07/06/2025
સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી!!
----------------------------
42,000 સેટેલાઇટ તરતા મૂકી મસ્કનો કર લો દુનિયા મુઠ્ઠી મેં પ્લાન!
------------------------------------
એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું ગયું છે. એલોન મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સર્વિસ શરૂ કરવા માગતી હતી. સ્ટારલિંકને ભારતીય ટેલિકોમ મંત્રાલય તરફથી એક મહત્વપૂર્ણ લાઇસન્સ મળ્યું છે. હવે કંપની ઝડપથી તેની સર્વિસ ભારતમાં શરૂ કરી શકશે. સ્ટારલિંક ભારતના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા લાઇસન્સ મેળવનારી ત્રીજી કંપની છે. અગાઉ, વનવેબ અને રિલાયન્સ જિયોને પણ સેટેલાઇટ સેવા શરૂ કરવા માટે લાઇસન્સ આપવામાં આવ્યું છે.
------------------------------------
એલોન મસ્કની કંપની સ્ટારલિંકએ ભારતમાં લાઇસન્સ માટે વર્ષોથી અરજી કરી હતી. કંપનીએ આ માટે 2021માં તો પ્રી-બુકિંગ પણ શરૂ કરી દીધું હતું, પરંતુ નવેમ્બર 2021માં DoTએ સ્ટારલિંકને ભારતમાં કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી, એવું કહીને કે કંપનીએ તમામ જરૂરી લાયસન્સ લેવા પડશે. આ પછી કંપનીએ યુઝર્સને પૈસા પરત કરવા પડ્યા હતા. એલોન મસ્કની કંપની સ્પેસએક્સે ભારતમાં સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ સેવા આપવા માટે ગ્લોબલ મોબાઈલ પર્સનલ કોમ્યુનિકેશન બાય સેટેલાઇટ લાઇસન્સ માગ્યું હતું. ભારતમાં GMPCS લાઇસન્સ માટે અરજી કરનાર સ્ટારલિંક ત્રીજી કંપની છે. એવું કહેવાય છે કે, ભારતના સ્પેસ ઇન્ટરનેટ સેગમેન્ટમાં સ્ટાલિંકના આગમન પછી એરટેલ, જિયો અને એમેઝોન સામે સખત સ્પર્ધા ઊભી થવાની છે. એવું કહેવાય છે કે, DoTએ સ્ટારલિંકને ભારતીય વપરાશકર્તાઓને $99ની પ્રી-બુકિંગ રકમ પરત કરવાનો આદેશ પણ આપ્યો હતો. 1 ડિસેમ્બર, 2021 સુધીમાં સ્ટારલિંકે તમામ વપરાશકર્તાઓને રિફંડ કરીને પ્રી-બુકિંગ બંધ કરી દીધા હતા.
GMPCS લાયસન્સ સિવાય ભારતમાં સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરવા માટે અન્ય ઘણી પરવાનગીઓ પણ જરૂરી હોય છે. સ્ટારલિંકને તેની સેવા પૂરી પાડવા માટે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને સ્પેક્ટ્રમની મંજૂરી પણ લેવી પડે છે. સ્ટારલિંક પાસે વિશ્વનું સૌથી મોટું સ્પેસ બ્રોડબેન્ડ કોન્સ્ટલેશન છે, જેમાં 3,451 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાંથી 2,700થી વધુ ઉપગ્રહો હાલમાં કાર્યરત છે. હજુ કંપની 12,000 સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. બીજી તરફ, ભારતમાં સ્ટારલિંકને ફાઇટ આપી શકે એવું સક્ષમ નેટવર્ક એરટેલ પાસે છે. કવરેજની ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વિકસિત સેટેલાઇટ કોન્સ્ટલેશન એરટેલ ધરાવે છે. આકાશ અંબાણીની આગેવાની હેઠળના જિયોએ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે વૈશ્વિક સેટેલાઇટ બ્રોડબેન્ડ પ્રદાતા એસઇએસ સાથે હાથ મિલાવ્યા છે.
