
16/05/2024
ઓનલાઈન ટ્રેડના નામે થતાં ફ્રોડનો ‘સ્લીપર સેલ’:
વડોદરામાં સાયબર ક્રાઈમે નાણા વિડ્રો કરતાં 17 શખસની ધરપકડ કરી, ચીટર ગેંગને ઉપાડેલી રકમ પહોંચાડતા
વડોદરા8 કલાક પેહલા
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં ઓનલાઈન ટ્રેડના નામે ઠગબાજો દ્વારા ખૂબ મોટી ઠગાઈઓ આચરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેર સાયબર ક્રાઇમે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 17 ઇસમોની ધરપકડ કરી છે.
માર્ચના અંતમાં સ્ટોક માર્કેટના નામે થયેલી ચીટિંગની ફરિયાદ
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સનફાર્મ રોડ પર રહેતા ફરિયાદી રામક્રિષ્ણા રાજીવે તા.30/03/2024ના રોજ ફરિયાદ કરી હતી કે, તેઓએ ફેસબુકમાં શેર માર્કેટ અંગેની એડ પર ક્લિક કરતા તેઓને C6-BLACKROCK STOCKS PULL UP નામનાં વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માંગતા હોવાની ફોર્મમાં વિગતો ભરી સબમિટ કરવા માટે કહેતા તેઓને એક ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને એન્જલ સિક્યોરિટીસ સર્વિસ નામની કંપનીના વ્યક્તિનો ફોન આવેલો કે ફોર્મ કન્ફર્મ થઈ ગયેલું છે. ત્યારબાદ તેઓને SEBI માન્ય કંપની રજિસ્ટ્રેશન સાથેનું ઇન્સ્ટિટ્યૂશનલ એકાઉંટ એપ્લિકેશન ફોર્મ મોકલી આપવામાં આવ્યું હતું. અને તેઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.
ગ્રુપમાં લિંક મોકલી એપ ડાઉનલોડ કરાવી હતી
બાદમાં ગ્રુપમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા લિંક મોકલી આપી હતી. જેમાં તેઓનું એકાઉન્ટ બનાવી યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવ્યો હતો. જેમાં પોર્ટફોલિયોમાં અનેક ગણો પ્રોફિટ દેખાતો હતો. તેઓને વિશ્વાસમાં લઈને તેઓને શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને અલગ અલગ એકાઉન્ટમાં ટુકડે ટુકડે કુલ રકમ 94,18,000 જમા કરાવ્યા હતા. પોર્ટફોલિયોમાં દેખાતા પ્રોફિટને વિડ્રો કરવાં જતાં, વિડ્રો થયેલો નહીં અને તેઓ સાથે વિશ્વાસઘાત કરી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. જે અંતર્ગત 17 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે કોની કોની ધરપકડ કરી?
અબ્રારખાન નવાબખાન પઠાણ, ઉ.વ.23, રહેવાસી, રાવપુરા, વડોદરા.
શાહરુખ રઝાકભાઇ વ્હોરા, ઉ.વ. 25. રહેવાસી, સીયાબાગ વડોદરા
ગોમેસી મનિષભાઈ દવે, ઉ.વ.20, રહેવાસી, સીયાબાગ વડોદરા
શેખ સલીમ મિયા શોકતહુસૈન, ઉ.વ.42, રહેવાસી, રાવપુરા વડોદરા
સૈયદ ઈખ્તીયારઅલી હસમતઅલી, ઉ.વ.22, રહેવાસી, બાવમનપુરા વડોદરા
ઝરાર બિલાલભાઇ સોદાગર, ઉ.વ. 31 રહેવાસી, નાગરવાડા,વડોદરા
મીર હારીશભાઇ સલીમભાઇ, ઉ.વ.24, રહેવાસી, તાંદલજા, વડોદરા
બેલીમ વસીમખાન ફિરોઝખાન, ઉં.વ.24, રહેવાસી, સોમાતળાવ વડોદરા
મોહમદ આફતાબ મુસ્તાકભાઈ બેગ, ઉ.વ.22, રહેવાસી, સોમાતળાવ વડોદરા
શેખ અદનાન ઇલ્યાસભાઈ, ઉ.વ. 22, રહેવાસી, તાંદલજા, વડોદરા
શેખ લીયાકત યુસુફભાઈ, ઉ.વ. 47, ધંધો. રહેવાસી, વડોદરા
મહેબુબ ઈબ્રાહિમ આગેવાન, ઉ.વ. 22 રહેવાસી, આજવા મેઈન રોડ વડોદરા
શાહરૂખ સીદીકભાઈ ધોબી, ઉ.વ. 29 રહેવાસી, બહુચરાજી રોડ, વડોદરા શહેર
સાહીલ યુસુફમીયા શેખ, ઉ.વ. 24 રહેવાસી, યાકુતપુરા વડોદરા
કબીરઅહેમદ મોહમદશબ્બીર મન્સુરી, ઉ.વ. 21 રહેવાસી, પાણીગેટ વડોદરા
સોહીલ કાસમભાઇ શેખ, ઉ.વ. 25 રહેવાસી, નાગરવાડા, વડોદરા
રમીજઅલી મુસ્તાકઅલી કાદરી, રહેવાસી, નાગરવાડા વડોદરા શહેર
આરોપીઓનો રોલ
આરોપીઓએ પોતાના ખાતામાં જમા થતાં નાણા વિડ્રો કરી લઈ પોતાના સહાઆરોપીને રોકડ રકમ સોપી દેતા હતા, જેનાં માટે તેઓને કમિશન મળતું હતું.
