
10/01/2025
વાંકાનેરની વ્હાલુડીઓનું સ્નેહ મિલન
વાંકાનેર ગર્લ્સ હાઇસ્કુલ માં ભણતી વિદ્યાર્થીનીઓના રી યુનિયનનું આયોજન
દાયકાઓ પહેલા ભણીને જુદા જુદા શહેરમાં સ્થિર થયેલ વિદ્યાર્થીનીઓ પોતાના બાળપણના દિવસોની યાદ તાજી કરશે.
ભૂતપૂર્વ શિક્ષકોને પણ આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવશે.
દરેક વ્યક્તિના જીવનમાં પોતે નાનપણમાં જે શાળામાં ભણ્યા હોય તેનું મહત્વ ખૂબ હોય છે. ગમે તેટલી ઉંમર થાય તો પણ પોતે જ્યાં ભણ્યા હતા તે શાળાની સ્મૃતિ ઝાંખી થતી નથી. વતન અને વતનની શાળાની વાત દરેક વ્યક્તિના આંખની ચમકને વધારી દે છે. એક સમય હતો કે જ્યારે વર્ષો પહેલા છૂટા પડેલા શાળામાં ભણતા મિત્રો કે સહેલીઓ જવવલે જ મળતા પરંતુ અત્યારે સોશિયલ મીડિયા એ માટે આશીર્વાદરૂપ છે જેના કારણે એક શાળામાં ભણતા,એક વર્ગમાં ભણતા સહપાઠીઓનો સંપર્ક આંગળીના ટેરવે થઈ જાય છે અને એટલે જ રી યુનિયન દ્વારા ઉંમરના અડધા દાયકા પર પહોંચેલ વ્યક્તિ પણ પોતાના બાળપણના મિત્ર- સહેલીને રૂબરૂ મળી શકે છે. આવા મિત્રો જ્યારે રૂબરૂ મળે છે ત્યારે કદાચ બાહ્ય દેખાવ બદલાયો હોય પણ હૃદય નો પ્રેમ તો અકબંધ જ હોય છે.આ પ્રેમ શાળા પ્રત્યેનો હોય છે,શાળાના શિક્ષકો પ્રત્યે નો હોય છે,સહપાઠી પ્રત્યેનો હોય છે અને એ જીગરજાન મિત્ર પ્રત્યે નો હોય છે જે એક બેંચમાં બેસવા સાથે અનેક તોફાનો ના સહભાગી હોય છે. આવા સંસ્મરણો વાગોળવા વાંકાનેર ની વહાલી દીકરીઓએ એક રી યુનિયનનું આયોજન તારીખ 11 જાન્યુઆરી 2025 ના રોજ કર્યું છે.
શહેરની ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતી દીકરીઓ આજે વિશ્વના અનેક ખૂણે પહોંચી છે જુદા જુદા ક્ષેત્રમાં આગળ વધી છે તેમજ શાળા અને શિક્ષકોનું ગૌરવ વધારી રહી છે ત્યારે ફરી એકવાર શાળાની એ બેંચ પર બેસી બાળપણના સુવર્ણ કાળમાં પહોંચી જવાનો અમૂલ્ય લ્હાવો લેશે.આ રી યુનિયન માં પોતાના બાળપણની યાદ તાજી કરવા જુદા જુદા શહેર જેવા કે જામનગર ભાવનગર અમદાવાદ મુંબઈ જુનાગઢ વગેરે શહેરોમાંથી વિદ્યાર્થીઓ વાંકાનેર આવશે. વોટ્સએપ પર વાંકાનેરની વહાલુડી નું ગ્રુપ બનાવી ગર્લ્સ હાઇસ્કુલ માં ભણેલી દરેક દીકરીઓ નો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જુદા જુદા શહેરમાંથી સો થી પણ વધુ વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
વતન અને શાળાનું ઋણ ચૂકવવા તેમજ શિક્ષકો ને ફરીથી આદર અને સન્માન આપવા એક સુંદર યુનિયન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભૂતપૂર્વ શિક્ષકો જેવા કે દવે સાહેબ વેદ સાહેબ ભાનુબેન સાવિત્રીબેન વસંતબેન સહિત અન્ય શિક્ષકોને આમંત્રિત કરાશે તેમજ સન્માનિત કરાશે. શાળાની યાદને તાજી કરતાં નાસ્તો તેમજ ભોજન પણ આયોજન કરવામાં આવ્યું છે. એસી ના દાયકા અને તે પહેલા ના સમયમાં ભણેલ વિદ્યાર્થીનીઓ આજે ઉંમરના ઘણા વર્ષો પાર કરી ચૂક્યા છે છતાં જે શાળાએ શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન કર્યું તે શાળા પ્રતિ નું ઋણ અદા કરવા દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ એકઠી થશે.
મૂળ વાંકાનેરના અને રાજકોટમાં સ્થિત અમીશા બેન તેમજ તૃપ્તિબેન અને તેની ટીમ દ્વારા એક વિચાર બીજ રોપાયુ અને દરેકે તેનો સ્વીકાર કર્યો અને ઉત્સાહભેર બધા જોડાતા ગયા. શાળાની એ પરિચિત દિવાલો,બેન્ચ ,વૃક્ષો,રમત ગમતનું મેદાન દરેકને એક વખત વ્હાલા ભરી નજરે જોઈને પોતાના હૃદયના ખૂણામાં સંઘરી રાખવા દરેક વ્હાલુડીઓ ઉત્સુક છે.
આ બાબત અમીષાબેન અને તૃપ્તિબેન એ જણાવ્યું હતું કે દરેક બહેનો પોતાની શાળાએ આવીને નાનપણની યાદ તાજી કરી શકે તેમ જ જે શિક્ષકોએ જીવન જીવવાના સંસ્કાર રોપ્યા છે તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તથા પોતાની જીગરજાન બહેનપણીઓને મળી શકે તે માટે આ સમગ્ર યુનિયન નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કોઈ જ ફોર્માંલીટી નથી. બહેનો પોતાની મનગમતી બહેનપણીઓને મળે,નાસ્તો કરે,જમે અને એક જીવનભરનું સંભારણું લઈ જાય એ જ ઉદ્દેશ્ય છે.