ મારી જિંદગી એક ઉત્સવ અને ઉજાણી છે એ જાણી જાણી હું એ માણી લેવા માંગુ છું. હાથમાં એપલનો ફોન નહિ હોય તો ચાલે પણ એ પલ પલ જીવનની ગમગીન બને એ ન ગમે. મારી જિંદગી રંગીન કિતાબ બને એ મને ગમે છે. શાંતિ એ મારો સ્વભાવ છે. હા, શાંતિ મારુ કહ્યું નથી માનતી એ એક હકીકત છે. પ્રેમ આપવો અને પ્રેમ પામવો એ મારો ઉચ્ચતમ ઉદ્દેશ અને સંદેશ છે. મનગમતું માણવાની અને ગમતાનો ગુલાલ કરી ગુંજે ભરવાની ગુંજાઈશ મેં જિંદગીમાં જાળવી રાખી છે.

ચાંદની રાત હોય, મધરાત હોય, નવરી નિરાંત હોય, એકદમ એકાંત હોય ને સૃષ્ટિ સંપૂર્ણ શાંત હોય ત્યારે આકાશ ની એકની એક વ્હાલી દીકરી જેવી અગાશી પર આસન જમાવી આકાશ ને અનિમેષ નયને નિરંતર ઝાંખવા ની મારી ઝંખના એ મારો શોખ છે. સાહિત્ય સરિતા ને તીરે બેસી શબ્દો સાથે આમ છબછબિયાં કરવા નો મને શોખ છે. કોઈ ના હૈયા માં છલકાઈ જવાનો વળી છવાઈ જવા નો મારો સ્વભાવ છે..કોઈના હૈયામાં હેતનું આસન પથરાય અને પ્રેમનું પવિત્ર આચમન મળે એ મને ગમે છે.

કોઈક અંગત અંગતની સોબત-સંગત હોય તો એ સુંદર ક્ષણોની રંગીલી રંગત રાજુની જિંદગાનીની બડી જમાવટ જ બની રહે છે. જીવન ની આનંદદાયક ક્ષણો ને મનભરી માણો..જિંદગી જીવવા દંભ ના બેકાર બનાવટ ની નહિ પણ મોજશોખ ની જબરી જમાવટ જરૂરી છે. મન મસ્ત હોય, તન અલમસ્ત હોય અને વ્યક્તિ કોઈપણ વ્યવસાય-પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય તો જીવન ખુબસુરત બની જાય છે.

કોઈને લખવા વાંચવા નો શોખ હોય છે કોઈ ને ગાવા નાચવા નો શોખ હોય છે. કોઈ ને ખાવા પીવા રમવા નો શોખ હોય છે કોઈ ને સૌન્દર્યદર્શન, સાગર દર્શન, પ્રકૃતિ ભ્રમણ નો શોખ હોય છે કોઇને કોઇ સાહિત્ય, સંગીત કળા કે કોઈપણ વસ્તુ માં વિશેષ રસ-રુચિ હોય છે.. અને એટલે જ ભર્તુહરિના નિતિશતકમાં લખાયું છે કે, સાહિત્ય, સંગીત અને કલા વિહીન મનુષ્ય સાક્ષાત પશુ સમાન છે.

હું અંગત રીતે માનું છું કે, પ્રત્યેક માણસને માથે શોખના ખૂબસૂરત શીંગડા હોવા જ જોઈએ.. પ્રત્યેક વ્યક્તિની પૂંઠે પોતાના વિશેષ રસની વાંકી કે ચૂંકી પૂંછડી પટપટતી હોવી જ જોઈએ..

પુન: મારા મથાળાના શબ્દો દોહરાવું તો--

શોખીન માણસ નું મન એ ઉપવન છે...!!
શોખહીન માણસ નું મન એ સ્મશાન છે..!!

રાજુ રાવલ ®®®
#

સ્ત્રી એક સાથી કે એક દાસી....??●●●●●●●●●●●●●●આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સ્ત્રી વિષયક મારી એક પોસ્ટ સંપૂર્ણ સ્ત...
08/03/2026

સ્ત્રી એક સાથી
કે
એક દાસી....??
●●●●●●●●●●●●●●

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સ્ત્રી વિષયક મારી એક પોસ્ટ સંપૂર્ણ સ્ત્રી સન્માન સહ પ્રસ્તુત છે.

