26/10/2022
મેં મંદિરમાં જઈને દૂધ ચડાવ્યા પછી કુદરત સાથે લડતો લાચાર માણસ જોયો છે, એસી ઑફિસમાં ઠંડક મેળવીને અહમની ગરમીની વરાળ વેંચતા વ્હાલાઓ જોયા છે, સારા પતિ પત્ની ન બની શકેલ બે વ્યક્તિઓ સારા માબાપ બની રહેશે એવી માન્યતા ધરાવતો સમાજ જોયો છે, એમ્બ્યુલન્સ પસાર થતી હોય એની આગળ નીકળી જવા ઉતાવળા થતાં મોંઘીદાટ ગાડીઓના માલિક જોયા છે, બારીમાં આવીને બેસેલા કબૂતરને મધરાતે ઉડાડી મૂકતી માનુનીઓને સવારે ઉંબર પર કંકુ પગલાં કરતાં જોઈ છે, દરરોજ ઓછામાં ઓછાં એક વૃદ્ધાશ્રમના ઉદ્દઘાટન પ્રસંગની મૂંગી ચીસો જોઈ છે, દીકરીની તો અર્થી સાસરેથી જ ઉઠે એવું કહેતાં બાપની દીકરીઓને સાસરામાં જીવતાં રાખ થતી જોઈ છે, મેં માબાપ કે પત્નીની આશાઓના ભાર નીચે દબાયેલા દીકરાની જીવંત લાશ જોઈ છે, શરીર પાછળ ભાગતા મન અને એ જ મન આગળ લાચાર બનીને ધનની વૃદ્ધિ માટે વલખાં મારતાં મનુષ્યોના ખોખલા થયેલાં તન જોયા છે, મારું બધું મારું ને તારું પણ બધું જ મારું કહેતાં પતિ/પત્ની જોયા છે, અફાટ સમુદ્ર સામે બેસીને વ્હાલનો એક પ્યાલો જળ માટે તરસતા એકાંત હૈયાને જોયા છે. કોણ કહે છે નર્ક જેવું કંઈ હોતું નથી?!!!
મેં એક પિતાને એનાં દીકરાના શર્ટના બટન સાંધવા માટે સોય દોરો લેતાં જોયા છે, ફૂટપાથ પર દોડાદોડી કરી રહેલાં બાળકના હોંઠો પરથી આંખો સુધી પહોંચેલા સ્મિતને અનુભવ્યું છે, વિદેશમાં વસતાં મિત્રોના હૈયે દેશ માટેનો અગાઢ અને અફાટ પ્રેમ જોયો છે, ધર્મના ભાગલાં પાડયા વગર માણસાઈ વડે જોડાયેલા સંબંધોની ધાર જોઈ છે, પેન્સિલ વડે ચિતરાયેલા ચિત્રના આયુષ્યની અમરત્વ પામેલી કથા જોઈ છે, એંસી વર્ષના દાદીને બાળક બનતાં અને બાર વર્ષની બાળાને જવાબદારી સાથે મમતા આપતાં જોઈ છે, બસની મુસાફરીમાં અજાણ્યાં પુરુષની સાથે હસતા રમતા વાતો કરતી સ્ત્રીના મુખ પર શરમ અને ડરની ગેરહાજરી જોઈ છે, મેં પ્રિયજનના હાથનો કોળિયો ગળે ઉતારતી પ્રિયતમાના ગાલોમાં પડતી લાલાશ જોઈ છે, તેરા સબ મેરા રબ માનીને જીવતાં પ્રેમી જોયાં છે, એક જ ઓરડીમાં રહેતાં પરિવારના ચૂલે રંધાયેલા રોટલાને સીમા ઓળંગીને ગામેગામ પહોંચતા જોયા છે, એક ગાયના વાછરડાંની આ દુનિયામાં પ્રવેશની વેળાએ ગરમ સુખડી ખવડાવતી મહિલાને જોઈ છે, મેં માળિયા પરથી મળી આવેલાં જૂનાં પુસ્તકો, જૂની કેસેટ્સ, ત્રીજા ધોરણની ચિત્રકળાની બૂક અને રંગો, પત્રો જોયા છે. તમે નહિ જોયું હોય પણ મેં તો સ્વર્ગ જોયું છે!!!
🖤