13/09/2025
*અમારે કોઈનું જોઈતું નથી, પણ અમારું છે એનો તો લાભ લેવા દ્યો!*
*ભારતના બંધારણે અનામતની વ્યવસ્થા એ માટે ઉભી કરી હતી કે સમાજના પછાત વર્ગોને શિક્ષણ, રોજગારી અને સામાજિક ન્યાયમાં સમાન તકો મળે. અનામત એ કોઈ ભિક્ષા નથી, પરંતુ બંધારણીય અધિકાર છે, જે સમાનતાની ભાવના પરથી આપવામાં આવ્યો છે.*
*પરંતુ, વાસ્તવિક જીવનમાં અનામતનો લાભ દરેક વખતે તેને નથી મળતો, જેને તેની સૌથી વધારે જરૂર છે. કારણ કે OBC તરીકે ઓળખાતા કેટલાક સમાજો હવે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે ખૂબ જ આગળ વધી ગયા છે.*
*ઉદાહરણ તરીકે, અમુક વિસ્તારોમાં અમુક સમાજો પાસે આજે મોટા પ્રમાણમાં જમીન છે, વેપાર–ધંધામાં આગળ છે, એક જ ગામમાંથી અનેક યુવાનો સરકારી નોકરીમાં પસંદ થાય છે, વિદેશોમાં પણ વ્યાપાર કરે છે.*
*તેમના સમાજ માટે લાઇબ્રેરીઓ જેવી સવલતો છે. શિક્ષણક્ષેત્રે પણ તેઓ આગળ વધી ગયા છે કે શાળાઓ અને કોલેજોમાં મોટા ભાગના શિક્ષકો પણ અમુક સદ્ધર સમાજમાંથી જ આવે છે, સરકારી કચેરીઓમાં તેમનું પ્રતિનિધિત્વ વધારે છે અને આર્થિક રીતે પણ તેઓ મજબૂત છે તેમજ ઓબીસી અનામતનો લાભ પણ મેળવે છે.*
*બીજી તરફ, એવા નાના સમાજો પણ છે જેમને હજી સુધી એ સ્તરે પહોંચવાની તક જ મળી નથી. તેમના યુવાનોમાં શિક્ષણ લેવાની ઇચ્છા છે, તૈયારી કરવાની ક્ષમતા છે, પણ પૂરતી સવલતો જ નથી. લાઇબ્રેરી, માર્ગદર્શન કે આર્થિક રીતે નબળાં હોવાથી તેઓ ઘણી વખત સ્પર્ધામાં પાછળ રહી જાય છે. પરિણામે, જેમને અનામતની સૌથી વધુ જરૂર છે, તેમને તેનો પૂરતો લાભ જ મળતો નથી.*
*અહીં જણાવી દવ કે આ કોઈ ચોક્કસ સમાજનો વિરોધ નથી. આગળ વધી ગયેલી જ્ઞાતિ પોતાની મહેનત, શિસ્ત અને સવલતોથી સફળતા મેળવી છે તેનું આપણે માન રાખીએ છીએ. પરંતુ હવે પ્રશ્ન એ છે કે જે જ્ઞાતિઓ પહેલેથી જ મજબૂત થઈ ગઈ છે, આર્થિક સામાજિક શિક્ષણિક રીતે તેમને OBC અનામતની જરૂરત જ નથી. જો તેઓ લાભ લેતા જ રહેશે, તો નાના અને ખરેખર પછાત સમાજો માટેની તકો તો સીમિત બની જશે!*
*અનામતનો હેતુ સમાનતા લાવવાનો છે, અસમાનતા વધારવાનો નથી. જ્યારે આગળ વધી ગયેલા જ્ઞાતિઓ ફરીથી એ જ અનામતનો લાભ લે છે, ત્યારે એ અનામત વ્યવસ્થા પોતાના મૂળ હેતુથી ભટકી જાય છે. એથી જ સમય આવી ગયો છે કે સમીક્ષા કરવામાં આવે કે કયા સમાજોને ખરેખર OBC અનામતની જરૂર છે અને કયા સમાજો હવે પોતાના સ્રોતો પર આધારિત રીતે આગળ વધી શકે છે.*
*આવશ્યક છે કે પાછળ રહી ગયેલા સમાજોને વધુ સવલતો, માર્ગદર્શન અને શૈક્ષણિક તકો આપવામાં આવે. કારણ કે સાચી પ્રગતિ એમાં છે કે દરેક સમાજ સમાન રીતે વિકાસ પામે અને કોઈ પણ યુવાન પોતાના સપના ફક્ત સવલતોના અભાવને કારણે અધૂરા ન રાખે.*
*અંતમાં, અમારી માંગણી એટલી જ છે કે અનામતનો હક તેને જ મળે જેને તેની ખરેખર જરૂર છે. આ કોઈના અધિકાર છીનવવાની વાત નથી, પરંતુ પછાત સમાજોના અધિકારને સુરક્ષિત કરવાની વાત છે. Mm*