12/07/2023
અમો અગરીયા
આઠમ પછી કાદવ ખૂંદી
રણમાં જઈએ ..કૂઈ ગાળીએ ....
મશીન લગાવીએ …નીક કરીએ ..
પાળા બાંધીએ..., પગલી પાડીએ
ગામડા પાટા તૈયાર કરીએ
એક ઝૂંપડું અમારું કરી
અમે રણમાં રહેવા લાગીએ ....અમો અગરીયા
અમો અગરીયા
પાટામાં ઝીપ્ટા નાખીએ.... બીજ બનાવીએ
તેને ખંખેરીએ ....
દિવસ રાત દંતાળા કરીને
ગાંગડા બનાવીએ ..અમો અગરીયા .....
ઠંડી હોય, તાપ હોય...
અમો પાટામાં રોજ ઊતરીએ
અને ગાંગડાને મોટો કરવા
પોતાનેજ ઓગાળી નાખીએ ...અમો અગરીયા .....
ઘૂડખર રણમાં સાથે જ રહે,,,,,
પાણી પીવા ક્યારેક ક્યારેક
અમારા ઝૂંપડાં પાસે આવે
આવે બાપડું....
રણ અમારું સૌનું છે....
ઘૂડખર અમાંરાથી અજાણ નથી. ....
અમો અગરીયા વર્ષો સુધી.....
ક્યારેક તરસ્યા.... ક્યારેક ભૂખ્યા રહેતા ...
અમારા બાળકો મીઠાના જ સપના જોતાં
હવે થોડા સારા દાડા જીવીએ છીએ...
મીઠાની સાથે રેચના પણ ભાવ લઈએ છીએ ....
સોલર પંપથી ખર્ચો સાવ ઓછો થયો
એટ્લે ઘરનાને સુખના રોટલા દઈએ છીએ.
ચાર પૈસા હાથમાં આવ્યા તો
બાળકોને ભણાવીએ છીએ
ઘરનું સમારકામ કરીએ છીએ
અને ટાઇલ્સ પણ લગાવીએ છીએ
સદીઓ પછી સુખ જોયું
તેમાં કોને શું નડયું ?
"હવેથી તમે રણમાં નહીં ..."
કેમ આવું ફરમાન નિકળ્યું ??
કહે છે, કોઈ “લિસ્ટ” બન્યું ,,,,,
જેમાં “કાગળિયા વાળાના” નામ છે....
અને રણમાં દંતાળા કરવાવાળા
આ લિસ્ટ માં ગાયબ છે.
આ લિસ્ટ નક્કી કરશે
અમારો અને રણનો સંબંધ ???
નાળ અમારી રણ સાથે
અમારો નાતો રહેશે અકબંધ
આ વર્ષે પણ આઠમ આવશે
અને અમે ફરી ઉતરીશું રણમાં
કદાચ આ વર્ષે એવું બને કે
આખું રણ ફેરવાય જેલમાં
પણ અમો અગરીયા
ઝાલાવાડ, ઉત્તર ગુજરાત, અને કચ્છ ના
અમો અગરીયા
એક આવાજે રણને પોકારીશું
રણ અમારું.... અમે રણના
આ વાત કહેતા રહીશું .. આ વાત કહેતા રહીશું.