27/05/2025
વાયક આવ્યાં રે સંતો દો જણાં ત્રીજું કેમ સમાય રે?
પંથ ઘણો ને જાવું એકલું, પાળા કેમ ચલાય રે?
શબદુંના બાંધ્યા સંતો કેમરે’વે હાં ! સાધ હોય ઈ સંતો કેમ રે’વે.
સોનલા-કટારી સતીએ કર ધરી, પાળી માંડી છે પેટ.
કૂખ છેદી, કુંવર જલમિયો; એ જી જનમ્યો માઝમ રાત – શબદુંના
હીરની દોરીનો બાંધ્યો હીંચકો, બાંધ્યો આંબા કેરી ડાળ;
પવન-હીંચોળા હરિ મિકલે. આતમ તારો ઓધાર. – શબદુંના
બાઈ પાડોશણ મારી બે’નડી! રોતાં રાખ્યે નાનાં બાળ;
અમારે જાવું ધણીને માંડવે, તારા કે’ શું ઝાઝા રે જુવાર. – શબદુંના
ત્યાંથી તોળી રાણી ચાલિયાં, આવ્યાં વનરા મોજાર,
વનમાં વસે એક વાંદરી, ઠેકે મોટેરા ઠેક રે. – શબદુંના
ત્યારે તોળી રાણી બોલિયાં સાંભળો વનરાના રાય!
ઉરે રે વળગાડી તારાં બચળાં રખે રે ભૂલતી તું ચોટ. – શબદુંના
મારાં રે બચળાં મારી ઉરમાં, તોળી રાણી, તારાં તો સંભાળ;
કોળિયા અન્નને કારણે પૂતર મેલ્યો આંબાની ડાળ. – શબદુંના
પૂતર સંભાર્યો, પાનો ચડ્યો; પ્રાણમાં વાધી છે પીડ,
થાન હતાં તે સતીનાં થરહર્યાં. પડતાં છોડિયા છે પ્રાણ. – શબદુંના
મોટ બાંધીને માથે ધર્યો, ચાલ્યા ધણીને દુવાર,
એકલડા પંથ ન ઊકલે, બેદલ થિયો મારો બેલી. – શબદુંના
ગતમાં ઉતારી ગાંસડી; ગત કાંઈ કરે છે આરાધ;
સામા મોહોલ મહારાજના દીપક રચિયેલ ચાર. – શબદુંના
તમારે જાગ્યે જામો જામશે; બોલિયા જેસલ રાય
સાસટિયા કાઠીની વિનતિ: જાગો તોળલદે નાર. – શબદુંના