29/09/2026
વડાલીમાં એક્સપ્લોઝિવ સામગ્રી સાથે એક આરોપી ઝડપાયો
મારુતી-800માંથી નાઇટ્રેટ મિક્ચર ટોટા, ડિટોનેટર કેપ અને કોડ વાયર સહિત રૂ.60,373નો મુદ્દામાલ કબજે
સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસે એટીએસ ચાર્ટર અંતર્ગત કામગીરી હાથ ધરી વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધામડી ગામની સીમમાંથી એક્સપ્લોઝિવ સામગ્રી સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની મારુતી-800 કારમાંથી નાઇટ્રેટ મિક્ચર ટોટા, ડિટોનેટર કેપ, કોડ વાયર અને બેટરી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળેલ માહિતી મુજબ એસ.ઓ.જી.ની ટીમ વડાલી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે ધામડી ગામની સીમમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સુમિતસિંહ ચેનસિંહ રાજપૂત, મૂળ રહે. ભીલવાડા, રાજસ્થાન તથા હાલ ઇડર ખાતે રહેતા ઇસમની કબજાની મારુતી-800 કારમાંથી એક્સપ્લોઝિવ સામગ્રી મળી આવી હતી.
પોલીસે નાઇટ્રેટ મિક્ચર ટોટા 14 નંગ, ડિટોનેટર કેપ 75 નંગ, આશરે 75 મીટર કોડ વાયર, બેટરી અને મારુતી-800 કાર સહિત કુલ રૂ.60,373નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે વડાલી પોલીસ સ્ટેશન ખાતે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ કાર્યવાહી કરી આરોપીને વધુ તપાસ માટે વડાલી પોલીસને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ચેનસિંહ રેવતસિંહ રાજપૂત (ચૌહાણ), રહે. ભીલવાડા, હાલ ઇડર, ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.