26/07/2025
*માણસાઈના પાઠ એક જાનવર પાસેથી કઈ રીતે શીખવા મળે?*
✒લેખક: *ડૉ. નિમિત્ત ઓઝા*
તમે ક્યારેય હૉસ્પિટલની અંદર ઘોડો જોયો છે? જે રીતે દરદીઓ તપાસવા માટે એક ડૉક્ટર રાઉન્ડ પર નીકળે એમ દરદીઓને રાહત આપવા માટે એક ઘોડો તેમની મુલાકાત લે એવી ક્યારેય કલ્પના કરી છે? નહીંને? તો આવો આજે તમારી મુલાકાત એક ઘોડાનું સ્વરૂપ ધારણ કરીને ફરતી વૈશ્વિક ચેતના સાથે કરાવું. એ ઘોડાનું નામ છે ડૉક્ટર પેયો. ના ભાઈ ના, એની પાસે કંઈ MBBSની ડિગ્રી નથી. એ તો એના ગુણધર્મો, લાક્ષણિકતાઓ અને કર્મોના કારણે ‘ડૉક્ટર’ તરીકે ઓળખાય છે.
ફ્રાન્સની એક હૉસ્પિટલમાં આ ઘોડો દર અઠવાડિયે રાઉન્ડ પર નીકળે છે. કૉરિડોરમાંથી પસાર થતી વખતે જે રૂમની અંદર એણે પ્રવેશવું હોય એ રૂમના દરવાજા પાસે જઈને એ ઘોડો ઊભો રહી જાય છે. પોતાનો એક પગ ઊંચો કરીને એના ટ્રેઇનરને ઇશારો કરે છે કે મારે આ રૂમમાં રહેલા દરદીની મુલાકાત લેવી છે. એ ટ્રેઇનર ડૉક્ટર પેયોને રૂમની અંદર લઈ જાય છે અને દરદીની સાથે મુલાકાત કરાવે છે. જો તમે ફક્ત આટલી ઘટનાને ચમત્કાર માનતા હો તો તમને હજી ઘણાય ઝટકા લાગશે. લેટ મી ટેલ યુ, ચમત્કાર તો હવે આવે છે.
ડૉક્ટર પેયો ફક્ત એવા જ દરદીઓની મુલાકાત લે છે જેઓ કૅન્સરના છેલ્લા સ્ટેજમાં હોય અથવા તો મૃત્યુ પામી રહ્યા હોય. રૂમના બંધ દરવાજાની બહારથી પસાર થતી વખતે એ ઘોડાને આપોઆપ ખ્યાલ આવી જાય છે કે કયો દરદી મૃત્યુ પામી રહ્યો છે અને કોને મારી જરૂર છે! એ ઘોડાની ઉંમર ૧૫ વર્ષ છે અને કૅન્સરથી પીડાતા દરદીઓને શોધીને તેમને રાહત આપવામાં આ ઘોડો ‘સ્પેશ્યલિસ્ટ’ છે, પણ કૅન્સરથી પીડાતા કે મૃત્યુ પામી રહેલા દરદીઓને એક ઘોડો કઈ રીતે રાહત આપી શકે? આ લેખ પૂરો થાય સુધીમાં તમને એ સવાલનો જવાબ પણ મળી જશે અને જ્યારે એ હકીકત સમજાશે ત્યારે તમારી અંદર પણ એવી જ વીજળીઓ થશે જેવી ડૉક્ટર પેયો વિશે જાણ્યા પછી મારી અંદર થયેલી.
એવું તો શું કરે છે આ ઘોડો? દરદીઓની પાસે જઈને આ ઘોડો એવો તે કયો જાદુ કરે છે કે તેમના પેઇનકિલર્સનો ડોઝ ઓછો થઈ જાય છે, તેમનું ડિપ્રેશન દૂર થઈ જાય છે, તેમના ચહેરા પર શાંતિ અને નિરાંત દેખાવા લાગે છે. માય ડિયર ફ્રેન્ડ, આ ઘોડો એવું કશુંક કરે છે જે કળા દરેક મનુષ્યએ એની પાસેથી શીખવી પડશે અને એ કળા છે હાજર રહેવાની - આર્ટ ઑફ બીઇંગ પ્રેઝન્ટ. દરદી પાસે પહોંચ્યા પછી એ ઘોડો બીજું કશું જ નથી કરતો. એ દરદીની આંખોમાં આંખો નાખીને ત્યાં ઊભો રહે છે.
