08/08/2025
**સાવરકુંડલા જેસર રોડ ફાટક બંધ રહેવાથી નાગરિકોમાં હેરાનગતિ**
સાવરકુંડલા, તા. 08-08-2025: સાવરકુંડલાના જેસર રોડ ખાતે આવેલા રેલવે ફાટક છેલ્લા બે દિવસથી બપોરે 1:45 થી 2:45 સુધી લગભગ એક કલાક સુધી બંધ રહેતા નાગરિકોમાં હેરાનગતિનો માહોલ જોવા મળ્યો છે. આ દરમિયાન ફાટક બંધ રહેવાને કારણે રોડ પર ગાડીઓની લાંબી લાઈનો લાગી હતી, જેના લીધે વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ, ખેડૂતો અને મહિલાઓ સહિત તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મહુવા રોડ ખાતે પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી, જેસર રોડ પર વાહનોની અવરજવરમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં, રેલવે દ્વારા નવા પાટા નાખવાની કામગીરી માટે ફાટક બંધ કરવામાં આવે છે, એવું જાણવા મળ્યું છે. જોકે, આ કામગીરી હજુ કેટલા દિવસ ચાલશે તે અંગે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, આવી કામગીરી રાત્રિના સમયે, જ્યારે ટ્રાફિક નહિવત હોય, ત્યારે કરવામાં આવે તો લોકોની હેરાનગતિ ઘટી શકે છે. નાગરિકો રેલવે તંત્રને આ અંગે યોગ્ય આયોજન કરી, ટ્રાફિકની અસુવિધા ઘટાડવા માટે વિનંતી કરી રહ્યા છે.