30/06/2024
*માતૃતીર્થ સિધ્ધપુર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિર્માણાધિન સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી*
*મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી સરસ્વતી નદીમાં થઇ રહેલ જળસંચય માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું*
**********
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે માતૃતીર્થ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર સામેના પટમાં નિર્માણ થઈ રહેલ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. સરસ્વતી નદીને પુનઃજીવિત કરી જળસંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રીશ્રીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલ સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરીની તલસ્પર્શી વિગતો સવજીભાઈ ધોળકિયા તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી.
સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી માટે એક કિલોમીટર લંબાઈ અને અડધો કિલોમીટર પહોળાઈ ધરાવતા વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. 13 માર્ચ, 2024 ના રોજ શરૂ થયેલ આ પ્રોજેક્ટમાં અંદાજિત 20 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીના સમયગાળામાં 3 લાખ 20 હજાર ઘનમીટર જેટલું કામ થયું છે. આ પ્રોજેક્ટ વર્ષ 2024 ના અંત સુધીમાં પૂર્ણ થશે. સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે તર્પણ કુંડ બનાવવામાં આવશે. જેનાથી માતૃતીર્થ સિધ્ધપુર આવતા શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં વધારો થશે.
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વખતે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોશી, સિંચાઇ વિભાગના સચિવશ્રી કે.પી.રાબડીયા, કલેકટરશ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ.પ્રજાપતિ, પોલીસ અધિક્ષકશ્રી રવિન્દ્ર પટેલ, મદદનીશ કલેકટર સુશ્રી હરિણી કે.આર., સિધ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.