30/09/2025
શું છે પલ્લીનો ઇતિહાસ? મહાભારતકાળથી રૂપાલ ગામમાં યોજાતા પલ્લી મેળામાં સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે. પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો, દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે સંતાડયા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ આસો સુદ નૌમના દિવસે કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી સાથે માતાજીની સોનાની પલ્લી બનાવી, તેની ઉપર પાંચ કુંડની સ્થાપના કરી હતી અને ગામમાં પલ્લી યાત્રા કાઢી પંચબલી યજ્ઞ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ પરંપરા યથાવત છે અને રૂપાલ ગામે માતા વરદાયિનીના સાનિધ્યમાં અહીં પલ્લી નિકાળવામાં આવે છે. રૂપાલની પલ્લી વિશે અમુક રસપ્રદ વાતો પલ્લીની શરૂઆત વણકર ભાઈઓ દ્વારા થાય છે. પલ્લી બનાવવા માટે વણકર ભાઈઓ પલ્લી બનાવવા માટે ખીજડાનું લાકડું લાવે છે. ત્યારબાદ સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે. વાણંદ ભાઈઓ વરખડાના સોટા પલ્લીને બાંધે છે. કુંભાર ભાઈઓ કુંડા છાન્દે છે અને મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ કુંડામાં કપાસ પુરે છે. જ્યારે પટેલ સમાજના લોકો પલ્લીની પૂજા આરતી કરી કૂંડામાં અગ્નિ પ્રગટાવે છે. પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ચાવડા ભાઈઓ ખુલ્લી તલવારે ઉપસ્થિત રહે છે. તો પંચોલ સમાજના લોકો માતાજીના નિવેદ માટે સવા મણનો ખીચડો તૈયાર કરે છે. ત્યારબાદ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત થાય છે. પલ્લી સમગ્ર યાત્રા દરમિયાન 27 ચકલાઓ આગળ ઉભી રાખવામાં આવે છે, જ્યાં લાખો ભક્તો ઘીનો અભિષેક કરે છે. સમગ્ર ગામમાં ફર્યા બાદ આરતી અને પૂજા અર્ચના બાદ પલ્લી પૂર્ણ થાય છે. આ પલ્લીના દર્શન માટે વિવિધ સ્થળોથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે.