27/10/2022
અહીં રંગભેર રમવા રે, આવોને જીવણ જમવા;
મારાં દુઃખડાં મીટાવવા રે,
આવોને જીવણ જમવા...
અગસ્ત્યપુર (આગલોડ) માં નૂતનવર્ષે ભગવાન શ્રી રામચંદ્રજી આગળ અન્નકૂટ ધરાવવામાં આવે છે. તેમાં વિવિધ પ્રકારની વાનગીઓ અને લુગત્તી (રાજગરાનો લોટ અને બૂરું સાકર) મુકવામાં આવે છે. આગલોડમાં બ્રહ્મપુરીમાં વસતા રણછોડ મહારાજ ઈડર રાજ્યમાં શિક્ષક હતા. કંઇક કારણવશાત રાજમહેલ ભણી જતા હતા. રાજકુમાર મસ્તી કરતા હતા ત્યારે સિપાઈએ કહ્યું, ગુરુજી આવે છે કહી દઉં તમે મસ્તી તોફાન કરો છો ભણતા નથી. રાજકુમાર આ સાંભળી સંતાઈ ગયા.
રણછોડદાસે આ સાંભળ્યું, તેમને થયું હું એટલો ક્રૂર છું કે મારાથી રાજકુમાર ડરે.... તેમણે શિક્ષકની નોકરી છોડી પણ ઈડર રાજવીએ તેમને ઈડર છોડી જવા ના દીધા. મહેસૂલ વિભાગમાં મુખ્ય બનાવ્યા. રણછોડદાસ પરગજું માણસ ખેડૂતનો વલોપાત સાંભળી મહેસૂલ લેવાને બદલે નાણાં આપતા આ સામે તેમના હાથ નીચેના માણસોએ ફરિયાદ કરી રાજવીએ રણછોડદાસને ધમકાવ્યા અને કહ્યું, જો તમે આમ કરશો તો ફાંસી આપવામાં આવશે....
એક ખેડૂત મહેસૂલ આપવાને બદલે વલોપાત કરવા લાગ્યો, રણછોડદાસે તેને નાણાં આપ્યાં અને પછી યાદ આવ્યું કે રાજવી મને સજા કરશે. તેઓ ભાગી છૂટ્યા. રાજવી તેમને જવા દેવા ઈચ્છતો ન હતો તેથી સિપાઈ દોડાવ્યા પણ સિપાઈ નિષ્ફળ નીવડ્યા.
રણછોડદાસે અગસ્ત્ય ટેકરીએ આવી પિતામહ અગસ્ત્ય ઋષિને કહ્યું સંન્યાસ લઉં છું. મને આજ્ઞા આપો. અગસ્ત્ય ઋષિએ કહ્યું, જા સંસારમાં રહી સેવા કર. હું પણ ગૃહસ્થી છું, સપત્ની આરાધના કરું છું. જો તું સંસારમાં જઈશ તો તારી સાથે ભગવાન આવશે.
અગસ્ત્ય ઋષિની આજ્ઞા મળતાં ઘરે પાછા ફર્યા, પણ મનમાં થયું કે સાચે જ મારી સાથે અગસ્ત્ય પિતાએ વાત કરી હતી કે ભ્રમણા હતી? તેમણે ઘરનો દરવાજો ખોલ્યો પાછા ફરીને જોયું તો કંકુની બે પગલીઓ જોઈ અને તેઓ ભક્તિમાં પરોવાઈ ગયા.
તેમણે વિશ્વ વિખ્યાત (ગાંધીજીની ભજનાવલીમાં છે) ભજન "દિલમાં દીવો કરો દીવો કરો કુડાકર્મ ને પરહરો" લખ્યું, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ઘણું ગમ્યું અને સાબરમતી આશ્રમ ભજનાવલીમાં લીધું. બ્રાહ્મણો અને વૈષ્ણવો વચ્ચે અવારનવાર ઝગડા થતા તેથી રામજી મંદિરમાં બ્રાહ્મણો ને રહેવા ન દેતા. રણછોડ મહારાજ એક ગામે ગયા રાતવાસો સ્મશાન પાસેના શિવાલયમાં કર્યો. એક યુવા મૃત્યુ જોયું, શોક પ્રદર્શિત કરતાં કહ્યું, આનું તો આયુષ્ય છે જીવશે. મુખાગ્નિ આપશો નહીં કહી ઈશ્વર આરાધનામાં બેસી ગયા. કલાકેકમાં યુવાન આળસ મરડી ચિતા પર બેઠો થયો.
અને તેમની ખ્યાતિ ફેલાવવા લાગી.
અમદાવાદમાં એક ભાટિયા પરિવાર તેમનું ભક્ત. દીપોત્સવમાં અન્નકૂટ કર્યો. ભાટિયાણીને ગામડિયા ગુરુજી પર ઓછો વિશ્વાસ તેથી તેણે પરીક્ષા લીધી. પડદો પાડી, બાવન પકવાન મૂક્યાં. મીઠું નાખ્યું ન હતું બાજુમાં મૂક્યું હતું. ભાટિયાણીએ કહ્યું ગુરુજી અન્નકૂટમાં કઈ કઈ વાનગીઓ છે??... અને તે આ જ ભોજનથાળ "આવોને જીવણ જમવા" એકે એક વસ્તુવર્ણવી અને છેલ્લે કહ્યું મીઠું જોઈએતો માંગી લેજો, ખારું મોળું થયું હોય તો કહેજો...
અને ભાટિયાણી પગે પડી ગઈ.
આ ઘટના સંવત ૧૮૯૧ માં (એટલેકે આજથી ૧૮૮ વર્ષપૂર્વે) કાર્તિકી પ્રતિપદા એ બની હતી.