23/01/2025
વીર વેગડાજી ભીલ (કોળી) ઈતિહાસ ઝલક આપણો ઈતિહાસ આપણો વારસો
સોમનાથની સખાતે વીરગતિ પામેલ કોળી વીર શ્રી વેગડાજી દાદા ભીલ
દિલ્હીની ગાદી ઉપર તે વખતે મહમદ તઘલખ બીજાનું સાશન હતું. જુનાગઢમાં પોતાના સુબા સમસુદીનનો પરાજય થતા બાદશાહે તેને બદલીને ઝફરખાનને ગુજરાતનો સુબો નિયુક્ત કર્યો. ઝફરખાન મુળતો રાજસ્થાનનો હતો પણ સમય જતા સુબામાંથી તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ થઈ બેઠેલો. આથી તેણે સોમનાથમાં બાદશાહી થાણુ મુક્યુ. રસુલખાન નામના એક મુસ્લિમને થાણેદાર નિમ્યો હતો. ઝફરખાન મુર્તિપુજાનો કટ્ટર વિરોધી હતો. તેની નજર સોમનાથ મંદીર ઉપર હતી કારણકે હિંદુ લોકોની ખુબજ આસ્થા તેના ઉપર હતી.
રસુલખાનને ઝફરખાનનું ફરમાન છુટયુકે મંદીરમાં મોટી સંખ્યામાં હિંદુઓને એકત્ર ન થવા દેવા. તેવા સમયે જ શિવરાત્રિનો મેળો ભરાયો. રસુલખાન અને તેના માણસો મારઝુડ કરીને માંડ્યા માણસોને વિખેરવા. આથી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા અને રસુલખાનને તેના કુંટુંબ અને માણસોની સાથે જ મારી નાંખ્યો. આ ખબર ઝફરખાનને મળતા તે કાળઝાળ થઈ ઊઠયો અને સોરઠને દળી નાખવા તેના હાથ સળવળી ઊઠયા. તે સમયે ધર્માંધતા, મુર્તિપુજા, સમસુદીનનો પરાજય, રસુલખાનનું મોત આમ કેટલીયે બાબતો તેના દિલમાં કાંટાની જેમ ભોંકાતી હતી. આમ ઝફરખાન સોરઠ પર ચડયો છે. ગઢના કિલ્લાના દરવાજા ભાંગી નાખે તવા હાથી સાથે લીધા છે. ભેંકાર તોપુ ઢસડાવી આવે છે. અને કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈને સોમનાથ મંદીર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે.
સોમનાથ મંદીરની રક્ષા કરવા અરઠીલા ના વીર હમીરજી ગોહિલ પોતાના 200 જેટલાં સાથી મિત્રો સાથે સોમનાથની સખાતે નિકળેલા અને રસ્તામાં એક નેસમાં લાખબાઈ ચારણ ના આશીર્વાદ લઇ આગળ વધે છે જ્યાં રસ્તામાં વેગડાજી ભીલ કોળીનું દ્રોણગઢડા ગામ આવે છે
દ્રોણગઢડા ગામ એ દ્રોણગઢ ડુંગર પર ( દ્રોણ ગઢ ડુંગર એટલે સિહોર તાલુકા (સિંહલપુર) ના અંતરિયાળ ગામ #ટોડા, ટોડી અને માલવણ ના સીમાડે આવેલ ડુંગર જ્યાં હાલ પણ જુના કિલ્લાના અવશેષોની લોકવાયકાઓ પ્રચલિત છે)
વેગડાજી કરીને ભીલ સરદારની ગિરમાં આણ ફરે. 300 ભીલ કોળી તેની પાસે તૈયાર રહેતા અને બોલાવતા દોઢ હજાર ભીલયોધ્ધા ભેગા કરી શકતા. ગિરથી માંડી સિહોર પાસેના સરોડના ડુંગર સુધી વેગડાજીના તીર વાગતા. ભીલ બધા સોમનાથને ખુબજ માનતા હતા. એકવાર કોઈ જેઠવા રાજપુત તુલસીશ્યામની જાત્રાએ જતા હતા. રસ્તામાં વેગડા ભીલે તેને આંતર્યા અને ભીલ અને રાજપુત વચ્ચે ધીંગાણુ થયું. તે જેઠવા રાજપુત કામ આવ્યો. પણ મરતા મરતા પોતાની નાની દીકરી રાજબાઈને વેગડાજીને સોંપીને ભલામણ કરીકે, ભાઈ, આ દીકરીને ઉછેરજે અને ઉંમરલાયક થતા કોઈ સારો રાજપુત જોઈ તેના લગ્ન કરાવજે. આમ તેની વાત સ્વીકારીને વેગડાજીએ પોતાની દીકરી હોય તેમ ઉછેરી હતી. તે પણ હવે ઉંમરલાયક થઈ ગઈ હતી. જેથી તે સમયે આઈ લાખબાઈની ડમણી અટકાવી. બે ટંક રોકયા. દીકરી માટે કોઈ સારા રાજપુતનું ઠેકાણુ પુછયું. તેથી લાખબાઈએ કહ્યુકે, બાપ વેગડા, હમીરજી લાઠિયો સોમૈયાની સખાતે નીકળ્યો છે. તને ના નહીં પાડે. એની સાથે રાજબાઈને વરાવ.