ઉપગ્રહો પૃથ્વીના કોઈપણ ભાગમાંથી ઇન્ટરનેટ કવરેજને શક્ય બનાવે છે. સેટેલાઇટ નેટવર્ક વપરાશકર્તાઓને હાઇ-સ્પીડ, લો-લેટન્સી ઇન્ટરનેટ કવરેજ પ્રદાન કરે છે. લેટન્સીનો મતલબ, ડેટાને એક બિંદુથી બીજા સ્થાને ટ્રાન્સમિટ કરવામાં જે સમય લાગે છે તેને કહેવાય છે. એલોન મસ્કની આ યોજના ભારતમાં ઈન્ટરનેટ ઉપરાંત કમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રીને બદલવાની પૂરી તાકાત ધરાવે છે! એ કેવી રીતે એ પણ જાણીએ. સ્ટારલિંક એ અમેરિકન એરોસ્પેસ કંપની સ્પેસએક્સ દ્વારા સંચાલિત ઉપગ્રહ ઈન્ટરનેટ સમૂહ છે, જે 56થી વધુ દેશોને સેટેલાઇટ ઈન્ટરનેટ એક્સેસ કવરેજ પ્રદાન કરે છે. મસ્કની આ કંપની 2023 પછી વૈશ્વિક મોબાઇલ ફોન સેવા ઉપલબ્ધ કરાવવાનું પણ લક્ષ્ય રાખે છે. મજાની વાત એ છે કે, સ્ટારલિંક માટે અવકાશમાં સેટેલાઇટ લોન્ચ કરવાની જવાબદારી પણ મસ્કની જ બીજી એક કંપની સ્પેસએકસે ઉપાડી હતી. 2019માં સ્ટારલિંક માટે ઉપગ્રહો લોન્ચ કરવાનું શરૂ કર્યું હતું. મે 2023 સુધીમાં સ્ટારલિંકમાં લો અર્થ ઓર્બિટમાં 4,000થી વધુ નાના ઉપગ્રહો ઓલરેડી અવકાશમાં પહોંચી ગયા છે. કુલ મળીને લગભગ 12,000 સેટેલાઇટ અવકાશમાં તૈનાત કરવાની મસ્કની કંપનીની યોજના છે! અલબત્ત, આ યોજના હાલ પૂરતી છે, મસ્ક અવકાશમાં 42,000 સેટેલાઇટ તરતા મુકવાની યોજના ધરાવે છે! એવું સમજો કે આખી દુનિયાને પોતાના કબજામાં કરવા માગે છે. સ્પેસએક્સે ડિસેમ્બર 2022માં 1 મિલિયનથી વધુ ગ્રાહકો સુધી પહોંચવાની યોજના જાહેર કરી હતી, મે 2023 સુધીમાં 1.5 મિલિયન ગ્રાહકો મેળવી લીધા છે!
સ્પેસએક્સ દ્વારા મે 2018માં જે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો એ મુજબ, આ પ્રોજેક્ટનો અંદાજ ઓછામાં ઓછો 10 બિલિયન યુએસ ડોલરનો હતો. સ્પેસએક્સ તેના સેટેલાઇટ કાફલામાંથી 2025 સુધીમાં 30 બિલિયન ડોલરથી વધુ આવકની અપેક્ષા રાખે છે! સ્ટારલિંકનું લોન્ચિંગ હજુ તો 8 વર્ષ પહેલા જ જાન્યુઆરી 2015માં કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ વખતે મસ્કે એવું કહ્યું હતું કે ઓછી કિંમતની બ્રોડબેન્ડ સેવાઓ માટે વિશ્વભરમાં ખુબ મોટી માગ છે અને તેની કંપની સ્ટારલિંક તમામ સ્થાનિક જરૂરિયાતના કોમ્યુનિકેશન ટ્રાફિકના 50% અને શહેરોના ઈન્ટરનેટ ટ્રાફિકના 10% પર કબજો કરવા માગે છે.
