08/06/2026
સુરતની લાઇફલાઇન હોસ્પિટલમાં શેર ટ્રાન્સફરને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ હોસ્પિટલના મુખ્ય સંચાલક અને સિનિયર ડિરેક્ટર ડૉ. હિરેન શાહે સાથી તબીબોના શેર પોતાના, પત્ની અને બહેનના નામે ટ્રાન્સફર કરીને હોસ્પિટલમાં આશરે 50 ટકા માલિકી ગેરરીતે પોતાના નિયંત્રણમાં લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડિરેક્ટરો અને અન્ય સિનિયર તબીબોને અંધારામાં રાખીને હોસ્પિટલ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવાયું છે કે રૂ. 16.92 લાખની રકમ ચૂકવવામાં આવી હોવા છતાં શેર ટ્રાન્સફરની પ્રક્રિયામાં ગેરરીતિ કરવામાં આવી હતી. આ મામલે ડૉ. નનેશ પટેલે ઈકો સેલમાં રજૂઆત કરી હતી, જેમાં કરોડોની છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ડૉ. હિરેન વિપીનચંદ્ર શાહ, પીનલ શાહ, શ્વેતા શાહ તેમજ પૂર્વ ભાગીદાર ડૉ. રામચંદ્ર પટેલ વિરુદ્ધ રાંદેર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. હાલ ઈકો સેલ દ્વારા દસ્તાવેજો, શેર ટ્રાન્સફર અને નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરવામાં આવી છે.