07/11/2024
ગરબાડા તાલુકાના કળશિયા ગામના આર્મી જવાનન નું ઝારખંડ ખાતે ફરજ દરમિયાન મોત
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમના વતન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવી
ગરબાડાના ઝરી કળસીયા ગામના રાકેશભાઈ કનુભાઈ માવી કે જેઓ સીઆરપીએફમાં કોબ્રા કમાન્ડો તરીકે ઝારખંડમાં ફરજ બજાવતા હતા. રાકેશભાઈ કનુભાઈ માવી 5 નવેમ્બર 2024 ના રોજ ઝારખંડ ખાતે ફરજ દરમ્યાન શહીદ થતાં આજે તેમના પાર્થિવ દેહ ને સન્માન સાથે તેમના વતન ગરબાડા ખાતે લાવવામાં આવ્યો હતો.
ભારત માતા માટે પ્રાણની આહુતી આપનાર જવાન રાકેશભાઈ કનુભાઈ માવી, ઝારખંડ ખાતે પોતાની ફરજ દરમિયાન શહીદ થતાં તેમના પરિવાર સહિત ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. અને તેમના પાર્થિવ દેહને માદરે વતન ગરબાડા ખાતે લાવ્યા બાદ, ગરબાડાથી તેમના ઘરે ઝરી કળસીયા ખાતે લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન શહીદ જવાન રાકેશભાઈ માવિના માન માં ગરબાડા નગરમાં શહીદ સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અને શહીદ જવાન રાકેશભાઈ માવીને શ્રદ્ધાંજલિ આપી હતી.
શહીદ રાકેશભાઈના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રાકેશભાઈ માવીના પાર્થિવ દેહ સાથે આવેલા સીઆરપીએફના જવાનોએ શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી, ભારત માતા કી જય ના નારા સાથે શહીદ જવાનને સન્માન સાથે અંતિમ વિદાઈ આપી હતી. અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, અને શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.