30,000 ચોરસ ફૂટ ભાડાપટ્ટે લીધેલી જગ્યામાં 60 એન્જિનિયરો સાથે આ કંપની મસ્કે શરૂ કરી હતી. ઓગસ્ટ 2018માં થોડો વિસ્તાર કરીને સ્પેસએક્સે પોતાનો આર એન્ડ ડી વિભાગ ઉભો કર્યો અને સેટેલાઇટ ઉત્પાદનને ટેકો આપવા માટે કોર્પોરેટ સેન્ટર ખાતે ત્રણ બિલ્ડીંગની મોટી સુવિધા ઉભી કરી હતી. આ બધું સૌપ્રથમ અમેરિકાના સિએટલ વિસ્તારથી શરૂ થઈ હતું. જુલાઇ 2016માં સ્પેસએકસએ કેલિફોર્નિયામાં વધારાની 8,000 ચોરસ ફૂટ જગ્યા હસ્તગત કરી હતી. આ ઓફિસ સેટેલાઇટ પ્રોગ્રામ માટે સિગ્નલ પ્રોસેસિંગથી લઈને વિવિધ ડેવલપમેન્ટના તબક્કામાં સામેલ છે. ધીમે ધીમે સ્ટારલિંક માટે સ્પેસએક્સનસ એક, બે નહીં હજારો સેટેલાઇટ અવકાશમાં છોડવાની કામગીરી મળી હતી.
જોકે, આ રીતે હજારો સેટેલાઇટ અવકાશમાં છોડવાની એલોન મસ્કની કંપનીની યોજના સામે અમેરિકા સહિત અલગ અલગ દેશના સાયન્ટિસ્ટ અને એન્વાયર્મેન્ટલિસ્ટ વિરોધ કર્યો હતો. તેઓનું કહેવું છે કે, સ્ટારલિંક દ્વારા કાર્યરત હજારો ઉપગ્રહો ભ્રમણકક્ષામાં તરત મૂકવામાં આવશે તો લાંબા ગાળે અવકાશના કાટમાળનો ખતરો પૃથ્વી પર પેદા થઈ શકે છે. ઉપરાંત સેટેલાઇટ અથડામણનું જોખમ પણ ઊભું થઈ શકે છે, જે સંભવિતપણે કેસલર સિન્ડ્રોમ તરીકે ઓળખાતી ઘટનાને ઉત્તેજિત કરી શકે છે. જોકે, બચાવમાં સ્પેસએક્સે જણાવ્યું હતું કે મોટાભાગના ઉપગ્રહો નીચી ઉંચાઈએ લોંચ કરવામાં આવે છે, અને કામ નહીં કરતા ઉપગ્રહોને પાંચ વર્ષ પછી પરત પૃથ્વી પર તેઓ ઉતારી લેવાની ક્ષમતા ધરાવે છે.
અગાઉ ચીની અધિકારીઓએ સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેમના સ્પેસ સ્ટેશને તે વર્ષે સ્ટારલિંક ઉપગ્રહોને ટાળવા માટે ઘણા દાવપેચ કરવા પડ્યા હતા. ચાઇનીઝ પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સ્ટારલિંક ઉપગ્રહોએ તેમના ઉપગ્રહો સાથે અથડામણનું જોખમ ઊભું કર્યું હતું. જુલાઈ અને ઓક્ટોબરમાં તેમના ઉપગ્રહો સાથેની બે અથડામણ થતાં રહી ગઈ હતી. ચાઇનીઝ ટિઆંગોંગ સ્પેસ સ્ટેશન પર સવાર અવકાશયાત્રીઓના જીવન અને આરોગ્ય માટે જોખમ પણ ઊભું કર્યું હતું. અલબત્ત, આવા અનેક વિવાદો વચ્ચે એલોન મસ્ક અવકાશમાં હજારો સેટેલાઇટ તરત મૂકીને દુનિયાના કમ્યુનિકેશન પર કબજો કરવાની પૂરી તૈયારી કરી લીધી છે.