આઈ લાખબાઈના વચને વેગડા ભીલે પોતાના ત્રણસો બાણાવાળી કોળી ભીલો સાથે ગિરમાં કાળવાનેસ પાસે પડાવ નાખ્યો. છે કાળવાનેસની બાજુમાં જ શિંગવડો નદી વહે છે. તેમાં હમીરજી અને તેના સાથીદારો નહાવા પડયા. નહાતા નહાતા રમતે ચડી ગયા. તેમાં થોડા આઘા નીકળી ગયા. ઘણીવારે બહાર નીકળ્યા ત્યાં ઘોડા ગાયબ હતા. હમીરજીએ પોતાના માણસોને પડખેના ડુંગર પર નજર દોડાવવા મોકલ્યા. માણસોએ આવીને ખબર દીધાકે થોડે દુર કોઈ પડાવ છે અને ત્યાં ઘોડા હણહણે છે. સૌ પછેડીભર ભીલોના પડાવ સુધી આવ્યા. વેગડો ભીલ આગળ આવ્યો. ઓળખાણ પુછી કે હમીરજી ગોહીલ તમે પોતે ? તમારી તો વાટ જોઈ રહ્યા છીએ અમે. હમીરજીએ પુછ્યુકે, તમે કોણ ? સામે જવાબ મળ્યો કે, વેગડો ભીલ. તેથી હમીરજી બોલ્યા, ઓ હો હો, વેગડો ભીલ, ગિરનો સાવઝ, ભારે કામ થયુ. સોમનાથની સખાતે જતા તમારો મેળાપ થયો.
વેગડાએ આગ્રહ કરીને હમીરજીને સાથીઓ સાથે બે દિવસ મહેમાનગતિ કરવા રોક્યા. તે દરમિયાન ખાનગીમાં રાજબાઈને હમીરજી વિશે વાત કરી અને તેમને ગમે તો હમીરજી સાથે લગ્ન કરાવી આપવા કહ્યુ. આમ જેઠવા કુળની સ્વરૂપવાન કન્યાને મોઢે શરમનાં શેરડા પડ્યા. મુંગા મોઢે સંમતિ આપી. વેગડાએ હમીરજીને વાત કરી. હમીરજીની સંમતિ મળી ગઈ. પણ વાત એમ હતી કે તેમની સાથેના બસ્સો જેટલા સાથીઓ પણ હમીરજી પરણે ત્યારે જ પરણવાના નીમ લીધા હતા તેથી ભીલોની કન્યા સાથે તેમના પણ લગ્ન ગોઠવવામાં આવ્યા. આમ ગિરમાં ભીલપુત્રીઓ સાથે બસ્સો રાજપુત અને રાજબાઈ સાથે હમીરજીના સમુહ લગ્ન ઉજવાણા. ઢોલ અને શરણાઈ ગહેંકી ઊઠયા, મોતને માંડવે પોંખાવા જતા યુવકોએ હર્ષોલ્લાસથી ગિરને ગાંડી કરી મુકી. અને આમ હમીરજીના લગ્ન સોમનાથની સખાતે જતા રસ્તામાં પોતાના કોઈપણ કુંટુંબીજનોની હાજરી વગર થયા હતા જેનો ઈતિહાસ સાક્ષી પુરે છે.
