06/06/2026
યુકે (UK) માંથી એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. ત્યાં ચાલી રહેલી હીટવેવ દરમિયાન પરિવાર સાથે પિકનિક મનાવવા ગયેલા 28 વર્ષના ભારતીય મૂળના ઋષભ પટેલે નદીમાં ડૂબી રહેલા બે અજાણ્યા લોકોનો જીવ બચાવવા માટે પોતાની જિંદગી કુર્બાન કરી દીધી છે. આ બહાદુર પિતાના અંતિમ શ્વાસ સુધીના સંઘર્ષે આખા યુકે અને ભારતમાં વસતા લોકોને હચમચાવી દીધા છે.
મળતી માહિતી મુજબ, 24 મેના રોજ ઋષભ પટેલ પોતાની પત્ની મિલી અને માત્ર 18 મહિનાની દીકરી વ્રુમી સાથે મિલ્ટન કેન્સ નજીક ન્યૂપોર્ટ પેગ્નેલ બીચ પર પિકનિક માણી રહ્યા હતા. આ દરમિયાન તેમણે વાઇલ્ડ સ્વિમિંગ સ્પોટ (ગ્રેટ આઉસ નદી) માં બે લોકોને ડૂબતા અને મદદ માટે તરફડિયા મારતા જોયા. ઋષભે સહેજ પણ વિચાર કર્યા વિના નદીમાં ઝંપલાવ્યું અને તે બંને સ્વિમર્સને સુરક્ષિત બહાર કાઢી તેમનો જીવ બચાવી લીધો.
પરંતુ, ઠંડા પાણીમાં અચાનક કૂદવાને કારણે ઋષભ પટેલને કાર્ડિયાક અરેસ્ટ (હાર્ટ એટેક) આવ્યો હોવાનું મનાય છે, જેના લીધે તેઓ નદીમાં જ બેભાન થઈ ગયા હતા. ઇમરજન્સી સેવાઓએ ઘટનાસ્થળે પહોંચી તેમને એરલિફ્ટ કરીને મિલ્ટન કેન્સ યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોક્ટરોએ સતત 4 દિવસ સુધી તેમનો જીવ બચાવવાના અથાક પ્રયાસો કર્યા, પરંતુ આખરે 28 મેના રોજ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
ઋષભના ભાઈ અમન પટેલે જણાવ્યું કે, "આ પૃથ્વી પર મારા ભાઈનું અંતિમ કાર્ય અસાધારણ હિંમત અને બલિદાનનું હતું. તેણે બીજાના જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો. તે સાચા અર્થમાં હીરો હતો." એટલું જ નહીં, મૃત્યુ બાદ ઋષભના અંગોનું દાન કરવામાં આવ્યું હતું, જેનાથી અન્ય 5 લોકોને નવું જીવન મળ્યું છે.