બીજે ક્યાંય આસપાસ નજર ફેરવ્યા વગર, આંખનું મટકુંય માર્યા વગર એ ઘોડો શાંતિથી પેલા દરદી પાસે ઊભો રહે છે જાણે પોતાની આંખોથી કહી રહ્યો હોય કે ‘હું છુંને તમારી સાથે’. એક નવાઈની વાત કહું? આ ઘોડો સામે આવતાં જ દરેક દરદી ઘોડાને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગે છે. માથું નમાવીને અને વહાલથી તેમને ચાટીને ઘોડો પોતાનો પ્રેમ બતાવે છે. એ ઘોડાની આંખોમાં દરદીઓને કેટલાય સીક્રેટ સંદેશાઓ વંચાય છે. બે-ત્રણ કલાક સુધી એ ઘોડો ત્યાં ઊભો રહે છે, જાણે દરદીની અંતિમયાત્રા વખતે તેમને ‘બોન—વૉયેજ’ કહેવા આવ્યો હોય. મન ભરીને રડી લીધા પછી દરદીઓ હળવાશ અનુભવે છે. તેમના ચહેરા પર સ્માઇલ હોય છે. તેઓ ઘોડાને ખૂબ વહાલ કરે છે. પછી ઘોડો વિદાય લે છે અને આવા જ કોઈ અન્ય દરદીની રૂમ પાસે જઈને ઊભો રહે છે એટલું જ નહીં, કોઈ દરદી મૃત્યુ પામે તો તેની અંતિમયાત્રામાં પણ ઘોડો હાજરી આપે છે.
વિશ્વભરના વૈજ્ઞાનિકો અને તબીબોને ફક્ત એક જ કારણથી ડૉક્ટર પેયોમાં રસ પડી રહ્યો છે - દરદીઓની ચિંતા, બેચેની, ભય કે ડિપ્રેશન દૂર કરી શકવાની એની ક્ષમતાને કારણે. એ ઘોડા સાથે ફક્ત થોડો સમય ગાળ્યા પછી એવો તે શું બદલાવ આવે છે કે દરદીઓ રાહત અને નિરાંત અનુભવવા લાગે છે, તેઓ મૃત્યુ માટે તૈયાર થઈ જાય છે, તેઓ શાંતિથી વિદાય લે છે. એનું કારણ કહું? એનું એકમાત્ર તાર્કિક અને વૈજ્ઞાનિક કારણ છે સંપૂર્ણ હાજરી. બીજી એક પણ વાત કે વ્યક્તિનો વિચાર કર્યા વગર એ ઘોડો પૂરી સમગ્રતાથી ત્યાં હાજર રહે છે અને એક પણ શબ્દ બોલ્યા વગર પોતાની આંખોથી દરદીઓને સાંત્વના આપે છે કે ‘તમે શાંતિથી જાઓ, મૃત્યુ પછીનું વિશ્વ વધુ સુંદર છે એ વાતની હું તમને ખાતરી આપું છું.’
મૃત્યુમાંથી ઉગારતા કે બીમારીમાંથી મુક્ત કરતા તબીબોની વચ્ચે ડૉક્ટર પેયો એક એવો અપવાદ છે જે દરદીને મૃત્યુ વખતે હિંમત અને હાજરી આપે છે. અત્યાર સુધી ૧૦૦૦ જેટલા દરદીઓને તેમના છેલ્લા શ્વાસ સુધી ડૉક્ટર પેયોએ સથવારો આપ્યો છે. ગૂગલ પર જઈને ડૉક્ટર પેયોના દરદીઓ સાથેના ફોટોગ્રાફ્સ કે વિડિયો જોશો તો તમે પણ મારી જેમ રડી પડશો. માણસાઈના આવા પાઠ એક જાનવર પાસેથી શીખવા મળે એ હકીકત જ કહી આપે છે કે આધ્યાત્મિક સમૃદ્ધિ પર ફક્ત મનુષ્યની મોનોપૉલી નથી.
ડૉક્ટર પેયો જે સૌથી મહત્ત્વની શીખ આપે છે એ છે ‘પ્રેમ એટલે હાજર રહેવું’. પૂરા અટેન્શનથી, પૂરી સમગ્રતાથી, હૃદયપૂર્વક, નિસબતપૂર્વક અને કરુણાપૂર્વક હાજર રહેવું એટલે પ્રેમ. કોઈ પણ જીવિત કે મૃત્યુ પામી રહેલી વ્યક્તિને આપણે આપી શકીએ એવી શ્રેષ્ઠ ભેટ આપણી હાજરી છે. સામે રહેલી વ્યક્તિને ‘અનડિવાઇડેડ અટેન્શન’ આપી શકવું એ પ્રેમની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે. દરેક વ્યક્તિ પાસે એવું તો કશુંક હોય જ છે જે અન્યને રાહત આપી શકે. કરુણા, નિસબત, હાજરી કે પછી શાબ્દિક સાંત્વના થકી જો ઇચ્છીએ તો આપણે પણ ડૉક્ટર પેયો બની શકીએ છીએ. એક પીડિત વ્યક્તિને રાહત અને નિરાંત આપી શકીએ, આ જીવનો એનાથી વધારે સારો ઉપયોગ બીજો કયો હોઈ શકે?■
-ડૉ. નિમિત્ત ઓઝા