17/06/2025
ભાવનગર જિલ્લામાં છેવટ છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમનું જળસ્તર વધતા આજે 17 જૂન 2025ના રોજ બપોરે 1થી 2 વાગ્યાની વચ્ચે એના અમુક ગેટ ખોલવામાં આવશે. હાલની સ્થિતિએ ડેમ 90 ટકા ભરાયો છે. આથી જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પાલિતાણા તાલુકાના 5 અને તળાજાના 12 ગામોના તમામ લોકોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે.
તેમજ સલામત સ્થળે જવા માટે જણાવવામાં આવ્યું છે.
ભાવનગરના કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું છેકે, ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ છે તે 80% ભરાઈ ગયો છે અને આજે એટલે કે 17 તારીખે બપોરે એકથી બે વાગ્યા સુધીમાં સંભાવના છે કે 100% ભરાઈ જશે. તેથી લગભગ એકથી દોઢ વાગ્યે એના ગેટ ખોલવામાં આવશે. તો આ શેતરુંજી ડેમ પાસેના જે નીચાણવાળા જે ગામો છે. એમાં પાલીતાણાના પાંચ ગામો છે અને તળાજા તાલુકાના 12 ગામો છે. એટલે ટોટલ 17 ગામો છે.
તમામ લોકોને મારી વિનંતી છે કે 1 વાગ્યાથી પહેલા પહેલા જો તમે આ ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં હોવ તો તાત્કાલિક ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરિત થવાનું છે. પ્રશાસન વહીવટી તંત્ર પણ તમારો સહયોગ કરશે. અમે લોકો એસડીએમ મામલદાર ટીડીઓ અને તલાટી મારફતે પણ સૂચના મોકલી રહ્યા છે, પરંતુ આ મેસેજ મળતાની સાથે તમે આજે 17 તારીખે 1 વાગ્યાની પહેલા આ જે 17 ગામો છે વિશેષ રૂપે તળાજાના 12 અને પાલીતાણાના પાંચ એમાં તમે જો ઉંચાણવાળા વિસ્તાર છે ગામના ત્યાં જતા રહેજો.
આ ગામોને સાવચેત કરાયા
પાલીતાણાના નાની રાજસ્થળી, લાખાવડ, માયાધાર, લાપાળીયા, મેઢા ગામને સાચવેત કરવામાં આવ્યા છે. આ ગામોનું ડેમથી અંતર 5થી 10 કિ.મી.ની આસપાસ છે. જ્યારે તળાજાના પીંગળી, શેવાળીયા, ભેંગાળી, દાત્રેડ, ટીમાણા, માખણીયા, રોયલ, તળાજા, ગોરખી, લીલીવાવ, રસરા, સરતાનપાર ગામને સતર્ક રહેવા અને લોકોને સલામત સ્થળે ખસી જવા જણાવવામાં આવ્યું છે. આ ગામોનું ડેમથી અંતર 9થી 36 કિ.મી.ની આસપાસ છે.
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો
ભાવનગર જિલ્લામાં ગત 24 કલાકમાં પાલીતાણામાં 12 ઇંચ, શિહોરમાં 11.6 ઇંચ, જેસરમાં 10.7 ઇંચ, ઉમરાળામાં 10.4 ઇંચ, મહુવામાં 9 ઇંચ, વલભીપુરમાં 6.3 ઇંચ, તળાજામાં 6.1 ઇંચ, ગારીયાધારમાં 5.9 ઇંચ, ભાવનગરમાં 3.5 ઇંચ, ઘોઘામાં 2.4 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે 10 વાગ્યા સુધીમાં ઉમરાળામાં 3.7 ઇંચ, વલભીપુરમાં 2 ઇંચ, શિહોરમાં 13 મિ.મી., ગારીયાધારમાં 3 મિ.મી., પાલીતાણામાં 1 મિ.મી. વરસાદ વરસ્યો છે.