Deepak Trivedi

Deepak Trivedi Lecturer in Civil Engineering at Government polytechnic , Rajkot

એક ગઝલ
10/10/2025

એક ગઝલ

મહેસાણા કાવ્યસભા દીપક ત્રિવેદીતારીખ:24-10-20, શનિવારે સાંજે 6-30
10/21/2020

મહેસાણા કાવ્યસભા
દીપક ત્રિવેદી
તારીખ:24-10-20, શનિવારે
સાંજે 6-30

મહેસાણા કાવ્યસભા આયોજિત શ્રેણી 'કવિતાનો કલશોર-૫૫'માં કવિશ્રી દીપક ત્રિવેદી તેમની કવિતાઓનું પઠન કરશે.તેમનો લાઈવ કાર્યક્રમ તા.૨૪/૧૦/૨૦૨૦ ને શનિવારે,સાંજે ૬:૩૦ કલાકે નીચે આપેલ Mahesana Kavysabha ફેસબુક પેજની લિંક પર નિહાળી શકાશે. https://www.facebook.com/MahesanaKavysabha/.

09/01/2020

ઝીલ માનવા ઘા ... દીપક ત્રિવેદી

અહર્નિશ ગીત રમણા ગા વગાડી ઢોલ-તંબૂરો
ગગનગોખેથી અમૃત પા વગાડી ઢોલ- તંબૂરો
જડે જો રૂપ તારું તો પ્રથમ એને જગાડીને-
તું ઝળહળ જામ પીતો જા વગાડી ઢોલ-તંબૂરો
યમુના- ઘાટ જે લોકો રહે વૃક્ષો પહેરીને
પ્રતીક્ષા એમની તું થા વગાડી ઢોલ- તંબૂરો
ઘણો તે દાવ દીધો છે જીવનની આ રમતમાં તો
હવે પાછો લઈ લે દા વગાડી ઢોલ- તંબૂરો
ઘણાએ ઘાવ એવા છે નથી એના હિસાબો પણ
વધારે ઝીલ મનવા ઘા વગાડી ઢોલ- તંબૂરો
.. દીપક ત્રિવેદી

08/07/2020

નાદની ક્ષણો.... દીપક ત્રિવેદી

શ્વાસમાં જે ગડમથલ ઊભી થઈ
એ ક્ષણે બ્રહ્મા ! ગઝલ ઊભી થઈ

દૂર કર્યો મેં જ કાળી નાગને
તે ઘડી પણ જળકમલ ઊભી થઈ

સૂરમાં ડૂબી જવાની એ ક્ષણો,
ભૈરવી થૈ દર‌અસલ ઊભી થઈ

દૂર દેખાયા વલય રંગો તણા
બેઉ આંખો ત્યાં સજલ ઊભી થઈ

મોક્ષ માટે જાળવીને રાખજે
જે સ્થિતિ મનમાં સરલ ઊભી થઈ
....દીપક ત્રિવેદી

08/01/2020

વચ્ચે ઠેકી પડવું છે ....દીપક ત્રિવેદી

ડાબું હો કે છો ને જમણું વચ્ચે ઠેકી પડવું છે
આ ફેરે તો એથી બમણું વચ્ચે ઠેકી પડવું છે

અડખે પડખે બોઘા જેવાં માણસ ઊભા ઠેકો લઇને
ઉગમણું કે હો આથમણું વચ્ચે ઠેકી પડવું છે

વર્ષોથી મારા મોભીઓ એને ભજતાં ભાવ થકી
લાગે વહરું કે સોહમણું વચ્ચે ઠેકી પડવું છે

જુઠ્ઠા છે જે જુઠ્ઠા છે એ ઢગ પાણાનો મારે મન
હો કદરૂપું કે હો નમણું વચ્ચે ઠેકી પડવું છે

સૌ ઊભા છે સામેસામા મૂછોની મરજાદા લઇ
મૂંગુ હો કે હો બાઝકણું વચ્ચે ઠેકી પડવું છે
...દીપક ત્રિવેદી

05/24/2020
04/14/2020

જીર્ણ વસ્ત્રો...... દીપક ત્રિવેદી

મૌનથી સઘળું બતાવી જોઈએ
જીવની બાજી લગાવી જોઈએ

એમને આનંદ નકરો આપવા
દુઃખનો પરદો હટાવી જોઈએ

નગર આખું, બાળવાની છે લગન
એક ચિનગારી મગાવી જોઈએ

મોક્ષની જો હો મહેચ્છા તો પછી
દેહ પર કરવત ચલાવી જોઈએ

પંડિતોની દિવ્યવાણી સાંભળી
જીર્ણ વસ્ત્રોને ફગાવી જોઈએ

દીપક ત્રિવેદી

03/24/2020

સમગ્ર ભારતમાં લોકડાઉન વેળાએ ....

રામ- તુલસીદાસ ..... દીપક ત્રિવેદી

હોય પુસ્તક પાસમાં તો એકલાં જીવી શકો
મન રહે ઉલ્લાસમાં તો એકલાં જીવી શકો
આપણે જોયા કરી હર વખત બીજાની ક્ષણો
નિજ સમયનાં શ્વાસમાં તો એકલાં જીવી શકો
ખુદ રચેલાં બાગમાં ફરતાં રહો જો આપ તો
આભ, વર્તુળ , વ્યાસમાં તો એકલાં જીવી શકો
કોઇનાં લઈ ચંદ્રમા ઠેકડા માર્યા હશે
લ્યો, હવે અમ્માસમાં તો એકલાં જીવી શકો
હા, તમે જીવ્યાં નથી એના સહારે જિંદગી
રામ, તુલસીદાસમાં તો એકલાં જીવી શકો

દીપક ત્રિવેદી

03/10/2020

ખિસ્સામાં ગુલાલ .... દીપક ત્રિવેદી

ખિસ્સામાં રાખજો ગુલાલ
જેમ જેમ બારણાઓ ઉઘડતાં જાય એમ છાંટી દો એનાં પર વહાલ !

