22/04/2026
Gujarat High Court: गु४२रात હાઈકોર્ટે શ્રમિકો અને કર્મચારીઓના હિતમાં એક ઐતિહાસિક ચુકાદો આપતા ઠરાવ્યું છે કે, કોઈ પણ કર્મચારી ઘરેથી ઓફિસ જતા આવતા સુધીના અંતર પણ 'ઓન ડ્યુટી' જ ગણાય. આ સાથે હાઈકોર્ટે 'નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ' એટલે કે રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણના સિદ્ધાંતને આધારે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ કર્મચારીનું નોકરીએ જતા સમયે અથવા કામ પૂરું કરીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય, તો તેને ચાલુ ફરજ દરમિયાન થયેલું મૃત્યુ જ ગણાશે. તેથી આવા કેસમાં તેના પરિવારજનો વળતર મેળવવાના હકદાર ગણાશે.
આ કેસની વિગતો મુજબ, સુરતમાં એક ખાનગી કંપનીમાં ડિલિવરી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિજયકુમાર વાંકાલાનું વર્ષ 2002માં નોકરી પૂરી કરીને ઘરે પરત ફરતી વખતે માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. આ મામલે વીમા કંપની અને વાહન માલિકે એવી દલીલ કરી હતી કે, અકસ્માત સમયે કર્મચારી ફરજ પર ન હોવાથી વળતર ચૂકવી શકાય નહીં.
જો કે, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ વીમા કંપનીની દલીલોને ફગાવી દેતા જણાવ્યું હતું કે નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો જ એક ભાગ છે. આ દરમિયાન હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદા ટાંકીને ઉમેર્યું હતું કે આવા કિસ્સામાં મૃતકના આશ્રિતોને વળતરથી વંચિત રાખી શકાય નહીં અને કમિશનરને આદેશ આપ્યો હતો કે જમા થયેલી વળતરની રકમ વ્યાજ અને દંડ સાથે તાત્કાલિક વારસદારોને ચૂકવી દેવામાં આવે.
High Court