24/08/2026
લાંબા અરસા પછી ‘રામરામ’થી શરૂઆત! હવે આગળ ‘જય શ્રીકૃષ્ણ’ ક્યારે? 😊
સમાજની સાચી તાકાત તેની સંસ્થાઓની સંખ્યા કે સંપત્તિમાં નહીં, પરંતુ એકતા, પરસ્પર વિશ્વાસ અને સમાજહિત માટે સાથે મળીને કામ કરવાની ભાવનામાં રહેલી હોય છે. કચ્છ કડવા પાટીદાર સમાજમાં છેલ્લા કેટલાક સમયથી ત્રણ અગ્રણી સંસ્થાઓ વચ્ચે ઊભા થયેલા મતભેદોને કારણે સમાજમાં પણ એક પ્રકારની અસ્વસ્થતા જોવા મળી રહી હતી.
આ પરિસ્થિતિ વચ્ચે સમાજના કેટલાક નિષ્ઠાવાન શુભચિંતકો દ્વારા કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે પ્રસિદ્ધિની અપેક્ષા વિના ત્રણેય સંસ્થાઓ વચ્ચે સંકલન અને સંવાદ સ્થાપિત થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ પ્રયાસો વચ્ચે સૌની નજર 23 ઓગસ્ટના દિવસ પર હતી.
અને આખરે 23 ઓગસ્ટે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાય ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજની ત્રણેય સંસ્થાઓના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક મળી. બેઠકમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વિવિધ સમાજલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.
બેઠકમાં ખાસ કરીને પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા ખાતે કેન્દ્રીય સમાજ દ્વારા મંદિરના નિર્માણના પ્રશ્ને વિગતવાર ચર્ચા થઈ. ચર્ચા બાદ સભામાં એવો નિષ્કર્ષ સામે આવ્યો કે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું કેન્દ્રસ્થાન સંસ્કારધામ જ રહેશે, જ્યારે નખત્રાણા ખાતે સમાજની જરૂરિયાતને અનુરૂપ માત્ર નાનું મંદિર બનાવવામાં આવશે. અહીં ગુરૂ ગાદી સ્થાપવા અંગે ફેલાઈ રહેલી વાતો માત્ર અફવા જ છે!
આ અંગેની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય સમાજની આગામી સામાન્ય સભામાં કરવામાં આવશે તેવી ખાતરી કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
બેઠક દરમિયાન સંત શ્રી વલ્લભકૃષ્ણજી સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. આ મુદ્દે તાત્કાલિક કોઈ નિર્ણય લેવાને બદલે આગામી એકાદ વર્ષ સુધી પરિસ્થિતિ પર નજર રાખી, એટલે કે “વેઈટ એન્ડ વોચ”ની નીતિ અપનાવવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
આ બેઠકની એક મહત્વપૂર્ણ ફળશ્રુતિ એ પણ કહી શકાય કે અગાઉ એકબીજાને મળવામાં પણ ખાસ ઉત્સાહ ન દાખવનારા ત્રણેય સંસ્થાના કેટલાક હોદ્દેદારો અને આગેવાનો એક જ સ્થળે સાથે બેઠા, પરસ્પર મળ્યા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંવાદ કર્યો. કદાચ આ વાત નાની લાગે, પરંતુ લાંબા સમયથી ચાલતા મતભેદોની પૃષ્ઠભૂમિમાં સંવાદ માટેનું આ પહેલું પગલું પણ ઘણું મહત્વ ધરાવે છે.
બેઠકમાં અન્ય અનેક પ્રશ્નો અંગે પણ વિગતવાર ચર્ચા અને જરૂરી ખુલાસાઓ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સર્વોદય ટ્રસ્ટના પ્રશ્ને પણ બંને પક્ષો વચ્ચે વાટાઘાટો શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જે આગળની પ્રક્રિયા માટે આશાસ્પદ બાબત ગણી શકાય.
જોકે 23 ઓગસ્ટની આ બેઠકને સમાજના તમામ મતભેદોનો અંત આવી ગયો છે એવું કહેવું હાલ વહેલું ગણાશે. હજુ કેટલાક પ્રશ્નો ચર્ચા, સંવાદ અને પરસ્પર સમજણ માગે છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે વાતચીતનો દરવાજો ફરી ખુલ્યો છે અને એકબીજાથી દૂર રહેલા લોકો એક ટેબલ પર આવીને ચર્ચા કરવા તૈયાર થયા છે.
સમાજમાં એકતા કોઈ એક બેઠકથી સ્થાપિત થતી નથી; તેના માટે સતત સંવાદ, વિશ્વાસ, પારદર્શિતા અને સમાજહિતને વ્યક્તિગત કે સંસ્થાકીય હિતથી ઉપર રાખવાની જરૂર પડે છે.
23 ઓગસ્ટની સંકલન બેઠક કદાચ અંતિમ મુકામ નથી, પરંતુ એક નવા સંવાદની શરૂઆત જરૂર બની શકે છે.
હવે સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજની નજર એ વાત પર રહેશે કે 23 ઓગસ્ટે શરૂ થયેલો આ સંવાદ આગળ કેટલો મજબૂત બને છે અને શું ત્રણેય સંસ્થાઓ ફરીથી એકબીજાની સાથે ખભેખભો મિલાવીને સમાજના વિકાસ માટે આગળ વધી શકે છે?
આજની ઘડીએ સમાજની એક જ અપેક્ષા છે—
મતભેદો ભલે હોય, પરંતુ મનભેદો દૂર થાય; સંસ્થાઓ અલગ હોય, પરંતુ સમાજ એક રહે; અને અંતે જીત કોઈ વ્યક્તિ કે સંસ્થાની નહીં, પરંતુ સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજની થાય.