30/08/2026
ઈકો કારમાં પેસેન્જર બેસાડવાના મુદ્દે થયેલા સામાન્ય બોલાચાલીનો મામલો હત્યા સુધી પહોંચ્યો છે.મહેસાણા શહેરના મોટેરા એસટી બસ પોર્ટ બહારથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સવારના સમયે ઈકો કારમાં પેસેન્જર બેસાડવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ડ્રાઇવર ઈનસ ખાન સહિત ત્રણ શખ્સોએ એક યુવક સાથે ઝઘડો કર્યો હતો.
બપોરના સમયે હૈદરી ચોક તરફથી બોલાવવામાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ મોટેરા ચોકડી પાસે ઉભેલા સાબિરહુસેન પર અચાનક છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં સાબિરહુસેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જોકે, ગંભીર રીતે ઘવાયેલા સાબિરહુસેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય એક યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે બંને પક્ષના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
બીજી તરફ, સમગ્ર મામલાની જાણ થતાં મહેસાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ તથા હુમલામાં સામેલ આરોપીઓ અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.
મહેસાણા બસપોર્ટ બહાર થયેલી સામાન્ય બોલાચાલી કઈ રીતે જીવલેણ હુમલામાં ફેરવાઈ અને એક યુવકે જીવ ગુમાવ્યો—તે મામલે પોલીસની તપાસ હવે આગળ વધી રહી છે.