03/06/2025
*રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જાગરણ પત્રિકા 'વિચારભારતી'ના વાર્ષિક વિશેષાંકનું વિમોચન થયું*..
*હિન્દુ દર્શનના વિચારપ્રવાહને જન જન સુધી લઈ જવામાં 'વિચાર ભારતી'ની ભૂમિકા મહત્વની: શ્રી કાના બાંટવા
સમાજમાં અનેક જગ્યાએ ' વિચાર ભારતી' થકી સંઘ વિચાર પહોચ્યા પછી સંઘકાર્ય શરૂ થયા: શ્રી મહેશભાઈ જીવાણી
રાજકોટ, તા. ૨ જૂન, ૨૦૨૫ :
સ્વયંસેવક સંઘની માસિક જાગરણ પત્રિકા 'વિચારભારતી'ના વાર્ષિક વિશેષાંકનો વિમોચન સમારોહ રાજકોટ ખાતે યોજાઈ ગયો.
રાજકોટના પ્રથમ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, આજકાલ સાંધ્ય દૈનિકના તંત્રી શ્રી કાનાભાઈ બાંટવાના હસ્તે "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ" વિશેષાંકનું વિમોચન કરવામાં આવ્યું. વિચાર પ્રવાહ ટ્રસ્ટના ઉપક્રમે આત્મીય યુનિવર્સિટી ખાતે રવિવારે આયોજિત આ કાર્યક્રમમાં પ્રબુદ્ધજનો, તેમજ સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
આ અવસરે શ્રી કાનાભાઈ બાંટવાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વખતે ૧૦૦ વર્ષ પહેલાં ડૉક્ટર સાહેબે અખંડ ભારતની જે કલ્પના કરી હતી, આજે તે પરિકલ્પના માત્ર નહીં પણ, તે સાકાર થઈ શકે તેવું સામર્થ્ય, વીરતા અને સક્ષમતા આ દેશમાં નિર્માણ થઈ છે. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આ સપ્તાહ દરમિયાન સમગ્ર દુનિયા નવું ઊભું થયેલું ભારત જોયું. ભારતીય સેનાએ જે વીરતા દર્શાવી છે, સંઘની પ્રાર્થનામાં પણ તેવી જ વીરતાની અપેક્ષા રાખવામાં આવે છે અને આજે સ્વયંસેવકોમાં આવી વીરતા જોવા મળે છે.
સંઘના પ્રારંભની પાછળ હિન્દુત્વના વિચારનું બળ હતું તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ભારતમાં કાળક્રમે હિન્દુ ધર્મ સામે અનેક પડકારો આવ્યા પણ શંકરાચાર્ય, સંત તુલસીદાસ, સ્વામી વિવેકાનંદ જેવા મનિષીઓ હિન્દુ દર્શન (સનાતન ધર્મ)ને સમાજમાં જાગ્રત રાખવા ખડા થયા હતા. આ હિન્દુ દર્શનના વિચાર પ્રવાહને જન જન સુધી લઈ જવામાં 'વિચાર ભારતી' જેવી વિચાર પત્રિકા અને તેના વિશેષાંકોની ભૂમિકાને તેમણે મહત્વની ગણાવી હતી.
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જે પ્રકારની સાચી-ખોટી, લોકોના માનસમાં ભ્રમ પેદા કરતી વાતો ફેલાઈ રહી છે, ત્યારે વિચાર ભારતી જેવી વિચારધારાને વહન કરનારી પત્રિકાને તેમણે સમયની જરૂરિયાત ગણાવી હતી.
આ તકે સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણીએ કહ્યું હતું કે, સંઘ તંત્રમાં ધરાતલ પર કામ કર્યા પછી સમયની જરૂરિયાત મુજબ, વિચાર પ્રવાહને સમાજ સુધી લઈ જવા વિચાર ભારતી, સાધના, પાંચજન્ય, ઓર્ગેનાઈઝર જેવા પત્ર-પત્રિકા શરૂ કરવામાં આવ્યા.
