17/10/2024
અમારી પુત્રી હિરપરા વેદા એ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં રેકોર્ડ નોંધાવ્યા બદલ સૌ સ્નેહીજનો, મિત્રો, તેમજ વડોદરા તથા સમગ્ર ગુજરાત માંથી ઘણા સંસ્કૃતિ પ્રેમી લોકો એ વેદા ની સરાહના કરી તેમજ અભિનંદન આપ્યા તે બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર. આપ સૌના ઘણા બધા મેસેજ તેમજ ફોન કોલ મળ્યા, દરેક ની શુભેચ્છાઓ સ્વીકારી અને જવાબ આપવાનો પણ પ્રયત્ન કરેલો છે આમ છતાં વ્યસ્ત શિડ્યુલ ના કારણે કોઈને જવાબ આપવાનો રહી ગયેલ હોય તે સૌનો પણ અમે પૂર્ણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
ઘણા બધા લોકો એ લગભગ સરખા જ સવાલો પૂછ્યા છે કે
તમે કયા ટ્યુશન કરાવો છો?
તમે કેવી રીતે શીખવાડો છો?
અમને તો પોતાને જ એટલું સંસ્કૃત નથી આવડતું તો બાળક ને કેવી રીતે શિખવાડવું?
મોબાઈલ માટે જીદ નથી કરતી?
જેવી રીતે આપણે કૂકિંગ શો જોઈને તેની કોઈક ટિપ્સ રસોઈ ને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગ કરતાં હોઇએ છે તેમ શક્ય છે કે મારી કોઈ ટિપ્સ કોઈને ઉપયોગી બને, તે હેતુ થી હું શું કરું છું તે શેર કરું છું.
તો હું જણાવવા માંગીશ કે હું વેદા ને શ્લોક શીખવા માટે કોઈ ટ્યુશન મા નથી મોકલતી, જાતે જ શિખવીએ છે. અમે પતિ પત્ની બંને વ્યવસાયે ફાર્મસિસ્ટ છીએ , દવાઓ ના મેન્યુફેક્ચરિંગ અને વેચાણ સાથે સંકળાયેલા છીએ, હું પણ વર્કિંગ વુમન છું, પહેલા અમે જાતે શીખીએ છીએ, અમને શિખતા જોઈને તે પણ બોલવાની કોશિશ કરે છે. હું અંગત પણે એવું માનું છું કે બાળકો પાસે કોઈ ચોઇસ નથી કે તેને કેવા પેરેંટ્સ મળે પણ પેરેંટ્સ પાસે એ ચોઇસ છે કે તે ઈચ્છે તે રીતે બાળકને બનાવી શકે. તો આપણે જેવો ગર્વ તેના પર કરવા માંગીએ છે તેવો જ ગર્વ બાળક આપણા પર કરી શકે તેવા પેરેન્ટ્સ આપણે બનીએ.
નાનું બાળક આપણે કહીએ તેમ નહીં પણ આપણે કરીએ તેમ કરતું હોય છે, તો આપણે જે તેની પાસે કરાવવા ઈચ્છીએ છીએ તે સૌથી પહેલા આપણે કરવું પડશે. બાળકમાં ખુબજ તાકાત હોય છે, જો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં નહીં આવે તો તે વેડફાઇ જશે. માત્ર “તું મોબાઈલ કે ટીવી ના જોઈશ” કહેવાના બદલે તેના સિવાય શું કરવું તે જણાવવું.
જેમકે હું ક્યારેક રાજમા અને ચણા મિક્સ કરીને વેદા ને તે અલગ કરવા માટે આપી અને અલગ કરીને ગણવા માટે કહું છું તો તે એક પ્રકારની એક્ટિવિટી જ છે. અમારું કામ એ પ્રકાર નું છે કે મોબાઈલ નો ઉપયોગ કરવો અનિવાર્ય છે પણ અમે ક્યારેય વેદા ની સામે તેનો મનોરંજન ના હેતુ થી ઉપયોગ કરતાં નથી. ફ્રી સમય માં તેની સાથે વાતો કરવી કે રમત રમવી જેવી એક્ટિવિટી કરીએ છીએ.
