14/09/2025
ભારતમાં ખેડૂતોની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. વધતું દેવું, ઓછી આવક અને કુદરતી આફતોના કારણે લાખો ખેડૂતોના પરિવારો વિનાશ પામી રહ્યા છે. પરંતુ આ તમામ સમસ્યાઓનો એકમાત્ર ઉપાય છે 'સ્વામીનાથન કમિશન'ની ભલામણોનો સંપૂર્ણ અમલ! આ કમિશન ખેડૂતોના બચાવ માટેનું બ્લુપ્રિન્ટ છે, અને જો તેને લાગુ કરવામાં આવે તો અને તો જ ખેડૂતો બચી શકે છે. સરકારે આ કમિશનને કાગળ પરની વાત ન બનાવવી જોઈએ, જો ખરેખર ભારત સરકાર ખેડૂતોનું હિત ઇચ્છતી હોય તો તેને તરત અમલમાં મૂકવું જ જોઇયે!
સ્વામીનાથન કમિશન, જેને 'રાષ્ટ્રીય ખેડૂત આયોગ' (National Commission on Farmers - NCF) તરીકે પણ ઓળખવામાં
આવે છે, ભારત સરકારે 18 નવેમ્બર 2004માં રચ્યું હતું. તેના અધ્યક્ષ ડૉ. એમ.એસ. સ્વામીનાથન હતા, જે 'લીલી ક્રાંતિ'ના પિતા તરીકે જાણીતા છે. કમિશને ખેડૂતોની આત્મહત્યાઓ અને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓને સમજવા માટે દેશભરમાં અભ્યાસ કર્યા અને 2004થી 2006 સુધી 5 અહેવાલો સોંપ્યા. આ અહેવાલોમાં કુલ 200થી વધુ ભલામણો છે, જે 1,946 પાના જેટલા વ્યાપક છે. આ કમિશનનો મુખ્ય ઉદ્દેશ 'ઝડપી અને સમાવેશી કૃષિ વૃદ્ધિ' હતો, જેથી ખેડૂતોની આવક વધે અને તેઓનું જીવન સુધરે.
ભારતમાં 50%થી વધુ વસ્તી કૃષિ પર આધારિત છે, પરંતુ ખેડૂતોની આવક સરેરાશ 10,000 રૂપિયા માસિક છે – જે શહેરી કર્મચારીઓની તુલનામાં ખૂબ ઓછી છે. સ્વામીનાથન કમિશન અમલમાં આવે તો MSPથી આવક વધશે, દેવું ઘટશે, અને તાલીમથી નવી પેઢી કૃષિ અપનાવશે. આજે આ કમિશન અમલમાં ન આવવાથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને આંદોલનો કરી રહ્યા છે. જો તે અમલમાં આવે તો ખેડૂતોની આવક બમણી થઈ શકે, આત્મહત્યાઓ 50% ઘટી શકે, અને કૃષિ ટકાઉ બની શકે. આ અમલ વિના ખેડૂતો બચી શકે નહીં – તેમનું જીવન દેવું અને તકલીફમાં ખતમ થઈ જશે!
સ્વામીનાથન કમિશનની ભલામણો 2018માં MSPમાં આંશિક અમલમાં આવી, પરંતુ કાયદાકીય અધિકાર નથી. 2020-21ના આંદોલનમાં આ ભલામણો મુખ્ય માંગ હતી. સરકારે આ કમિશનને તરત અમલમાં મૂકવું જ પડશે – નહીં તો ખેડૂતોના આંદોલનો દિન પ્રતિદિન વધસે અને તે વધુ તીવ્ર બનશે અને તેની મોટી અશર દેશની અર્થવ્યવસ્થા પર પડશે. ખેડૂતોના હક માટે આ કમિશન અમલમાં આવે તો જ ભારતના અન્નદાતા બચી શકે!