મહાન અંગ્રેજ લેખક શેક્સપિયરનું એક સુંદર વાક્ય વાંચેલું." પ્રભુએ આ પૃથ્વીના સર્જનમાં બે મહાન ભૂલો કરી છે. એક સ્ત્રીનું સર્જન કર્યું તે અને બીજું સ્ત્રીના હ્ર્દયમાં પ્રેમ પ્રસ્થાપિત કર્યો તે . મારી દ્રષ્ટિએ ઈશ્વરની આ બેઉ ભૂલો એક અદભૂત, અલૌકિક અને આહલાદક રહી છે.

હા, સ્ત્રીને સમજવી સહેલી નથી. એ એક પહેલી પણ છે અને ઉકેલવામાં એક અઘરો કોયડો પણ ખરો. સ્ત્રીને સમજવી એક શાસ્ત્રને સમજવા જેટલું જટિલ છે. સ્ત્રીને સમજવા માટે એને ભરપૂર પ્રેમ કરવો પડે. એના સ્ત્રીત્વ ને સમજવું જ પડે.સ્ત્રીના અસ્તિત્વને સમજતાં પહેલાં એના સત્વને અને તત્વને સારી રીતે સમજવું પડે.

સ્ત્રીની તાકાત જાણતાં પહેલાં એની તકલીફો સમજવી પડે. સ્ત્રીના સત્વ ને તત્વ ને જાણવા એના અસ્તિત્વ ને ઓળખવું પડે અને એના અસ્તિત્વ ને ઓળખવું હોય તો એના હૈયાને આરપાર વીંધવું પડે. એક અભિન્ન સ્ત્રીના ભિન્ન ભિન્ન અંગ અંગ છુપાયેલા લાગણીના છિદ્રો ને છેદી ભેદી દેખો તો જ એક સ્ત્રીની હેસિયત અને હકીકત સમજાય કે,

યે હિન્દુસ્તાન કી નારી હૈં.!
ફૂલ નહીં તો ચિનગારી હૈ !!

સ્ત્રીના સિક્કાની એક બાજુ ફૂલ જેવી કોમળતા છે અને બીજી બાજુ વજ્ર જેવી કઠોરતા છે.
મારી દ્રષ્ટિએ સ્ત્રી એટલે આ વિશ્વમાં સર્જનહારનું શ્રેષ્ઠ, સુંદર, સુરમ્ય સર્જન. વિશ્વનિયંતાનું વસુધા પરનું નયનરમ્ય સજીવ સર્જન. સાગરનું આગવું સૌંદર્ય છે. સરિતા નું આગવું સૌંદર્ય છે. શશીનું આગવું સૌંદર્ય છે. પર્વતનું આગવું સૌંદર્ય છે. નભ મંડળ નું આગવું સૌંદર્ય છે. પણ અંતે તો આ તમામ રચના રમણીય હોવા છતાં નિર્જીવ જ ને?

મારી દ્રષ્ટિએ સ્ત્રી એ શ્રેષ્ઠ એટલા માટે છે કે એનામાં એક સજીવ જીવ ને જન્મ આપવાની કુદરતી તાકાત સમાયેલી છે. એક સ્ત્રીનો જીવ અનેક જીવ ને હરતા ફરતા ને ધબકતા રાખવા સક્ષમ છે.

આ એજ સ્ત્રી છે જે ઇતિહાસ માં પાંચ પાંચ પાંડવોના દિલની દ્રૌપદી બની શકી છે તો સમય આવે જાનકી બનીને રામનિષ્ઠ થઈ પોતાના પારખાં ખાતર ધરતીમાં સમાઈ જાય છે. આથી વિશેષ સ્ત્રી શક્તિ નાં ક્યાં પ્રમાણ હોઈ શકે છે?

આ એજ સ્ત્રી છે જે એક પુરુષ ને પોતાનું દિલ ફાડી ને પ્રેમ કરી શકે છે તો સમય આવે સૌમ્ય દેખાતી સ્ત્રી રૌદ્ર બની કોઈના જીવન માં સુનામી સર્જી શકે છે.એક સ્ત્રી ધારે તો પુરુષના જીવનની રાહ ને તરાહ બદલી શકે છે.

