19/01/2025
*ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કપડવંજ તાલુકા શાખાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ*
ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કપડવંજ તાલુકા શાખાની વર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ ની વાર્ષિક સામાન્ય સભા અધ્યક્ષ શ્રી નગીનભાઈ દેસાઈ સાહેબ (મામલતદાર, કપડવંજ ) ના અધ્યક્ષતામાં શાખાના ચેરમેન ર્ડા. હરીશભાઈ કુંડલીયા, વાઈસ ચેરમેન શ્રી પુનિતભાઈ ભટ્ટ, માનદમંત્રી શ્રી શાંતિલાલ પ્રજાપતિની ઉપસ્થિતિમાં રેડક્રોસ સભાગૃહમાં યોજાઈ ગઈ.
સભાની શરૂઆતમાં અવસાન પામેલ સભ્યોના આત્માના કલ્યાણ અર્થે મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારબાદ સભામાં ઉપસ્થિત ન રહેવા બદલ આવેલ સંદેશા નું વાંચન કરી તેની નોંધ લેવામાં આવી.
સભાના અધ્યક્ષ શ્રી નગીનભાઈ દેસાઈ સાહેબે તેમના સંબોધનમાં રેડક્રોસ જે માનવ ઉપયોગી સેવા કાર્યો કરી રહી છે તેનો વિશેષ ઉલ્લેખ કરીને બિરદાવી હતી રેડક્રોસ તેના સાત સિદ્ધાંતો માનવતા, નિષ્પક્ષતા, તટસ્થતા, એકતા, સ્વયંસેવા, સ્વતંત્રતા અને વૈશ્વિકતા લઈને કાર્ય કરતી વિશ્વની સૌથી મોટી સંસ્થા છે અને આ સંસ્થા સાથે કાર્ય કરવું અને તેના સભ્ય હોવું એ આપણા માટે ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું કે રેડ ક્રોસ કોઈ પણ જાતના નાત જાત, પંથ સંપ્રદાય, અમીર ગરીબ ના ભેદભાવ વગર છેવાડાના માનવી સુધી મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતું હોય છે. બ્લડ ડોનેશનની પ્રવૃત્તિમાં પણ રેડક્રોસ ખૂબ જ ઉમદા કામગીરી કરી રહી છે અને તાલુકાના અસંખ્ય દર્દીઓના જીવ આપણે બચાવી શક્યા છીએ. તેમણે સંસ્થાને વહીવટી કામગીરીમાં અને અન્ય જ્યાં પણ તેમની જરૂરિયાત હોય તો તેમાં મદદરૂપ થવા માટેની ખાત્રી આપી હતી.
સભાગૃહમાં ઉપસ્થિત મહેમાનો તથા તમામ ઉપસ્થિત સદસ્યોને શાખાના ચેરમેન ર્ડા.હરીશભાઈ કુંડલીયા દ્વારા આવકારવામાં આવ્યા. તેમણે રેડક્રોસ નો ઇતિહાસ અને શાખાની શરૂઆતથી અત્યાર સુધીની યાત્રાનો ચિતાર રજૂ કર્યો અને શાખા દ્વારા ચાલતી અનેક પ્રવૃત્તિઓની માહિતી રજૂ કરી હતી તેમજ રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન અને સહકારથી તેમના ડ્રિમ પ્રોજેક્ટ જેવા કે ફિઝીયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, જેનરીક મેડીકલ સ્ટોર શરુ કરવા અંગેના એક્શન પ્લાન માહિતી પણ સભાગૃહ સમક્ષ રજૂ કરી. આ તબક્કે શાખાને મદદરૂપ થનાર સૌ આર્થિકદાતાઓને યાદ કરી અને આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આશાવાદ વ્યક્ત કર્યો કે આગામી પ્રોજેક્ટસ પણ ટૂંક સમયમાં આપણી શાખા કાર્યરત કરી શકીશું.
ગત સભાની મિનિટ્સનું વાંચન શાખાના માનદ મંત્રી શ્રી શાંતિલાલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું અને ઓડિટેડ હિસાબો રજૂ કરવામાં આવ્યા જેને સભાગૃહમાં હાજર તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. શાખાની પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ ઓફિસ સેક્રેટરી અને બ્લડબેંકના ક્વાલિટી મેનેજર રાહુલ પરમાર દ્વારા રજૂ કરવામાં આવ્યો. થેલેસેમિયા બાળક દત્તક યોજના, ઓક્સિજન બેંક યોજના, જુનિયર રેડક્રોસ, યુથ રેડ ક્રોસ, ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ ક્લાસીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બ્લડ કમ્પોનન્ટ સેપરેસન યુનિટ જેવી અનેક પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી સભાગૃહ સમક્ષ રજૂ કરી જેને હાજર સૌ સભ્યોએ તાળીઓથી વધાવી લીધી હતી.
આગામી વર્ષ માટે ઓડિટર તરીકે ચાર્ટર એકાઉન્ટન્ટ શ્રી ડોનેલ વાલાણી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી. આગામી ત્રણ વર્ષ માટે નવી કારોબારીમાં ડૉ. હરીશભાઈ એચ. કુંડલીયા, શ્રી પુનિતભાઈ કે. ભટ્ટ, શ્રી મુકુંદભાઈ સી. ત્રિવેદી, શ્રી ગોપાલભાઈ ટી. શાહ, શ્રી જયેશભાઈ સી. પટેલ, શ્રી ભરતભાઈ ડી. પંડ્યા, શ્રી કીર્તનભાઈ કે. પરીખ, શ્રીમતિ નિલાબેન પંડ્યા, શ્રી પંકજભાઈ આઈ. શાહ, શ્રી વિવેકભાઈ કે. પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી.
અંતમાં આભારવિધિ સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી પુનિતભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી અને સભાનું સફળ સંચાલન ઓફીસ સેક્રેટરી રાહુલ પરમારે કર્યું હતું.
નવ નિયુક્ત કારોબારી ની પ્રથમ મિટિંગમાં ચેરમેન તરીકે ર્ડા. હરિશભાઈ કુંડલીયા, વાઇસ ચેરમેન તરીકે પુનિતભાઈ ભટ્ટ અને ટ્રેઝરર તરીકે ગોપાલભાઈ શાહ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.