24/12/2025
Delhi Air Pollution News: દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે, આ દરમિયાન દિલ્હી હાઇકોર્ટે એક જાહેર હિત અરજી (PIL) પર સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકારને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો છે કે, ‘પ્રદૂષણની કટોકટીભરી સ્થિતિમાં પણ લોકોને સ્વચ્છ હવા આપી શકે એવા સાધનો પર આટલો ઊંચો ટેક્સ શા માટે રખાયો છે? આપણે દિવસમાં લગભગ 21,000 વખત શ્વાસ લઈએ છીએ. એ હિસાબે શરીરમાં દાખલ થતાં પ્રદૂષકોને લીધે થનારા નુકસાનની ગણતરી કરો.’
આ દરમિયાન કેન્દ્ર સરકારના વકીલે જવાબ આપવા માટે વધુ સમય માગતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘આ મુદ્દે નિર્ણય લેવામાં હજુ કેટલો સમય લાગશે? જ્યારે હજારો લોકો મરી જશે ત્યારે નિર્ણય લેશો? દરેક વ્યક્તિને સ્વચ્છ હવાની જરૂર છે અને તમે એટલું પણ નથી કરી શકતા! ઓછામાં ઓછું એર પ્યોરિફાયર જેવા સાધનો તો સુલભ બનાવી દો.’
નોંધનીય છે કે, દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ હોવા છતાં એર પ્યોરિફાયર પર 18% GST વસૂલાતો હોવા મુદ્દે દિલ્હી હાઇકોર્ટમાં એક જાહેર હિત અરજી (PIL) દાખલ કરાઇ હતી. આ અરજીમાં એર પ્યોરિફાયર્સને 'તબીબી ઉપકરણો'ની શ્રેણીમાં મૂકીને તેના પરના જી.એસ.ટી દરને માત્ર 5% કરવાની માંગ કરાઇ છે.