05/11/2025
ડૉક્ટરની ડાયરી-લેખક: ડૉ. શરદ ઠાકર
હું અહીં છું એનું જેને ભાન છે,
એ બધા મારા માટે ભગવાન છે..
ત્રણ ભાઈઓમાંથી સહુથી મોટા કંદર્પભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. રોજ ઓફિસેથી છૂટીને ઘરે આવીને પત્નીને પહેલો પ્રશ્ન આ પૂછે, ‘ગૌરવ ક્યાં છે? સ્કૂલમાંથી આવી ગયો? એના રૂમમાં છે? પરીક્ષાની તૈયારી કરે છે?’ પત્ની કામિની વાતનો વિષય બદલવાની કોશિશ કરે, ‘તમે બેસો, પાણી પીઓ, હું ચા બનાવીને લાવું.’ કંદર્પ એનો હાથ પકડીને કહે, ‘ચા પછી મૂકજે, પહેલાં એ કહે કે ગૌરવ શું કરે છે?’
નાછૂટકે કામિની જવાબ આપે, ‘એ તો શાળાએથી છૂટીને સીધો ફિલ્મ જોવા ઉપડી ગયો છે. એના ફ્રેન્ડ્ઝ સાથે પ્રોગ્રામ ઘડી જ રાખ્યો હતો. સવારે તમે ઘરેથી ઓફિસે જવા માટે નીકળ્યા એ પછી એણે મને વાત કરી.’
વચલો ભાઈ ખંજન સિવિલ એન્જિનિયર હતો. એ કન્સ્ટ્રક્શનની સાઈટ પરથી છૂટીને થાક્યો-પાક્યો ઘરે આવે ત્યારે પહેલી પૂછપરછ નાના ભાઈ ગૌરવ વિશે જ કરે. એની પત્ની ખુમારી પણ સાચું બોલવાનું ટાળે. પતિ જીદ કરે એટલે કહી દેવું પડે, ‘ગૌરવ એના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો છે.’ બંને ભાઈઓ ગૌરવ પર ગુસ્સે થઈ જાય, પણ જ્યારે ગૌરવ ઘરે આવે ત્યારે એને ન તો ખખડાવી શકે, ન એને ધોલધપાટ કરી શકે.
કારણ એક જ કે ત્રણેય ભાઈઓના પિતા એકાદ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. મરણપથારી પર પિતાના છેલ્લા શબ્દો આ હતા: ‘કંદર્પ! ખંજન! મેં તમને બંનેને તો ભણાવી-ગણાવીને ‘સેટલ’ કરી દીધા છે. પરણાવી પણ દીધા, પણ ગૌરવનું કામ અધૂરું રહી ગયું. એની જવાબદારી તમને બેયને સોંપતો જાઉં છું. મારું સપનું હતું કે ગૌરવને ડોક્ટર બનાવવો. હું તો હવે ચાલ્યો. તમે બંને એનું...’
બંને ભાઈઓએ આપેલા વચનને લઈને અને પોતાના અંતિમ શ્વાસને છોડીને પિતા ચાલ્યા ગયા. છએક મહિના સુધી તો શોકસંતપ્ત પરિવારમાં શાંતિ રહી, પણ પછી ધીમે ધીમે ઘરમાં અશાંતિ અને અજંપાનાં આંદોલનો પ્રસરવા લાગ્યાં. બંને ભાઈઓ અને ભાભીઓની નજરમાં એ વાત આવી કે નાનો ભાઈ ગૌરવ ભણવામાં ધ્યાન આપતો ન હતો. મિત્રોની સાથે રખડવું, ફિલ્મો જોવી, ક્રિકેટ રમવું, બહાર ચા-નાસ્તા કરવા આ બધું એનો શોખ બની ગયું હતું.