પકડાયેલા 17 આરોપીઓમાંથી 11 આરોપીઓ એકાઉન્ટ હોલ્ડર છે, જેઓએ પોતાના ખાતામાંથી નાણાં વિડ્રો કરીને સહઆરોપીને સોંપી દીધા હતા.
ગુનાની મોડસ ઓપરેન્ડી
ફેસબુક જેવાં સોશિયલ મીડિયા પર શેરમાર્કેટ અંગેની એડ્સ પર ભોગ બનનાર દ્વારા ક્લિક કરવામાં આવે છે.
ભોગ બનનારને વ્હોટસએપ પર ગ્રુપમાં એડ કરવામાં આવે છે. ત્યારબાદ ભોગ બનનારને જણાવવામાં આવે છે કે તેઓને શેર માર્કેટની ટીપ્સ આપવામાં આવશે.
ભોગ બનનારને નકલી એપ્લિકેશનની લિંક મોકલવામાં આવે છે. શરૂઆતના તબક્કે નાની- નાની રકમનો ફાયદો કરાવવામાં આવે છે. એપ્લિકેશનમાં મોટી રકમનો પ્રોફિટ દર્શાવામાં આવે છે અને ભોગ બનનારને વિશ્વાસમાં લેવામાં આવે છે.
ભોગ બનનારને નફા પેટે મોટી રકમ કમાવાની લાલચ આપીને ભોગ બનનાર પાસેથી તેઓ વતી ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાના હેઠળ રૂપિયા પડાવી લેવામાં આવે છે.
ત્યારબાદ ભોગ બનનાર આરોપીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ આરોપી દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં આવતો નથી.
જ્યાં સુધી ભોગ બનનારને પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થઈ છે, તેવો ખ્યાલ આવે ત્યાં સુધી માં આરોપીઓ દ્વારા મોટી રકમ ખંખેરી લેવામાં આવેલી હોય છે.
સેફ્ટી ટિપ્સ
ટેલિગ્રામ કે વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા મારફતે રોકાણ કરીને નફો કમાવવાના આવતા મેસેજ અથવા ફોનની પૂરતી વ્યકિતગત ચકાસણી કરીને જ નાણાકીય વ્યવહારો કરવા.
ફેસબુકમાં આવતી શેર માર્કેટ અંગેની એડ્સની ચકાસણી કરીને જ નાણાકીય વ્યવહારો કરવા.
કોઈપણ લેભાગૂ વ્યક્તિને તમારા વ્યક્તિગત દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટોગ્રાફ પૂરતી ચકાસણી કર્યા વગર આપવા નહીં.
પોતાનું બેન્ક ખાતું કે સીમકાર્ડ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બહાને કે લાલચમાં આવીને વાપરવા આપવા જોઈએ નહીં, તેના ગેરકાયદેસરના ઉપયોગ માટે તમે કાયદેસર જવાબદાર બનો છો.
જો આપ કોઈપણ સાયબર ક્રાઈમના ભોગ બન્યા હોય તો નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઈમનો સંપર્ક કરો અથવા હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરવો.