12/07/2026
પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુ ભમ્મરે આ બંને સામે તેમના પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે પુણાગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જાહેરમાં બૂમો પાડી પોલીસને પડકાર ફેંક્યો
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયો અનુસાર, કીર્તિ રણછોડભાઈ અડાલજા પુણા પોલીસ સ્ટેશનની બહાર આક્રમક મૂડમાં જોવા મળી હતી. તેણે બૂમો પાડતા કહ્યું કે, બહુ થયું, હવે ખોટા કેસ એક પણ સહન નહીં કરું. તેણે જાહેરમાં આક્રોશ વ્યક્ત કરતા ફરિયાદ કરનાર ‘રાજુ’ નામના વ્યક્તિને પણ ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને જણાવ્યું હતું કે જો કોઈ ફરિયાદ કરવી હોય તો તે પોલીસ સ્ટેશનની બહાર જ ઉભી છે, સામે આવીને બતાવે. કીર્તિએ પોતાના પર થયેલા કેસોને ખોટા ગણાવી સામો બદનક્ષીનો દાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
અગાઉ પણ અનેક ગુનાઓ અને વિવાદો સામે આવી ચૂક્યા છે
પુણાગામ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 296(બી), 351(2), 356(3), 54(આઈ) તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ. મોરીને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ અને વિવાદો સામે આવી ચૂક્યા છે અને તે હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહે છે.