28/10/2023
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નિયમિત પ્રાકૃતિક ખેડૂત હાટનો પ્રારંભ
આણંદ નગર તથા આજુબાજુના નાગરિકો માટે એક આનંદના સમાચાર છે કે સરદાર પટેલ યુનિવર્સિટી એ દેશના પ્રતિષ્ઠિત સંસ્થા સૃષ્ટિ ઇનોવેશન ફાઉન્ડેશન સાથે એમઓયુ કર્યું છે. આપ જાણો છો કે સૃષ્ટિ ઇનોવેશન ફાઉન્ડેશન એ પદ્મશ્રી અનિલ ગુપ્તા સાહેબ દ્વારા સ્થાપિત સંસ્થા છે. આ સંસ્થા દેશમાંથી નવા નવા સંશોધનો શોધી તેને યોગ્ય પ્લેટફોર્મ આપવાનું કામ કરે છે. આ સંસ્થા પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પણ ખૂબ મોટું યોગદાન આપે છે. આ સંસ્થા ખેડૂતોની નોંધણી કરી તેમની કૃષિ વિષયક પ્રવૃત્તિઓ બાબતે સતત માર્ગદર્શન આપી તથા નિરીક્ષણ કરી તેઓના પાકો સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જ તૈયાર થયેલ છે તે બાબતનું સર્ટિફિકેશન પણ કરે છે. યુનિવર્સિટી દ્વારા થયેલ એમઓયુ અંતર્ગત હવેથી દર રવિવારે સૃષ્ટિ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા પ્રમાણિત ખેડૂતો પોતાના ફળફળાદી, શાકભાજી, અનાજ ઇત્યાદિ વેચવા માટે યુનિવર્સિટી આવશે અને આ "પ્રાકૃતિક ખેડૂત હાટ" માંથી આણંદ તથા આસપાસના નાગરિકો સીધા જ પ્રાકૃતિક ખેત પેદાશો ખરીદી મોટો સ્વાસ્થ્ય લાભ મેળવશે.
આગામી તારીખ 29-10-2023 ને રવિવાર સાંજે 04.00 કલાક થી આ "પ્રાકૃતિક ખેડૂત હાટ" નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેથી યુનિવર્સિટી દ્વારા ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટી આણંદતથા ખેડા જિલ્લાના નગરજનો, પ્રકૃતિપ્રેમીઓ, ગૃહિણીઓ તથા ચિકિત્સકોને આ ઉદઘાટન સમારંભમાં પધારવા ભાવભીનું આમંત્રણ આપે છે. સરદાર પટેલ યુનિવર્સિટી સૌને વિનંતી કરે છે કે આપ સૌ એકવાર આ "પ્રાકૃતિક ખેડૂત હાટ" ની મુલાકાત લો અને ખરીદી કરો. યુનિવર્સિટી દ્રઢપણે માને છે કે આ કાર્યક્રમથી ન માત્ર ઉપભોક્તાઓને ફાયદો થશે પણ આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરવાનો વ્યાપ પણ વધશે. ભવિષ્યમાં આ વિકસેલ બજાર અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ દોરશે અને ખૂબ મોટું સમાજ ઉપયોગી કાર્ય સાબિત થશે.
આ કાર્યક્રમમાં મુખ્યઅતિથિ શ્રી ડૉ. કે.બી.કથીરિયા, કુલપતિ શ્રી આણંદ એગ્રિકલચરલ યુનિવર્સિટી, આણંદ, સમારંભ ના પ્રમુખ શ્રી પ્રો. નિરંજન પી. પટેલ, કા.કુલપતિશ્રી, સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગર, અતિથિ વિશેષ ડૉ. સી.કે.ટિ„„બડીયા, કુલપતિ શ્રી, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, આણંદ, શ્રીમતી નીપાબેન પટેલ, મંત્રીશ્રી, મહિલા મોરચા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપસ્થિત રહેશે.