ચંદન તલાવડીનાં છલકાતાં નીર જેમ માણસને ભેટવાનું હોય
એકમેક ખભ્ભાનાં હીંચકે હિચકતાં સૌ માણસમાં ઉગવાનું હોય

જાજમ પથરાવજો ને લાલ
શ્યામ રંગ ડાબામાં શ્વેત બધો જમણામાં છાંટી ને કરજો કમાલ
ખિસ્સામાં રાખજો ગુલાલ

મનનાં પારેવાને ઊડવાને દેજોને, બેસવાને ટગલી કોઈ ડાળ
અંદરથી ઊઠેલાં રોમરોમ પુગેલાં મોજાને દેજો ઉછાળ

માનવ છે માનવની ઢાલ
ઝરણાં,પર્વત અને નદીઓની જેમ કરો માનવની જાત તમે ન્યાલ
ખિસ્સામાં રાખજો ગુલાલ
જેમ જેમ બારણાઓ ઉઘડતાં જાય એમ છાંટી દો એનાં પર વહાલ !
... દીપક ત્રિવેદી

03/08/2020

આજે મહિલા દિવસ નિમિત્તે ...

નારી શક્તિ .....દીપક ત્રિવેદી

બધી જગાએ દિશે નવતર નારી
તેજ શક્તિનો પૂંજ ભર્યો છે જો જો ધારી ધારી

શક્તિનો સંચાર થયો છે છેક ઋષિના કુળથી
સમાજને એ ધારણ કરતી સમય નામની ધૂળથી

બધી દિશામાં યુદ્ધ લડે પરબારી
બધી જગાએ દિશે નવતર નારી

દીકરી ,મા ને દાદીનો એ ત્રિવેણી કહેવાય
ત્રણે કુળને તારે એવી લક્ષ્મી થઇ પૂજાય

આ શક્તિ છે સૌની પાલન-હારી
બધી જગાએ દિશે નવતર નારી

03/04/2020

મહાશિવરાત્રિ- - - દીપક ત્રિવેદી

ઓગળી રહ્યો છું હું નિરભ્ર આકાશમાં
અંદરનો અવકાશ આટલો વિશાળ
કે પછી
બિંદુસમ સુક્ષ્મ ?
અનાહત થી વિશુધ્ધ ચક્ર સુધી
સઘળું અગ્નિ મય અગ્નિ મય
એટલો તલસાટ ,ઉન્માદ
પહેલાં કદી ન હતો .
ઘટ માં આકાશ ને
આકાશમાં મેઘધનુષ !
આ સાત રંગો
પરિણામે શુભ્ર પુલકિત રંગમાં
અને હું ગાઈ ઉઠું
નરસિંહ નો કેદાર !
કાલ સુધી કોઈ ન હતું
આજ કોણ મારી તર્જની ઝાલે છે ?
આ તમિસ્ર જંગલમાં
કોણ બતાવે છે
નિર્બંધ પગદંડી ?
મારી ત્વચાના રંધ્રોમાં
કોણ ભરી રહ્યું છે
અપરિમિત ચેતનામાય શક્તિ ?
આ જ સત્ય શાશ્વત ક્ષણોમાં ગોપનીય
જે થાય છે અનાવૃત
સ્વયમ્ સંકલ્પની મહાજ્યોતમાં !
ઉર્ધ્વ દિશામાં વિખરીત થતી ઊર્જા
મારા બાહ્ય સ્વરૂપનું જાણે કે કવચ
અંદર ધબકતું ચૈતન્ય
શાશ્વતી નું દ્વાર
નર્તન કરે
કંપન કરે
સ્પંદન કરે
બધા જ આધાર તૂટે
અશ્રુધારા વછૂટે
શૂન્યમનસ્ક ઇચ્છા
અહંકાર, બુધ્ધિ કે મન
જોયા કરે નતમસ્તકે
નિઃસહાય
ચૈતન્ય વહ્યા કરે અસ્ખલિત !
હું બની જાઉં
અખંડ તીર્થનો મહાયાત્રી !!
હે ! સચ્ચિદાનંદ
હું તારો જ અંશ
પણ અહંકાર નાં છીપમાં બંધ
તુમૂલ ઇચ્છામાં અંધ
સમગ્ર અસ્તિત્વનો મારો પ્રકાશપુંજ
તારા શરણમાં
તારા ચરણમાં
સ્થિર કર...!
હે મારા સૂત્રધાર
હે મારા કર્ણધાર
હે સર્વા ધાર
તોફાન મારી નૌકાને
આઘાત - પ્રત્યાઘાત આપે
પગને ધ્રુજાવે છે અહર્નિશ !
મારી વૃતિઓનાં હલેસાં બુઠ્ઠાં થઈ ગયા છે
ગંગાનાં જળ ક્યારે સમાધિસ્થ થશે ?
ક્યારે થવાશે આત્મસ્થ ?
ક્યારે થવાશે શિવોહમ્ ?
ઓમ્ નમઃ શિવાય...!!

- - દીપક ત્રિવેદી

Address

Dallas, TX

Telephone

+19727774742

Website

Alerts

Be the first to know and let us send you an email when Deepak Trivedi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category