07/10/2025
વાત 1980 ની છે. શિયાળાની ઠંડીના દિવસો હતા. માન્યવર કાંશીરામ સાહેબ પઠાણકોટ વિસ્તારમાં હતા. આ એ દિવસો હતા જયારે કાંશીરામ સાહેબને બહુ ઓછા લોકો જાણતા હતા.
સાહેબે પોતાની સાથે આવેલા સાથીને પૂછ્યું કે, 'અહીં કોઈ બીજું પણ છે જે આપણા સમાજનું હોય? " ત્યારે સાથે રહેલા એડવોકેટ ધર્મચંદ સરના, જે કાંશીરામ સાહેબને પોતાના એક જુના સ્કૂટર પર બેસાડી લઈને આવ્યા હતા, તેમણે કહ્યું, "હા એક સંત છે.'
કાંશીરામ સાહેબે કહ્યું, : "ચલો ત્યારે, આપણે તેમને જ મળી લઈએ."
ધમચંદ કાંશીરામ સાહેબને લઇ ગુરુ રવિદાસ ચોક નજીક આવેલા 108 જગતગિરી આશ્રમ પહોંચી ગયા. ધર્મચંદે ગાદી પર વિરાજમાન સંત ગુરદીપ ગિરીજીને સાહેબ તરફ ઈશારો કરતા કહ્યું કે, "આમનું નામ કાંશીરામ છે અને તે આપણી સમાજના નેતા છે."
ગુરદીપ ગિરીએ કહ્યું,"પરંતુ મેં પહેલા ક્યારેય આમનું નામ સાંભળ્યું નથી. "
સાહેબે સીધો જ ગુરદીપ ગિરીને સવાલ કર્યો, "તમે શું કરો છો?'
ગુરદીપગિરીએ જવાબ આપ્યો, "હું આ મંદિરનો પૂજારી છું."
સાહેબે તરત બીજો સવાલ કર્યો, "અહીં આપણી સમાજના કેટલા લોકો આવે છે?"
સંતે જવાબ આપ્યો, "ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે આપણી સમાજના લગભગ ચારસો પાંચસો લોકો આવે છે."
કાંશીરામ સાહેબે હવે વાતને પોતાના ઠેકાણે લઇ જતા સવાલ કર્યો, "તો પછી તમે પોતાના સમાજને શું ઉપદેશ આપો છો?"
ગુરદીપ ગિરીએ કહ્યું, "અમે તો આપણા સમાજને બસ ભગવાનની ભક્તિ કરવાનો જ ઉપદેશ આપીએ છીએ."
કાંશીરામ સાહેબ હવે થોડા ગંભીર થઈને કહેવા લાગ્યા, "ભગવાનની ભક્તિની સાથે સાથે સમાજને પોતાની ખુદની તાકાતથી રૂબરૂ કરાવવાનો ઉપદેશ પણ આપતાં રહો. જે ગુલામીની સાંકળો આપણા સમાજના ગળામાં બંધાયેલી છે, તેને ઉતારીને ફેંકી દેવા માટે સમાજને જાગૃત કરો. ગુરુ રવિદાસની સાથે સાથે બાબાસાહેબના મિશન વિશે પણ પોતાના સમાજને જાણકારી આપો."
ગુરદીપ ગિરી કાંશીરામ સાહેબ તરફ જોતાં જ રહી ગયા. એક શબ્દ બોલી શક્યા નહિ. હજારો લોકોને ભક્તિનો ઉપદેશ આપતાં ગુરદીપ ગિરીને આજે સમાજને હુકમરાન બનાવવા મેદાને પડેલા એક માણસે ચૂપ કરાવી દીધા હતા.
કાંશીરામ સાહેબ ઉઠીને જવા લાગ્યા ત્યારે ગુરદીપ ગિરીએ કહ્યું, "તમે જમશો?"
તેના જવાબમાં એડવોકેટ ધર્મચંદે કહ્યું, "ના. સાહેબ ઘરે જઈને જ જમશે."
પરંતુ કાંશીરામ સાહેબે મજાકના અંદાજમાં કહ્યું, "જે મળે એ અહીં જ ખાઈ લે. શું ખબર ઘરે જઈને તારી ઘરવાળી તરફથી ઠપકો જ મળે. અને આપણે લોકો ક્યાં કોઈ કામ કરીએ છીએ. અને ઘરવાળાઓની નજરમાં તો સમાજનું કામ કરવું, એ ક્યાં કોઈ કામ હોય છે."
કાંશીરામ સાહેબના આ શબ્દો ગુરદીપ ગિરીના હૃદય સોંસરવા નીકળી ગયા હતા.
ત્યાર પછી ત્રણ વર્ષ બાદ સંત ગુરદીપ ગિરી 1983માં જમ્મુ કાશ્મીર આવ્યા તો કાશ્મીરમાં દરેક જગ્યાએ કાંશીરામ સાહેબના ફોટાવાળા હોર્ડિંગ જોઈ ચક થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા, "શું આ એ જ કાંશીરામ છે જે અમારા આશ્રમમાં જમીન પર પાથરેલી ચટાઈ પર બેસી બે રોટલી ખાઈને ગયો હતો. ગિરીજીના મનમાં કાંશીરામ સાહેબને મળવાની ઈચ્છાએ તેમને બેચેન કરી નાંખ્યા.
પરંતુ ગિરીજીની આ ઈચ્છા 21 વર્ષ પછી પૂરી થઈ જયારે ઓક્ટોબર 2001માં કાંશીરામ સાહેબ અચાનક પઠાણકોટ સ્થિત આશ્રમ શ્રી જગતગિરીજીમાં શ્રી શ્રી 108 સંત ગુરદીપ ગિરીને જાણ કર્યા વિના મળવા પહોંચ્યા.
Source : मैं कांशीराम बोल रहा हूँ, Page No-253-254
ગુજરાતી અનુવાદ : RK Parmar