08/10/2025
અમદાવાદ: સોશિયલ મીડિયાના પ્રેમમાં ફસાયેલી સગીરા પર દુષ્કર્મ, આરોપી મહેર પઢીયારની ધરપકડ
અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલા પ્રેમસંબંધનો ગંભીર અંત આવ્યો છે. સ્નેપચેટ દ્વારા સગીર યુવતીના સંપર્કમાં આવેલો આરોપી મહેર પઢીયાર હાલમાં પોલીસની ગિરફ્તમાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્નેપચેટ પર મિત્રતા કેળવ્યા બાદ આરોપીએ સગીરાને લગ્ન કરવાની ખાતરી આપી હતી. આ વિશ્વાસનો લાભ લઈને લગભગ 4 મહિના અગાઉ તેણે યુવતીને પોતાના ઘરે બોલાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આટલું જ નહીં, આરોપીએ સગીરાના અશ્લીલ ફોટો પણ લઈ લીધા હતા અને તેનો ઉપયોગ કરીને યુવતીને સતત બ્લેકમેઇલ કરી તેનું શારીરિક શોષણ ચાલુ રાખ્યું હતું.
સગીરા લાંબા સમયથી ડિપ્રેશનમાં રહેતી હોવાથી પરિવારને શંકા ગઈ અને તેમણે પૂછપરછ કરતાં આરોપીના કારસ્તાનનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટના બાદ યુવતીના પરિવારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરીને આરોપી મહેર પઢીયારની ધરપકડ કરી છે. પોલીસે મહેર પઢીયાર વિરુદ્ધ પોક્સો (POCSO) અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ યુવાનોમાં સોશિયલ મીડિયાના ઉપયોગ અને તેનાથી થતા જોખમો અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.