25/12/2024
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ની થીમ પર આયોજિત 'કાંકરિયા કાર્નિવલ - 2024'નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ તકે કાંકરિયા કાર્નિવલ પરેડને ફ્લેગ- ઓફ કરાવી હતી. તેમણે પરેડના વિવિધ આકર્ષણો જેવા કે ટેબ્લો, મ્યૂઝિક બેન્ડ, કલાકારોની પ્રસ્તુતિ અને કરતબો નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે અમદાવાદના શહેરીજનોને આવાસ, ગાર્ડન, જિમ, લાઈબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર, વેજીટેબલ માર્કેટ, નવી શાળા, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, વોટર પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ જેવા શહેરી સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરતા કુલ ₹868 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ પણ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કાંકરિયા કાર્નિવલને નગરોત્સવની સાથે વિકાસોત્સવ ગણાવતા જણાવ્યું હતું કે, વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલને પણ ઉજવે છે, જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિરાસત ભી, વિકાસ ભી' મંત્રને સાકાર કરે છે. તેમણે સુશાસનને સમાજના નાનામાં નાના, સામાન્ય માનવી, છેવાડાના માનવીને સુવિધા-સગવડ અને સુખાકારી આપતું શાસન ગણાવતા ઉમેર્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કાંકરીયા કાર્નિવલના બહુઆયામી આયોજન માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપવાની સાથોસાથ કાર્નિવલ દરમિયાન સ્વચ્છતા જાળવવા, પાણીનો બગાડ ન કરવા અને હેરિટેજ સિટી અમદાવાદને વધુ સ્વચ્છ, સુઘડ અને રળીયામણું બનાવવાની અપીલ પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ 'કાંકરિયા કાર્નિવલ - 2024'ના શુભારંભ પ્રસંગે આયોજિત કલા-સંસ્કૃતિની ભવ્ય પ્રસ્તુતિ તેમજ ડ્રોન-શો અને લેસર-શો નિહાળ્યા હતા.
KankariaCarnival2024