24/06/2024
5 લાખની ઠગાઈ આચરનાર કાપડ દલાલ મો.એઝાઝ મેમણ, મો.ફેઝલ ચાંદીવાલા તથા એઝાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ઝડપાયા
સુરતમાં વેપારીઓ પાસેથી કાજુ-બદામ મેળવીને પૈસા નહીં આપી ઠગાઈ કરનાર ત્રણ કાપડ દલાલોને 5.02 લાખના મુદ્દામાલ સાથે રાંદેર પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ શહેરના વેપારીઓ પાસેથી છળ-કપટથી કાજુ, બદામ, લાકડાની પ્લાઈ, કાપડના રોલ અને તેલનો મુદ્દામાલ મેળવી લેતા હતા.
રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે રાણીતળાવ ખાતે રહેતા મોહંમદ એઝાઝ ગુલામભાઈ મેમણ તથા મોહમદ ફેઝલ મોહમદ હબીબ ચાંદીવાલા મોપેડ નંબર (જીજે-05- એસક્યુ-6497)ની તથા એક બર્ગમેન મોપેડ (જીજે-05-એફટી-8269)ની લઈને ચોરી તથા ચિટિંગ કરીને મેળવેલી બદામની પ્લાસ્ટિકની પેટીઓ લઈ વેચાણ કરવા મશાલ સર્કલ ખાતે આવી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેના આધારે પોલીસે ત્રણ આરોપી- કાપડ દલાલ મોહંમદ એઝાઝ ગુલામ મોહંમદ મેમણ (ઉં.વ.31), મોહંમદ ફેઝલ મોહંમદ હબીબ ચાંદીવાલા (ઉં.વ.32) અને એઝાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર (ઉં.વ.35)ની ધરપકડ કરી હતી.
આરોપીઓ પાસેથી 43 હજારના કાજુ-બદામના 4 ડબ્બા અને એક ગુણ, 21 હજારની તલની 30 કિલોની 5 ગુણ, 1.08 લાખની લાયક્રા કાપડના 19 રોલ, 24 હજારના કોરા કોટનની ફુલની ડિઝાઈનવાળા કાપડના 7 બંડલ, પ્લાસ્ટીકના પાઉચ, અલગ-અલગ કલરના દુપટ્ટા, બે મોપેડ, મોબાઈલ મળીને કુલ 5.02 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ લોકો ડ્રાયફૂટના વેપારીઓને પેમેન્ટ નહીં આપી ઠગાઈ કરતાં હતા.
એસીપી બી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કામના આરોપીઓ સુરત શહેર વિસ્તારના અલગ-અલગ કાપડ, લાકડાની પ્લાય, તલ તથા કાજુ બદામની ચીજ વસ્તુઓના વેપારીઓની દુકાને જઇ માલ ખરીદવા ઓર્ડર આપી તેઓ જણાવેલ જગ્યાએ ઓર્ડર મેળવી લઈ પેમેંટ માટે વેપારીઓને બીજી જગ્યાએ બોલાવી ત્યાંથી પેમેંટ આપ્યા વગર નાશી જવાની એમ. ઓ. ધરાવે છે. હાલ મુદ્દામાલ અંગે ફરિયાદીની તપાસ ચાલુ છે.