02/02/2025
*દેશમાં લોકશાહીની આડમાં જાતિશાહીનો વ્યાપ: એક ચિંતાજનક વાસ્તવિકતા*
ખેરાલુ.
ભારતમાં લોકશાહીનું આગમન એ દેશ માટે એક નવો અધ્યાય હતો. જ્યાં દરેક નાગરિકને સમાન અધિકારો અને સ્વતંત્રતા મળી હતી. પરંતુ આજે આ લોકશાહીની આડમાં જાતિવાદનું એક નવું સ્વરૂપ ઉભું થયું છે. રાજકીય પક્ષો હવે મતદારોને જાતિના આધારે જોવા લાગ્યા છે. જાતિગત ગણતરીઓ અને વોટ બેંકની રાજનીતિએ લોકશાહીના આદર્શોને ઝાંખા પાડી દીધા છે.
આપણે એક એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં લોકોને તેમની જાતિના આધારે જોવામાં આવે છે. આ જાતિવાદ રાજકારણમાં ઘૂસીને લોકશાહીના પાયાને હલાવી રહ્યો છે. મતદાન દરમિયાન મતદારોને જાતિના આધારે જોવામાં આવે છે અને તેમને તેમની જાતિના ઉમેદવારને જ મત આપવા માટે દબાણ કરવામાં આવે છે. આનાથી સમાજમાં વિભાજન વધે છે અને લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થાય છે.
જો કોઈ જાતિને જ સત્તા સોંપવાનો અર્થ લોકશાહી હોય તો પછી પૂર્વે જે તે રાજ્યોના રાજાઓની રાજાશાહી શું ખોટી હતી? આ પ્રશ્ન આપણને વિચારવા માટે મજબૂર કરે છે. લોકશાહીનો અર્થ એ છે કે દરેક વ્યક્તિને સમાન અધિકારો હોય અને તેનું પ્રતિનિધિત્વ થાય. પરંતુ જ્યારે રાજકારણમાં જાતિવાદનો પ્રવેશ થાય છે ત્યારે આ સિદ્ધાંતોનું ઉલ્લંઘન થાય છે.
આપણે આપણી લોકશાહીને બચાવવા માટે જાગૃત બનવું પડશે. આપણે જાતિવાદ વિરુદ્ધ લડવું પડશે અને મતદાન કરતી વખતે જાતિને બદલે ઉમેદવારની યોગ્યતાને ધ્યાનમાં રાખવી પડશે. આ સમસ્યા હલ કરવાની સંપૂર્ણ સત્તા દેશની સરકાર પાસે છે. પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે આઝાદી બાદ સત્તામાં આવેલા રાજકીય પક્ષો જ જાતિવાદી અને પરિવારવાદી સમીકરણો ગોઠવીને ટિકિટોની ફાળવણી કરે છે. પક્ષ વિપક્ષ દ્વારા જાતિને પ્રોત્સાહન આપવાની પ્રથા ચુંટણી પંચ માટે પણ પડકાર સમાન છે.
ગત લોકસભા ચુંટણીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં જાગૃત થયેલા મતદારોએ લાંબા સમયથી ચાલતા એકજ જાતિના દબદબાને ઉખાડી ફેંક્યો હતો અને વિપરીત પરિણામ આપ્યું હતું.