21/07/2026
સિંગાપોર / સુરત:
કોઈ હોલિવૂડ થ્રિલર ફિલ્મને પણ ટક્કર મારે તેવી લૂંટની યોજના! સુરતના શાતિર ભેજાબાજોએ સિંગાપોરના બજારમાં ૧.૪૯ કરોડ રૂપિયા (SGD ૨૦૦,૦૦૦) નો આસમાની કિંમત ધરાવતો ૪.૯૫ કેરેટનો હીરો ચોરવા માટે જે ખેલ રચ્યો, તેણે એશિયાના સલામતી દળોના પણ હોશ ઉડાવી દીધા હતા. જોકે, આ શાતિર કાવતરું ચંગી એરપોર્ટના ઇમિગ્રેશન કાઉન્ટર પર આવીને ધૂળધાણી થઈ ગયું.
સુરતથી સિંગાપોર: સનસનાટીભર્યો માસ્ટરપ્લાન
તપાસમાં સામે આવેલા વિગતો મુજબ, ૪૧ વર્ષીય મનોજકુમાર કુર્જીભાઈ માંગરોળિયા અને તેના ૩૦ વર્ષીય સાગરીત મિલન રમણિકભાઈ સરસિયાએ ભારતમાંથી જ આ સનસનાટીભર્યા કાંડનું પ્લાનિંગ કર્યું હતું. તેઓએ સુરતમાં જ કિંમતી હીરાની આબેહૂબ નકલ અને તેનો સીરિયલ નંબર પણ ડુપ્લિકેટ કોતરાવીને એક નકલી હીરો તૈયાર કરાવ્યો હતો.
વિઝિટ વિઝા પર સિંગાપોર પહોંચેલા આ બંને ભેજાબાજો ૧૯ જૂને ચાઇનાટાઉનના જાણીતા 'ડાયનોચે' (Dianoche) જ્વેલરી સ્ટોરમાં ગ્રાહક બનીને ઘૂસ્યા હતા.
મોંમાં અસલી હીરો છુપાવ્યો, CCTVમાં ભાંડો ફૂટ્યો!
શોરૂમમાં મનોજકુમારે સેલ્સ મેનેજરને વાતોના વડામાં રમાડીને ધ્યાન ભટકાવ્યું, જ્યારે સાગરીત મિલને સેકન્ડોના ભાગમાં અસલી હીરો ગાયબ કરી તેની જગ્યાએ સુરતથી લાવેલો નકલી હીરો ગોઠવી દીદો! એટલું જ નહીં, પકડાઈ જવાના ડરથી તેણે ૧.૫ કરોડનો અસલી ડાયમંડ પોતાના મોંમાં છુપાવી દીધો હતો.
પરંતુ, ચાલાક સેલ્સ મેનેજરે જ્વેલરી ટેસ્ટિંગ મશીન વડે હીરાની તપાસ કરતા જ બધો ખેલ ખુલ્લો પડી ગયો.
એરપોર્ટ પર નાટકીય ધરપકડ અને જેલવાસ
ચોરી છતી થતાં જ બંને આરોપીઓએ હોટેલમાંથી તાબડતોબ ચેક-આઉટ કરી ભારત ભાગી જવાની ફ્લાઇટ પકડી હતી. પરંતુ સિંગાપોર પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીએ ફિલ્મી ઢબે ચંગી એરપોર્ટના ટર્મિનલ-૩ પરથી બંનેને ઇમિગ્રેશન ક્લિયરન્સ વખતે જ ઝડપી લીધા. સાગરીતની બેગમાંથી અસલી હીરો જપ્ત કરવામાં આવ્યો હતો.
૧૭ જુલાઈના રોજ સિંગાપોરની અદાલતે મુખ્ય ગુનેગાર મનોજકુમાર માંગરોળિયાને વાંક સ્વીકાર્યા બાદ ૨ વર્ષ, ૨ મહિના અને ૨ અઠવાડિયાની કડક જેલની સજા સંભળાવી છે, જ્યારે બીજા આરોપી સામેનો કેસ અદાલતમાં ચાલુ છે.
🤍✨️