આ બધાંની પાછળ ગૌરવનો સમય અને ઘરના પૈસા બંને વેડફાઈ રહ્યા હતા. કંદર્પ અને ખંજન લાચાર હતા. પિતાની ગેરહાજરીમાં નાના ભાઈને મારવાનું તો વિચારી શકાય જ નહીં. મા તો વર્ષો પહેલાં મૃત્યુ પામી હતી. ભાભીઓ પણ લાડકા દિયરને છાવરતી હતી. એની પાછળનું મુખ્ય કારણ સમાજનો ડર હતો. સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ? પડોશીઓ વાત ફેલાવે કે મા-બાપ વગરના ગૌરવને એના મોટાભાઈઓ માર મારે છે. ગૌરવ બુદ્ધિશાળી હતો, પણ મહેનત કરવામાં એ ભારે આળસુ. ભણવા સિવાયની બધી વાતોમાં એને રસ પડે.
પરિણામ એ આવ્યું કે પિતાની હયાતીમાં જે ગૌરવ નેવું ટકા માર્ક્સ લાવતો હતો એ હવે અઠ્ઠાવન ટકા સુધી નીચે ઉતરી ગયો હતો. બંને ભાઈઓને લાગ્યું કે હવે ગૌરવને સમજાવવાનો સમય પાકી ગયો છે. એમણે ગૌરવને પાસે બેસાડીને દોઢ કલાક સુધી સમજાવ્યો જેનો સાર આવો હતો, ‘ગૌરવ, પપ્પાનું સપનું હતું કે તું ડોક્ટર બને. તારામાં બુદ્ધિ છે, તું ધારે તો મહેનત કરી શકે છે, શાળામાં પ્રથમ નંબર લઈ આવી શકે છે.
તારા મિત્રોની સોબતમાં અવળા રસ્તે ચડીને તું પપ્પાનું સપનું અને તારું ભવિષ્ય બરબાદ કરી રહ્યો છે. મહેરબાની કરીને તું સુધરી જા.’ ગૌરવ ન જ માન્યો. કદાચ એ પણ સમજી ગયો હતો કે ઘરમાં કોઈ એને ઠપકો આપવાનું નથી, ધોલધપાટ કરવાનો તો પ્રશ્ન જ ઊઠતો નથી, ભાભીઓ એને ભૂખ્યો રહેવા દેવાની નથી, એના પોકેટમની પર કાતર ફરવાની નથી. જો એ ડોક્ટર નહીં બને તો પણ શો ફરક પડવાનો છે? બંને મોટાભાઈઓ ખૂબ સારું કમાય છે. એ લોકો નાના ભાઈને ‘સેટલ’ કરી જ દેવાના છે. કંદર્પ અને ખંજન ગહન ચિંતામાં સરી પડ્યા.
એમની નજર સામે નાના ભાઈની કારકિર્દી ખતમ થવા તરફ જઈ રહી હતી અને તેઓ કશું જ કરી શકતા ન હતા. લોકો તો પછી વાત કરવાનાં જ કે બાપના મર્યા પછી બે મોટાભાઈઓએ નાના ભાઈ તરફ ધ્યાન ન આપ્યું એટલે જ ગૌરવ ભણ્યો નહીં, બાકી બાપ જીવતા હતા ત્યાં સુધી એ કેટલા બધા માર્ક્સ લઈ આવતો હતો! પૂરા એક મહિના પછી ફર્સ્ટ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર થયું. ગૌરવ આડત્રીસ ટકે પાસ થયો. હવે પરિવારના સભ્યોની ધીરજની હદ આવી ગઈ. ખંજને એક રસ્તો વિચાર્યો, મોટાભાઈ કંદર્પને જણાવ્યો. કંદર્પ પહેલાં તો ચોંકી ગયો, પછી એ તૈયાર થઈ ગયો.
બીજા દિવસે બંને ભાઈઓ શહેરના જાણીતા વકીલ આર. કે. શાહની ઓફિસમાં જઈ પહોંચ્યા. પિતાના અવસાનથી લઈને ગૌરવના છેલ્લા રિઝલ્ટ સુધીની વિગતવાર ચર્ચા કરી. વકીલે પૂછ્યું, ‘આમાં હું શું કરી શકું? મારા કહેવાથી ગૌરવ થોડો સુધરી જવાનો છે?’ ‘ના, અમે એ માટે તમારી પાસે નથી આવ્યા. અમે તો તમારી પાસે સ્ટેમ્પ પેપર ઉર એક ખાસ પ્રકારની એફિડેવિટ કરાવવા માટે આવ્યા છીએ. અમે...’ કંદર્પે રજૂઆત કરી. વકીલ નવાઈ પામી ગયા. હસી પડ્યા. પછી તૈયાર થઈ ગયા.
સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરવામાં આવ્યું: ‘અમે કંદર્પ નાથાભાઈ જાની અને ખંજન નાથાભાઈ જાની સોગંદનામા ઉપર જાહેર કરીએ છીએ કે અમારા સૌથી નાના ભાઈ ગૌરવ જાનીના ઉચ્ચ શિક્ષણ માટે અમે પૂરેપૂરો ખર્ચ કરવા તૈયાર છીએ, પણ ગૌરવને ભણવામાં રસ નથી. માતા-પિતાની ગેરહાજરીમાં અમે એના પ્રત્યે કડક થઈ શકતા નથી. જો એ પિતાજીનું સપનું સાકાર નહીં કરે તો અમે પાંચ વર્ષ પછી વડીલોપાર્જીત ચલ-અચલ સંપત્તિનો ત્રીજો ભાગ આપીને એને અલગ કરી દઈશું. એ પછી એના માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.’ ભાષા વકીલની હતી, પણ લખાણનો ભાવ આવો હતો.
એફિડેવિટ તૈયાર થઈ ગયા બાદ એની ઝમ્બો ફોટોસ્ટેટ કોપી કઢાવીને, ફ્રેમમાં મઢીને ઘરના ડ્રોઈંગરૂમમાં એક દીવાલ પર લટકાવી દીધી. ઘરે સહજ રીતે મુલાકાતીઓ આવતા રહ્યા અને લખાણ વાંચીને પૂછતા રહ્યા, ‘આવું કેમ કરવું પડ્યું? ભવિષ્યમાં ગૌરવના ભાગે શું આવશે?’ જવાબ: ‘પિતાજીએ તો આખી જિંદગી ભાડાના મકાનમાં કાઢી હતી. આ બંગ્લો અમે બે ભાઈઓએ બનાવ્યો છે. પિતા કુલ છ લાખ રૂપિયા મૂકી ગયા છે. ગૌરવના ભાગે બે લાખ આવશે. મમ્મી પાંચ તોલા સોનાના દાગીના મૂકી ગઈ છે, એમાંથી...’ આ બધું જોઈને, વાંચીને, સાંભળીને ગૌરવ સમજી ગયો કે એનું ભાવિ અંધકારમય બની રહેવાનું છે.
એ દિવસથી એ ચોટલીએ ગાંઠ બાંધીને ભણવા માંડ્યો. બુદ્ધિ તો અપાર હતી જ. રાતોના ઉજાગરા રંગ લાવીને રહ્યા. એ વર્ષની છેલ્લી પરીક્ષામાં ગૌરવ એંશી ટકા માર્ક્સ લઈ આવ્યો. આ ઘટનાને અત્યાર ચાળીસ વર્ષ થઈ ગયાં. તે વખતના એંશી ટકા એટલે આજના પંચાણું ટકા! ગૌરવ માનભેર મેડિકલ કોલેજમાં પ્રવેશ્યો. ડોક્ટર બન્યો. સ્પેશિયાલિસ્ટ બન્યો. પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરી.
મોટો બંગ્લો બનાવ્યો. લગ્ન કર્યાં. ત્રણેય ભાઈઓનો સંયુક્ત પરિવાર એ બંગ્લામાં સહિયારો કિલ્લો કરે છે. એક વાત કરવાની બાકી છે. ડો. ગૌરવ જાનીએ પોતાના બંગ્લામાં પેલા એફિડેવિટની ફોટોફ્રેમ આજે પણ રહેવા દીધી છે, એની એક નકલ પોતાના કન્સલ્ટિંગ રૂમની દીવાલ પર પણ રાખી છે.