સંઘના સ્થાપક ડૉ. હેડગેવારજીનો વિશેષ પરિચય આપતા તેમણે કહ્યું હતું કે, વર્તમાનમાં ચાલતાં દરેક કર્યો જેમ કે સેવા, ગૌરક્ષા, ધર્મ જાગરણ એમ દરેક ક્ષેત્રમાં ડોકટરજીના વિચાર અને કાર્ય દેખાય છે. દેવલોકમાં જેમ નારદજી આદિ પત્રકાર કહેવાય છે તેમ ડૉક્ટરજીને સંઘના આદિ પ્રચાર પ્રમુખ કહી શકાય. તેમણે કહ્યું હતું કે, સમાજમાં અનેક જગ્યાએ જ્યાં સંઘ કાર્ય શરૂ નહોતું થયું, ત્યાં સંઘનો વિચાર આવી પત્રિકા મારફત પહોંચ્યો હતો અને પછી ત્યાં સંઘ કાર્ય શરૂ થયું હતું. સંઘના શતાબ્દીનો આ સમય વિશેષ છે, ત્યારે સંઘના કાર્યો સહિતની બાબતોને વિશેષાંક દ્વારા લોકો સુધી પહોચાડવાનો આ એક પ્રયાસ છે.
કાર્યક્રમના પ્રારંભે શ્રી કુંજનભાઈ ભંડેરીએ વિચાર ભારતીનો પરિચય આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં આ વિચાર પત્રિકા સન ૧૯૯૨માં શરૂ કરવામાં આવી હતી. વિચાર પ્રવાહ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થતી આ માસિક પત્રિકા રાજ્યના ૧૨,૫૦૦ ગામડા સુધી પ્રિન્ટ તથા ડિજિટલ સ્વરૂપે આશરે ૧૦ લાખ લોકો સુધી પહોંચે છે.
આ અવસરે સંઘના રાજકોટ મહાનગર સંઘચાલક ડૉ. જિતેન્દ્રભાઈ અમલાણી, શ્રી નરેન્દ્રભાઈ દવે પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ, શ્રી ગોવિંદભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી, શ્રી મનીષભાઈ બેચરા પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ, વગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ વિશેષાંકન વિમોચનનો બીજો કાર્યક્રમ સેવા ભારતી ભવન, ૮૦ ફુટ રોડ, અમુલ સર્કલ, રાજકોટ ખાતે યોજાયો. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક મા.શ્રી મુકેશભાઈ મલકાણ, સૌરાષ્ટ્ર પ્રાંત વ્યવસ્થા પ્રમુખ શ્રી નારણભાઈ વેલાણી તથા વિસ્તાર પ્રચાર પ્રમુખ શ્રી મિતેશભાઈ ટંકારીયાના હસ્તે આ વિશેષાંકનું વિમોચન થયું. આ અવસરે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આ બન્ને કાર્યક્રમનું સંચાલન શ્રી અમિતભાઈ જોશીએ કર્યુ હતું.
આ કાર્યક્રમમાં "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ" વિશેષાંક કુલ બે સંપુટમાં પ્રકાશિત થયો. જેના સંપુટ-૧માં સંઘના પ્રારંભ થવાથી લઈ તેના વિચાર, ચિંતન, કાર્યપદ્ધતિ અને સંઘ કાર્યના વ્યાપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે સંપુટ-૨માં સંઘના વૈચારિક ચિંતનથી લઈ સમાજમાં તેના વિવિધ આયામો અને ભૂમિકા ઉપર માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજવાની દિશામાં આ વિશેષાંક સમાજના તમામ લોકોને ખૂબ ઉપયોગી બની રહેશે તેવી મંચસ્થ મહાનુભાવો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી. કાર્યક્રમના અંતમાં વિચાર પ્રવાહ ટ્રસ્ટ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.