05/09/2026
ભારતીય વેદાંત શાસ્ત્રમાં એવું કહેવાય છે કે, આત્મા સો પરમાત્મા. એનો અર્થ એવો થાય છે કે, આ પૃથ્વી પર જેટલા પણ માણસો, પશુ પક્ષીઓ અને વૃક્ષો છે, એ દરેક જીવનના અંશની અંદર પરમાત્મા સ્વયં આત્મ સ્વરૂપે બિરાજે છે.
તો ઈશ્વરની ભક્તિ કરવાનો સીધો અર્થ છે, સૌથી પહેલા દરેક જીવની અંદર કે દરેક મનુષ્યની અંદર એ, જે ઈશ્વરનું આત્મસ્વરૂપ બિરાજમાન છે, એને સન્માન આપવું અને એને પ્રેમથી આવકારવું.
અને એટલે જ હિન્દુ ધર્મમાં કહેવાયું છે કે, જનસેવા એ જ પ્રભુસેવા.
અમારા ઘરમાં બહુ નાનપણથી અમારા મમ્મીએ, અમને એવું શીખવ્યું છે કે,ભગવાનની ભક્તિ નિયમિત કરવી જરૂરી છે પણ, સૌથી પહેલા આપણી ફરજ કે આપણા કર્તવ્ય, પ્રેમથી નિભાવવા એ પણ એટલા જ જરૂરી છે.
આપણે રોજ સવારે બે કલાક પૂજા કરતા હોઈએ પણ, ઘરમાં કોઈ વ્યક્તિ બિમાર છે, તો આપણી પહેલી ફરજ છે એમને સમયે ગરમ નાસ્તો આપવો, દવાઓ આપવી અને એમની સેવા પહેલા કરવી. અને પછી ભગવાન પાસે બેસવું.
જો તમે ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ છે, એના હૃદયને દુઃખવીને ભગવાન પાસે એક કલાક પૂજા પાઠ કરશો તો, દુનિયાનો કોઈ ઈશ્વર એવી કરેલી પૂજા સ્વીકારતો નથી. આ વાત દરેક વ્યક્તિએ સૌથી પહેલા સમજતા શીખવી પડે.
ભક્તિનો સીધો અર્થ છે, દરેક વ્યક્તિ સાથે પ્રેમભર્યો વ્યવહાર કરવો અને દરેક વ્યક્તિની તકલીફને કે પીડાને સમજતા શીખવી. જો તમારા હૃદયમાં, બીજાની પીડાને સમજી શકવાની સમજણ કે દયા ભાવ નથી તો, તમે ગમે તેટલી જાત્રાઓ કરી લો કે ગમે તેટલી પૂજા કરી લો, તમને ઈશ્વરની પ્રાપ્તિ કે અનુભૂતિ ક્યારેય નહીં થાય.
દરેક વ્યક્તિ જો માનવતાનો આ ગુણ અપનાવીને જીવતા શીખી જાય તો, આપણા જીવનમાં ભક્તિ અને ઈશ્વરની કૃપા સાચા અર્થમાં ઉતરશે અને આ દુનિયા સાચા અર્થમાં સ્વર્ગ જેવી બની જશે.