સોમનાથ મંદીરનાં પ્રાંગણમાં ધમસાણ યુધ્ધ:
આમ ગિરનાં જંગલમાં લગ્ન થયાને બીજે જ દિવસે સોમનાથનો મારગ પકડ્યો. તેમની સાથે વેગડાજી અને તેમના સાથી ભીલોએ પણ પ્રયાણ કર્યુ. હમીરજીની સાથે અરઠીલાથી સાથે આવેલ માણસુર ગઢવી પણ કુબે, ટીંબે, ને ગામડે વસતીને ભલકારા દેતો ફરી રહ્યો છે. રાજપુત, કાઠી, આહીર, મેર, ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓના જુવાનોને સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર કરી રહ્યા છે. આમ રસ્તામાંથી જેટલા યોધ્ધાઓ મળ્યા તેને સાથે લઈને સોમનાથ પહોંચી ગયા છે.
વેગડાજીએ એના જાસુસો મારફત ઝફરખાનની ફોજના સમાચાર મેળવે છે. બાદશાહની ફોજ સોરઠના સીમાડા દબાવતી ચાલી આવે છે. રાજાઓ અને ઠાકોરોને દંડતો આવે છે. તેમની સેનાને રોકનારૂ કોઈ નથી નીકળ્યુ. જયારે આ બાજુ હમીરજી, વેગડાજી અને બીજા શુરવીરો સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે. પુજારીઓ અને પ્રભાસના નગરજનો સાબદા બનીને ઊભા છે. ઝફરખાનને રોકટોક સોમનાથને રોળી નાખવુ હતું. તેને સમાચાર મળેલા કે કો’ક રડ્યા ખડ્યા માંથા ફરેલા સામનો કરશે. એમ વેગડાજીનો પ્રથમ પડાવ સોમનાથના મંદીરની બહાર રહેલો. પ્રભાસ અને સોમનાથ હમીરજીએ સંભાળેલા. વિજયના કેફમાં મદમસ્ત બનેલો ઝફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચયો. વેગડાજીના ભીલોના તાતા તીરોએ બાદશાહી ફોજના સામૈયા કર્યા. બળુકા હાથમાંથી છુટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહિમામ પોકરાવી રહ્યા છે. એક બાજુ દેવાલયને તોડવાનુ પ્રબળ ઝનુન છે, તો બીજી તરફ મંદીરને બચાવવાની અજબ જિજિવિષા છે. હાથી પર બેઠેલા ઝફરખાને સૈન્યનો સંહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ છોડયો.
તે સમયે ભીલ બાણાવળીઓ ઝફરખાનનો ઈરાદો પામી ગયા. સોમનાથને ફરતી ગીચ ઝાડીમાં વ્રૂક્ષોમાં સંતાઈને બાણવર્ષા તેમણે શરૂ કરી. સુબાના તોપચીઓ તોપ માથે ચિત્કાર કરીને ઢળવા માંડયા. ઝફર વધારે રોષે ભરાયો હતો. તોપચીઓ મરતા બીજી હરોળ આગળ કરી. ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી. અને બધા ભીલ વીરો તલવાર અને ભાલા લઈને સામા દોડી ગયાં એ સમયે હાથી પર રહેલ ઝફરખાન અને વેગડાજી બંન્નેની નજર મળે છે અને ઝફરખાને એક સરદારને હાથી સાથે વેગડાજીને મારવા કે યુદ્ધ કરવા માટે આગળ મોકલ્યો. એ સરદારના હાથીએ સુંઢથી ઝાલીને વેગડાજીને હવામાં ફંગોળ્યા પણ વેગડાજી ગજબની સમયસૂચકતા બતાવી.તેમણે તેમના હાથની તલવાર એટલા જોશભેર ફેંકી કે પકડવા આવેલા સરદારનું માથું ધડથી અલગ થઈ ગયું અને તેઓ મુસ્લિમ સૈનિકોના લાશના ઢગલામાં જોરથી પછડાયા અને આજ અખાત્રીજના દિવસે વેગડાજી અને તેમની સાથેના ભીલ સૈનિકો સોમનાથની સખાતે પ્રથમ વીરગતિ પામ્યાં.
સોમનાથ પ્રાંગણમાં આજે પણ ભીલ કોળી સમાજના બંધુઓ ભેગા થાય છે શ્રી વેગડા દાદાને નૈવેધ ધરાવે છે અને સોમનાથ દાદા પ્રત્યે શ્રધ્ધા વ્યક્ત કરે છે.
જય સોમનાથ દાદા🙏 જય વેગડાજી દાદા