
13/09/2025
*ચાડવાની રખાલ : કચ્છની એક અદ્દભુત અને પ્રાકૃતિક પ્રેમીઓને માટે સ્વર્ગ સમાન સાઈટ*
કચ્છનાં સામત્રા નજીક આવેલા જંગલ વિસ્તારને ચાડવાની રખાલ તરીકે ઓળખવામાં આવે છે. કચ્છનાં રાજવી પરિવારે આ અદ્દભુત વિરાસત લોકસમક્ષ ખુલ્લી મુકવા રાજ્ય સરકારશ્રીને સોંપી છે. સરકાર દ્વારા અહી સમગ્ર દેશમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જાવા મળતા કેરેકલ (હેણોતરો)ના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ વિસ્તારને કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર કેન્દ્ર તરીકે સંરક્ષિત કરાશે. ઉપરાંત દિપડા, મગર, ચિંકારા, ઘોર ખોદીયું, શિયાળ સહિત ૨૮ જેટલા સસ્તન, ૨૮ સરિસૃપ અને ૨૪૨ વિહંગ પ્રજાતિ મળી કુલ ૨૯૬ જેટલી પ્રજાતિની પ્રાણીજ વૈવિધ્યતા જાવા મળે છે. એટલું જ નહિ, ૨૪૩ જેટલી પ્રજાતિની વાનસ્પતિક વૈવિધ્યતા પણ આ વિસ્તારમા છે. વન્યજીવ તથા વાનસ્પતિક સંશોધનકારો માટે પોટેન્સીયલ ધરાવતો આ વિસ્તાર ઈકો ટુરિઝમ એક્ટીવીટીની પણ સંભાવના ધરાવે છે.
કચ્છના અંતિમ રાજા મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઇચ્છા અનુસાર અહી ૫૧ શક્તિપીઠ સાથેનું શ્રી મોમાય માતાજીનું મંદિર નિર્માણ પામ્યું છે, જેના કારણે ચાડવાની રખાલ પ્રાકૃતિક વિરાસતની સાથે ધાર્મિક હકારાત્મક ઉર્જાથી વિશેષ બન્યું છે.