મોબાઈલ માટે એ જીદ નથી કરતી કારણ કે અમે પહેલાથી જ ક્યારેય મોબાઈલ આપ્યો નથી. ગર્ભાવસ્થા ના પૂરા સમય દરમિયાન મે સોશિયલ મીડિયા નો ઉપયોગ નથી કર્યો અને ચોક્કસ સમય ધાર્મિક પુસ્તકો અને ભગવદ ગીતા ના શ્લોક ના વાંચનને આપ્યો છે. માત્ર સાંભળ્યું જ હતું કે અભિમન્યુ એ માતા ના ગર્ભ માં યુદ્ધ નું જ્ઞાન મેળવ્યું હતું પરંતુ અનુભવ કરીએ તો જણાય કે આપણાં પુસ્તકો માં લખેલી એક એક વાત 100% સાચી છે.
અમે ઘરે આવતા મહેમાનો ને પણ અમારા બાળક ને મોબાઈલ બતાવતા રોક્યા છે, કોઈના ઘરે ગયા હોઈએ ત્યાં પણ યજમાન ને અમારા બાળક ને મોબાઈલ બતાવતા રોક્યા છે. હવે સમય એવો છે કે અમારા ઘરે કોઈ મહેમાન હોય તો એ સામેથી જ જ્યાં સુધી અમારી સાથે છે ત્યાં સુધી એમના પોતાના બાળકો ને પણ મોબાઈલ નથી આપતા. અમારા પેરેંટ્સ ને પણ વેદા ને મોબાઈલ બતાવવાની ના પાડી છે, આપણાં પેરેંટ્સ ને આપણે મોબાઈલ કેમ ના બતાડવો તેના સચોટ કારણો આપીશું તો ચોક્કસ તેને તો વ્યાજ વધારે જ વ્હાલું હોય છે એટલે નહીં જ આપે. બાળકો ની આંખ ની cornea 2 વર્ષ સુધી ડેવલોપિંગ સ્ટેજ માં હોય છે, આપણે ચોક્કસ મોબાઈલ માં સારું જ બતાવીએ પણ આંખ ને બ્લૂ કિરણો થી નુકશાન થાય છે તેનું શું? આ વાત જણાવ્યા પછી અમારા પેરેંટ્સ એ પણ સતત અમારી જેમ તેને મોબાઈલ આપ્યો નથી કે તેની સામે લીધો નથી.
ઘણા લોકો એ કહ્યું કે કયા સુધી રોકી રાખશો એને મોબાઈલ જોતાં? તો અમને ખબર નથી કે અમે કયા સુધી રોકી રાખીશું પણ ચોક્કસ તેને જરૂર નહીં હોય ત્યાં સુધી નહીં જ આપવાની કોશિશ તો કરીશું જ.
અત્યારથી કેમ આવું બધુ શીખવાડો છો , રમવા દેતાં હોય તો ?
એક તો આપણે બાળકો ને ભણાવીએ છે અંગ્રેજી માધ્યમ માં , આજના સમય માં એ જરૂરી છે પણ આપણાં ગ્રંથો તો અંગ્રેજી માં નથી જ તેથી જો આપણી સંસ્કૃતિ નું જ્ઞાન આપણે આપણા બાળકો ને આપવું હશે તો તે આપણે જ આપવું પડશે, નાની ઉમર માં 24 કલાક તે આપણી સાથે વિતાવે છે તો જેટલું આપવાનું છે તે આપવાનો ઉત્તમ સમય નાનપણ જ છે એવું મને લાગે છે, બીજું કે આપણે રોજ સમાચારો માં વીધર્મીઓ બાળકીઓ ને ફસાવી જાય છે તે વાંચીએ છીએ, કેરાલા સ્ટોરીસ ના મૂવી જોઈએ છે, તો આપણી સંસ્કૃતિ નું જ્ઞાન આપણે આપણા બાળકો ને આપવું એ આજ ની જરૂરિયાત છે. અને એ આપવાનો યોગ્ય સમય પણ આ જ છે-બાળપણ. બાળપણ મા શીખેલું મન્ પર છપાઈ જાય છે એટલે તો આપણને ન્યુટન નો નિયમ યાદ હોય કે ના હોય, પણ કક્કો આપણે નથી ભૂલતા.
- ફાલ્ગુની પાર્થ હિરપરા