સ્ત્રીમાં મને તમામ ઋતુઓના દર્શન થાય છે.ક્યારેક ઉનાળાની આકરી ગરમીનો ગુસ્સામાં અહેસાસ કરાવે છે તો ક્યારેક કડકડતી ઠંડીમાં આપણને આઈસ બોક્સમાં મુકેલ બરફના ગાંગડા જેવા ઠંડાગાર બનાવી દે છે. અને હા, આપણી પર રીઝે એટલે રિમઝીમ રિમઝીમ વરસી જાય ને પ્રેમના વરસાદમાં પલાળવા માં બાકી ન રાખે હો..

મારું જાત નિરિક્ષણ છે કે કોઈક પુરુષ સ્ત્રીમાં પોતાની દાસી શોધે છે જે એક ગુલામડી, બળ વિનાની અબળા બની ઘરમાં રહે. પોતાના કંથ ની કહ્યાગરી રંભા બની રહે.

મિત્રો, હું માનું છું કે એકવીસમી સદીમાં આ સંકુચિત ખ્યાલ હવે ખતમ થવો જ જોઈએ..

હું દ્રઢપણે સમજું છું કે પુરુષની નજર ભલે એક સ્ત્રીમાં દાસી શોધતી હોય પણ એક સ્ત્રીની નજર એના પુરુષમાં પોતાનો સાથી શોધે છે.એક એવો સાથી જે કૃષ્ણ સખા ભાવે સારથી બની શકે, જીવન રથને સાર્થક કરી શકે. એવો સાથી કે જે જીવનરથની ધૂરા પકડીને તમને ક્યારેય અધૂરા ન મૂકી દે.!!

મારી દ્રષ્ટિએ સ્ત્રી એટલે સત્વ, તત્વ અને અમરત્વ. એક સરેરાશ સ્ત્રીને શરીરની ભૂખ હરગિજ નથી હોતી પરંતુ સ્ત્રી એક હૃદયની પ્યાસી હોય છે. સ્ત્રી શરીરનો સ્પર્શ નહિ અલબત્ત હૃદયનો સ્પર્શ માંગે છે. એકવાર જો સ્ત્રીના હ્ર્દયના દરવાજા ખુલી જાય તો પછી એ હૃદય પ્રવેશ આખરી. No Exit. No return tiket. શાયદ ખોટું નથી કહેવાયું કે,

" સ્ત્રી વિનાનું ઘર નથી શોભતું કે ઘર વિનાની સ્ત્રી નથી શોભતી."

બીજું એમ પણ કહેવાય છે કે,

"સ્ત્રીનો દિવસ ન હોય પણ સ્ત્રીથી દિવસ શરૂ થતો હોય"

અને મને એક મનગમતું વાક્ય કહું તો,

"મનગમતી સ્ત્રીની સુગંધથી વધુ સુગંધીદાર કોઈ જ પરફયુમ ન હોઈ શકે". મારા મનગમતા શ્વાસની સર્વશ્રેષ્ઠ ખુશ્બુ એ મારી શ્રેષ્ઠ અકસીર ઔષધિ..

આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સર્વ સ્ત્રી શક્તિને નમન-વંદન-અભિનંદન.

એક મજાક...
પ્રશ્ન---
સ્ત્રી એ શક્તિ છે તો પુરુષ એ શું?
જવાબ---
પુરુષ એ સહનશક્તિ છે😊

રાજુ રાવલ®®®

ઉપયોગી મન એટલે ઉપવનઉપદ્રવી મન એટલે ઉકરડો..************************   મારી નીચેની નવરાશમાં હાશ અનુભવતી મુખમુદ્રા  મનમાં મ...
05/03/2026

ઉપયોગી મન એટલે ઉપવન
ઉપદ્રવી મન એટલે ઉકરડો..
************************
મારી નીચેની નવરાશમાં હાશ અનુભવતી મુખમુદ્રા મનમાં મનન થતું હોવાની ચાડી ખાય છે. શાંત સ્થિતિમાં કોઈ મુદ્દા પરના ગહન મંથનને ચિંતન કહેવાય. પણ ચિત્ત કોઈ વાતે ચકરાવે ચડી જાય તો એ ચિંતા કરી કહેવાય. વિચારોનો શાંત વાયુ મનમાં વહન થતો હોય તો મન રઘવાયું થાય. જો વિચાર વાયુ મટીને વાવાઝોડું થઈ જાય તો તો મનને ચિંતાગ્રસ્ત જાહેર કરવું પડે..

મન અને વનમાં શું સામ્યતા કે શું ભિન્નતા..? ફળદ્રુપ વનમાં વૃક્ષોની કૂંપળ ફૂટે ને ફળદ્રુપ મનમાં વિચારોની કૂંપળ ફૂટે છે. વનમાં વાંદરાઓ હુપાહુપ કરે છે તો મનમાં વિચારોના વાનરોનું હુપાહુપ..!! વનમાં વિરાટ વૃક્ષો સાથે શામળી વાદળીનું સંવનન ને મનમાં સ્વપ્ન સુંદરી સાથેનું કાલ્પનિક મસ્ત મિલન...!!

ઉપયોગી મન એ વન -ઉપવન છે ને ઉપદ્રવી મન એ ઉકરડો કહેવાય..અને એક ખાનગી વાત જે જાહેરમાં છાતી પર હાથ મૂકી કબૂલ કે વિચારવા માટેનું આપણુ શ્રેષ્ઠ સ્થળ એ આપણું શૌચાલય જ હોય ને...!! જ્યાં દુનિયા ભરના વિચારોનું મિલન-સંમેલન નિરાંતે ભરાતું હોય..!!

સારા કે નરસા વિચારો એ આપણા મનની ફરમાઇશ અને પેદાઇશ છે.મન પહેલાં વિચારની પછી આવિષ્કારની એક મસમોટી ફેક્ટરી જ છે.. રામ કે રાવણ એમની આકૃતિથી નહિ પણ એમના વિચાર - વ્યક્તિત્વ ને લઈને દેવ અને દાનવનું બિરુદ પામ્યા. મનમાં ઉઠતા ઉચ્ચ વિચારો માણસ ને ઉચ્ચ બનાવે છે તો નિમ્ન વિચારો માણસ ને નીચ સાબિત કરી દે છે..

ગ્રેહામ બેલના મનના એક વિચાર અને આવિષ્કાર થકી આજે આપણે ટેલિફોન પર હાય-હેલ્લો કહેતા થઈ ગયા. થોમસ અલ્વા એડિસનનો એક વિચાર આપણને રોશની આપી ગયો. અણુબોમ્બ શોધવાનો આલ્ફ્રેડ નોબલનો એક ઉચ્ચ વિચાર વિશ્વને અણુ શક્તિથી સજ્જ કરતો ગયો. એજ અણુશક્તિ ના દુરુપયોગના એક હરામખોર વિચારે હીરોશીમામાં હાહાકાર મચાવી દીધો. એક નીચ વિચારે નાગાસાકી ને તહસનહસ કરી નાખ્યું..એક વિચારની કેટલી જબરજસ્ત તાકાત છે તે આ ઉદાહરણો થી સમજી શકાય છે.. પણ આ તો મન છે મારું કે કોઈ નું કહ્યું ના માને રે..!!

હું ઈચ્છું કે મને-તમને - આપણ ને સહુ ને શ્રેષ્ઠ વિચારો આવે, મનની જેવી વૃત્તિ એવી જ આપણી આવૃત્તિ અને પ્રવૃત્તિ હોય છે એ ન્યાયે આપણી વૃત્તિ ને પ્રવૃત્તિ પરોપકારી અને સારી બને એ જ પ્રભુ પ્રાર્થના..

અંત માં એક વેદમંત્ર સાથે મારી વાત ને વિરામ આપું કે...

!! આ નો ભદ્રા કૃતવો યંતુ વિશ્વત : !!

વિશ્વ ની પ્રત્યેક દિશાઓ માંથી મને સારા વિચારો પ્રાપ્ત થાઓ...🙏🙏

રાજુ રાવલ ®®®

Address

Mehsana

Telephone

+917069019441

Website

Alerts

Be the first to know and let us send you an email when Raju Raval posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Raju Raval:

Share